સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd July 2021

ગઢકામાં જી.આઇ.ડી.સી. બનાવાય તો ઉદ્યોગોના વિકાસની ખૂબ ઉત્તમ તક : ભૂપત બોદર

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી અને ઉદ્યોગ કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૨૨ : જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે તાલુકાના રાજકોટ શહેરથી નજીકના ગઢકા ખાતે નવી ઔદ્યોગિક વસાહત (જીઆઇડીસી) બનાવવા મુખ્યમંત્રી અને ઉદ્યોગ કમિશનરને રજૂઆત કરી છે. આ વિસ્તારમાં નવી જીઆઇડીસી બનવાથી નરેન્દ્રભાઇ મોદી અને વિજયભાઇ રૂપાણીનું વિકાસનું સપનુ સાકાર થવાની સાથે ઉદ્યોગોનો વિકાસ થશે અને રોજગારીની તક વધશે તેમ તેમણે જણાવ્યું છે. તેમણે જીઆઇડીસી બનાવવા માટેના અનુ કૂળ પાસાઓ રજૂઆતમાં વાગોળ્યા છે.

રજૂઆત કરતા જણાવેલ છે કે રાજકોટ તાલુકાના ગઢકા ગામ ખાતે સરકારી ખરાબો ૨૨૪-૧૩-૧૨ હેકટર આરે. ચો. મી. (૫૫૩ એકર આશરે) વિશાળ જગ્યા પર આવેલો છે ત્યારે ભવિષ્યમાં આ જગ્યા પર કોઈ દબાણ ન થાય તેમજ અહીં મોટા પ્રમાણમાં પછાત અને શ્રમિક વર્ગની વસ્તી હોય અને આજુબાજુમાં નાના-મોટા ઘણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝનો બોહળા પ્રમાણમાં વિકાસ થાય તેવી ઉત્તમ તકો રહેલી છે. આ ઉપરાંત નજીકમાં જ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણનું કામ પૂર જોશમાં ચાલુ હોય ધંધો - રોજગારના વિકાસને વેગ મળે તેમ છે અને બાજુમાંથી ૭૫ થી ૯૦ મીટરનો રસ્તો હોય વાહન વ્યવહારના પરિવહન માટે અનુકૂળ વાતાવરણ છે ત્યારે રાજકોટથી સરધાર હાઇવે પર પણ જામનગર રોડ, કાલાવડ રોડ, ગોંડલ રોડ જેવો વિકાસ થશે.

વધુમાં શ્રી ભૂપતભાઈ બોદરે પોતાની રજૂઆતમાં જણાવેલ કે અહીં જી.આઈ.ડી.સી.ફાળવવાથી આસપાસના વિસ્તારોમાં રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થશે તેમજ આજબાજુના અનેક ગામો જેવાકે ગઢકા, ઢેબચડા, મહીકા, ખેરડી, ત્રંબા, ડેરોઈ, ફાડદંગ, ઢાંઢણી, રફાળા, કાળીપાટ વગેરે ને પણ ફાયદો થાય તેમ છે.

(12:12 pm IST)