સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

થાનના ગુગલીયાણા વીડમાંથી બે લાખનો ખનીજ સમાન ઝડપાયો

વઢવાણ,તા.૨૨ : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા થાન પંથકમાં ખનીજના વિપુલ ભંડાર ભર્યા છે. જેનું વર્ષોથી ગેર કાયદેસર ખનન અને વહન  માફિયા તત્વો દ્વારા કરી સરકારી ખરાબા, ગૌચર, ખાનગી માલિકીની જમીનો ખોદી નાખવામાં આવી છે. ત્યારે નવ નિયુકત જીલ્લા કલેકટર ઔરંગાબાદકર દ્વારા ગેરકાયદે ખનીજ ખનન અને વહનની પ્રવૃતિ સામે કડક હાથે કામ લેવા સૂચના આપવામાં આવતા ખાણ ખનીજ વિભાગના  સુપરવાઇઝર આશિષ પરમાર તથા ડી. સી. સાટીયા તથા થાન મામલતદાર હેમંતસિહ મકવાણા દ્વારા ગુગલિયાણા વીડમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમ્યાન વીડમાં ગેરકાયદેસર ખોદકામ કરવાં માટે રાખવામાં આવેલ રૂ. ૨ લાખની કિંમતના ૧ ચરખી, ૩ સૂપડા, ૧ ટો. સી., ૬ પોલ, ૧ મોટર સહિતનો બિનવારસી મુદ્દામાલ ઝડપાઇ જવા પામ્યો છે. તમામ મુદ્દામાલ થાન પોલીસ મથકે મોકલી આપવામાં આવ્યો છે.

  તંત્રએ ખરેખર ગેરકાયદેસર ખનન અને વહન અટકાવવાની હિંમત હોય તો વીડમાથી ઝડપાયેલ ટી.સી. ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું, ક્યારે લાવ્યા, તેનું બીલ છે કે PGVCL માંથી  લાવવામાં આવ્યું છે.  ટી.સી. કાઢી આપ્યું છે. અત્યાર સુધીમાં PGVCL માંથી કેટલા ટી.સી. બારોબાર પગ કરી ગયા છે.  એ તમામ બાબતોની ચોકસાઈ કરવામાં આવે તો અનેક કર્મચારી ઓના તપેલા ચડી જાય તેમ છે.

(11:57 am IST)