સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

ગાંધીધામના લાકડાના વ્યાપારીનું અપહરણ કરી ૩૫ લાખની ખંડણી વસૂલાતાં ચકચાર

રાજસ્થાન ઉઠાવી જઈ ૩ કરોડ માંગ્યા ૩૫ લાખ ચૂકવ્યાઃ માંડમાંડ અપહરણકારોની ચુંગાલમાંથી છૂટયા બાદ ગાંધીધામ પહોંચ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૩: ગાંધીધામના લાકડાના અગ્રણી વ્યાપારી મુકેશ અગ્રવાલ નું ગત ૧૯/૧ ના સવારે અપહરણ કરાયું હતું. આ અંગે સર્જાયેલ ચકચાર બાદ અપહરણકારોની ચુંગાલમાંથી જેમતેમ બચીને આવેલા મુકેશ અગ્રવાલે ગાંધીધામ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

તે મુજબ સવારે બેડમિન્ટન રમીને ૭પોતાની મર્સીડીઝ કારમાં પોતાના લાકડાના બેનસોમાં જઈ રહેલા મુકેશ અગ્રવાલને વેગનાર કારમાં આવેલા પાંચ શખ્સોએ બંદૂક અને લોખંડની ટામી બતાવી અપહરણ કર્યું હતું. રાધનપુર પાસે તેમને કારમાંથી ઉતારી અપહરણકારો પોતાની આર.જે. ૨૩ સીબી ૩૨૧૩ કાર માં બેસાડી રાજસ્થાન ઉઠાવી ગયા હતા. સુનીલના નામે સેટલમેન્ટ કરી આપવા દબાણ કરી રવીન્દ્ર અને અન્ય આરોપીઓએ તેમને છોડવા માટે તેમની પાસેથી ૩ કરોડ રૂપિયા ખંડણીના માંગ્યા હતા. ત્યારબાદ તેમને રાજસ્થાનના અલગ અલગ ગામોમાં ફેરવ્યા હતા. રકઝક બાદ ૩૫ લાખ ચૂકવવાના સમાધાન બાદ મુકેશ અગ્રવાલે પોતાના મિત્ર બજરંગ શર્માની મદદથી ૩૫ લાખ રૂપિયા જયપુર સિંધી કેમ્પ પાસે પહોચાડ્યા હતા. જયાં ત્રણ આરોપીઓ પૈસા લઈ જતા રહ્યા હતા.

બાકીના બે આરોપીઓ મુકેશ અગ્રવાલને ફેરવતા રહ્યા હતા. જોકે, મુકેશ અગ્રવાલે અપહરણકારોની ચુંગાલમાંથી છૂટવા કીમિયો લડાવી ચા માટે ગાડી રોકવા જણાવ્યું હતું. ત્યાં ચાની હોટલવાળા ને પોતાની આપવીતી જણાવી મદદ માંગતા હોટલવાળા એ તેમને છુપાવી દીધા હતા. મુકેશ અગ્રવાલ ગુમ થઈ જવાની ભનક આવતાં આરોપીઓ કાર લઈને નાસી છૂટયા હતા.

ત્યાર બાદ મૂકેશ અગ્રવાલે પેટીએમ દ્વારા પોતાના મિત્રની મદદ માંગી ચા વાળા ના એકાઉન્ટ માં ૧૦ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. લક્ષ્મણ ગઢમાં અન્ય મિત્ર પાસે પહોંચ્યા હતા. જયાં તેમના પરિવાર જનો આવ્યા હતા. બાદ જયપુરથી મુંબઈ અને કંડલા વિમાન દ્વારા ઘેર પહોંચેલા મુકેશ અગ્રવાલે ૫ અજાણ્યા અપહરણકારો વિરૂદ્ઘ પોલીસ ફરિયાદ કરી છે.

ગાંધીધામ પોલીસે ટોલ ગેટ સીસી ટીવી કેમેરા, મુકેશ અગ્રવાલના ફોન સીમ કાર્ડનું લોકેશન ટ્રેક કરી ટેકનિકલ સર્વેલન્સ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)