સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

વડાલ ખાતે ૧૨૮ દિકરીઓને સ્વબચાવ માટે ૧૦ દિવસની સેલ્ફ-ડિફેન્સ માર્શલ આર્ટની તાલીમ અપાઇ

જૂનાગઢ તા. ૨૨ : જૂનાગઢના વડાલ ખાતે ૧૨૮ દિકરીઓને સ્વબચાવ માટે બેટી બચાવો,બેટી પઢાઓ યોજના અંતર્ગત ૧૦ દિવસની બેઝીક એકસરસાઇઝ, પંચ, કિક, અટેક ડિફેન્સ,પોઇન્ટ સ્ટેપ્સ,સીટ-અપ, સ્ટેચીંગ, ચુનીદાવ,લાઠીદાવ વગેરેની તાલીમ આપવામાં આવી હતી.

દિકરીઓની છેડતી, અપહરણ, એસીડ એટેક વગેરે જેવા ગંભીર હિંસાત્મક ગુનાઓનો અવારનવાર બને છે. આવા ગુનાઓનો બનતા પહેલા દિકરીઓ શારીરિક-માનસિક રીતે સક્ષમ બને અને સંજોગો મુજબ સામનો કરવાની હિંમ્મત દાખવીને પોતે પોતાનું રક્ષણ કરી શકે તે માટે દિકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ મળે તે હેતુસર બેટી બચાવો,બેટી પઢાઓ યોજના અંતર્ગત વડાલ ગામ ખાતે તા.૭ થી ૧૭ જાન્યુઆરી સુધી સેલ્ફ-ડિફેન્સ માર્શલ આર્ટની ૧૦ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જીગરભાઇ જસાણી,દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પ્રફુલ જાદવ,મહિલા શકિત કેન્દ્રના સ્ટાફની ઉપસ્થિતિમાં તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કરાટે ગોલ્ડમેડાલીસ્ટ નાઝનીન ખાન દ્વારા ૧૨૮ દિકરીઓને સેલ્ફ-ડિફેન્સ માર્શલ આર્ટની તાલીમમાં બેઝીક એકસસાઇઝ, પંચ, કિક, અટેક ડિફેન્સ, પોઇન્ટ સ્ટેપ્સ,સીટ-અપ,સ્ટેચીંગ, ચુનીદાવ,લાઠીદાવ વગેરેની તાલીમ આપવામાં આવી હતી. તેમજ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત તાલીમ લેનાર તમામ કિશોરીઓને ટી-શર્ટ,ટોપી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

(1:00 pm IST)