સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

જામગઢના ખેડૂતની જાણ બહાર તેની માલિકીની જગ્યાના દસ્તાવેજ થઈ ગયા : વધુ એક જમીન કૌભાંડ

નવા લેન્ડ ગ્રેબીંગ કાયદા મુજબ પગલા લેવા કલેકટરને રજૂઆતો : રાજકોટના ચુનારાવાડ શખ્સ સહિત પાંચ લોકો સામે બોગસ દસ્તાવેજ ઉભા કર્યાના આક્ષેપો

રાજકોટ, તા. ૨૩ : જીલ્લાના જામગઢના કોળી ખેડૂતની જમીનનો રાજકોટના થોરાળાના કોળી શખ્સે બારોબાર બીજાના નામે દસ્તાવેજ લખાવી લઈ અને અવેજની રકમ ઓળવી જઈ લાખોની છેતરપીંડી કર્યાના પ્રકરણમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો નોંધવા જીલ્લા કલેકટર સમક્ષ અરજદારે ફરીયાદ કરતા લેન્ડ ગ્રેબીંગનું વધુ એક પ્રકરણ સામે આવ્યુ છે.

આ અંગે ફરીયાદી ગોકળભાઈ દેવશીભાઈ વાવડીયા (જ્ઞાતિ કોળી) (રહે.જામગઢ, તા.જી. રાજકોટ)એ કલેકટર સમક્ષ કરેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે અમો ફરીયાદી રાજકોટ તાલુકાના મોજેગામ - જામગઢમાં વડીલો પાર્જીત ખેતીની જમીન ધરાવીએ છીએ અને અમારે કુલ ચાર સંતાનો છે.

આજથી એકાદ વર્ષ પહેલા અમારી તબિયત ખરાબ હોય, હું કુવાડવા મુકામે અવેળા પાસે આવેલ દવાખાને દવા લેવા ગયેલો ત્યારે ચનાભાઈ ગગજીભાઈ કોળી, રહે. ચુનારવાડવાળા મને મળેલ અને તેઓ એટલે કે આ ચનાભાઇ અમારા ગામનો ભાણેજ હોવાથી હું તેને સારી રીતે ઓળખું છું. મારી આ ચનાભાઈએ ખબર પૂછેલ કે કેમ છો મામા? અહિં શું કામ આવ્યો છો? તેથી મેં જણાવેલ કે મારી તબિયત ખરાબ છે અને દવા અને સારવાર કરાવવા માટે પૈસાની વ્યવસ્થા થઈ શકેલ નથી જેથી આ મારો ભાણેજ ચનાભાઈ ગગજીભાઇએ કહેલ કે તમે રાજકોટ મારી સાથે આવો હું તમને કહુ તેમ કહેવાથી સરકારી ઓફીસમાં સરકાર પૈસા તમારા બેંક ખાતામાં જમા આપશે, તમે તમારા ખેતીના કાગળો અને બેંકની પાસબુક લઈને મારી સાથે આવો. ત્યારબાદ અવાર-નવાર આ ચનાભાઈએ મને મોટી - મોટી વાતો કરીને જુદી જુદી લાલચ આપીને તેની રીક્ષામાં રાજકોટ લઈ જતા અને મારા ખાતામાં પૈસા આવી જશે તેવુ કહી મારી જુદા - જુદા કાગળોમાં સહીઓ લઈ અને મે તપાસ કરતા મારા ખાતામાં રૂ.૫૦ હજાર જ જમા થયેલ છે.

હાલમાં વડાપ્રધાનશ્રીની નાના ખેડૂતોને સીધી આર્થિક સહાયની મેળવવાની કિશાન સહાય યોજનાના સંદર્ભમાં કાર્યવાહી કરવા તલાટી મંત્રી પાસે જતા અમારા ગામના તલાટીમંત્રીએ જણાવેલ કે તમારા નામે આવેલ ગામ - જામનગઢની રેવન્યુ સર્વે નં.૧૪ પૈકી ૧ની જૂની શરતવાળી જમીન હવે બીજાના નામે થઈ ગયેલ છે તેવુ જણાવતા મેં મારા દિકરી તથા જમાઈને જાણ કરેલ અને ત્યારબાદ અમારા જમાઈની મદદથી તપાસ કરતા આ મારા ગામના ભાણેજ - ચનાભાઈ ગગજીભાઈ કોળીએ મારી સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરીને મારી વડીલોપાર્જીત જમીનની કિંમત પેટે મને માત્ર રૂ.૫૦ હજાર મારા બેંક ઓફ ઈન્ડિયા, કુવાડવાના ખાતામાં જમા કરાવીને બાકીના પૈસા બેંકના ખાતામાં આવશે તેવુ જણાવી મારી અજ્ઞાનતા અને નિરક્ષરતા ગેરલાભ ઉઠાવી તેમના મળતીયાની મદદથી આ હરેશભાઈ ભાનુભાઈ છૈયાના નામે વેચાણ દસ્તાવેજ રાજકોટની સબ રજી. ઓફીસે જઈને કરાવી લીધેલ છે. અમો ફરીયાદીને અવેજ પેટે માત્ર રૂ. પ૦,૦૦૦/- જ મળેલ છે બાકીની કોઇ રકમ આજદીન સુધી મળેલ નથી. અમારી વડીલોપાર્જીત અમો ફરીયાદીનાં નામે આવેલ જમીન કે જે મોજેગામ - જામગઢનાં રેવન્યુ સર્વે નં. ૧૪ પૈકી ૧ ની જુની શરતની ખેડવાણ જમીન ક્ષેત્રફળ હે, આરે. ચો.મી. ૪-૨૬-૯૫ નો વેચાણ દસ્તાવેજ કરાવી લીધેલ છે અને અમારા ખેડ ખાતા નં, ૧૯ થી આ જમીન આવેલ હતી અને તપાસ કરતાં વેચાણ દસ્તાવેજની નકલ મેળવતાં ચાર હેકટર ઉપરની જમીન રૂ. ૧૩,૫૦,૦૦૦/ અકે રૂપિયા તેર લાખપચ્ચાસ હજાર પુરામાં વેચાણ આપેલ હોવાનું આ દસ્તાવેજમાં દર્શાવેલ છે અને આ દસ્તાવેજ મુજબ રૂ।. ૫૦,૦૦૦/ એ. બી. આઈ., યુની. શાખાના ચેક નં. ૧૯૩૪૫૧ તા. ૧૬/૫/૨૦૧૮ થી સુકવેલ હોવાનું દ્શાવેલ છે. જયારે રૂ।. ૧૩,૦૦,૦૦૦/ અંકે રૂપિયા તેર લાખપુરા રોકડા આપેલ હોવાનું દર્શાવેલ છે.

આમ અમો ફરીચાદીને અમારી સારવાર અર્થે સરકારી સહકાય અપાવી દેવાની લાલચ - બાંહેધરી આપીને અમો ફરીયાદીને વિશ્વાસમાં લઇને કપટ પૂર્વક અમો ફરીયાદીની ખેતીની જમીન લખાવી લઈને અને અમો ફરીયાદીને વેચાણ દસ્તાવેજમાં દર્શાવેલ આવી અવેજની કૉઇ રકમ મળેલ નથી અને અમારી આવી કિંમતી જમીનની કિંમત રૂ।. ૧૩,૫૦,૦૦૦/ થી વધુ રૂ. ૫૦,૦૦,૦૦૦/ અકે રૂપિયા પચ્ચાસ લાખ થી વધુ બજાર કિંમત થાય છે અને ઇન્કમટેક્ષ કાયદાની જોગવાઇ મુજબ તેમજ રીઝર્વ બેંકનાં નવા નિયમો મુજબ આવી કોઇ રૂ।. ૧૩,૦૦,૦૦૦/ અંકે રૂપિયા તેર લાખ પુરાની રકમ રોકડમાં આપી ન શકાય. તેમજ અમો ફરીયાદીને આવી કોઇ રોકડ રકમ આજદીન સુધી મળેલ નથી. તેમજ આ કહેવાતા વેચાણ - વ્યવહાર વાળી ખેડવાણ જમીનનો કબજો, ભોગવટો, માલીકી આજે પણ અમો ફરીયાદી ધરાવીએ છીએ અને અમો ફરીયાદી હાલમાં પણ આજ વાડી - ખેતરમાં રહીએ છીએ.

દરમિયાન આ અંગે અમો ફરીયાદીએ પોલીસ કમિશ્નરશ્રી રાજકોટના ને તા. ૧૩/૫/૨૦૧૯નાં રોજ વિગતવાર ફરીયાદ અરજી આપેલી જેની તપાસ કુવાડવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કરવા કમિશ્નર સાહેબએ હુકમ ફરમાવેલ, પરંતુ ત્યારબાદ અમોને જાણવા મળેલ છે કે આરોપી નં. ર ના એ અમારી ખેતીની જમીન મિલાપીપણા થી આરોપી નં. ૩ ના જોેગ વેચાણ દસ્તાવેજ અનુ. નં. ૭૮૬ તા. ૧૯/ર/૨૦૧૯ થી સબ-રજીસ્ટ્રારશ્રીની કચેરી રાજકોટમાં નોંધાવીને રૂ।. ૧૪,૦૦,૦૦૦/ નો અવેજ આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના ચેકથી મેળવીને અમો ફરીચાદી ને વધુ લીટીગેશનમાં ઉતરવું પડે તેવા હેતુથી આરોપી નં.૩ના ની સાથે મિલાપીપણું કરીને અમારી માલીકીની જમીન ફરીથી વેચાણ કરી દીધેલ છે અને આરોપી નં. ૩ અને તેના મળતીયા ઓ અમારી ખેતીની જમીનનો કબજો પડાવી લેવા ટ્રેકટર, જે.સી.બી. મારફત અને મજુરો મારફત જમીન ખેડવાનો પ્રયત્ન કરીને કબજો પડાવી લેવા પ્રયત્ન કરતાં હોય તેથી અમો ફરીયાદીએ પોલીસ નો સંપર્ક કરેલો અને પોલીસનાં સમજાવાથી આ લોકો અમારી જમીનનો કબજો પડાવવાનો બંધ કરેલ અને ત્યારબાદ પોલીસ જતી રહ્યા પછી આરોપીનં.૧ થી પના એ ટ્રેકટર અને જે.સી.બી. ની મદદથી અમારા ખેતરમાં અમારા કબજામાં ખુસીને ગેરકાયદેસર રીતે આખુ ખેતર ખેડી નાખી અને અમો ફરીયાદીનું રહેણાંકનું મકાન કે જે ખેતરમાં હતુ તે પાડીને ગેરકાયદેસર રીતે ડરાવી - ધમકાવીને અમો વૃધ્ધ ફરીયાદી પાસેથી અમો ફરીયાદીની વડીલોપાર્જીત ખેતીની જમીન પડાવી લીધેલ છે. તે અંગે અમોએ ગઇ તા. ૮/૬/૨૦૧૯નાં અરસામાં પોલીસ કમિશ્નરશ્રી તથા ગુજરાત રાજ્યનાં પોલીસવડાને પણ વિગતવાર અરજી આપેલ છે. તેમજ મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યનાં ઓને પણ વિગતવાર અરજી આપેલ છે. તેમજ ગુજરાત રાજ્યનાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાને પણ લેખીતમાં રજુઆત કરેલ છે.છતાં પોલીસે યોગ્ય કાર્યવાહી કરેલ નથી.

 આમ હવે અમારી જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ - ૨૦૨૦ (લેન્ડગ્રેવીંગ એકટ હેઠળ)   ગુન્હો દાખલ કરવા અને યોગ્ય હુકમ ફરમાવવા અને અમો ગરીબ ખેડુતને અમારી વડીલોપાર્જીત કિંમતી જમીનનો કબજો પરત સોપવા સબંધે જરૂરી તમામ કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી છે.

આ પ્રકરણમાં ફરીયાદીએ આરોપીઓ તરીકે (૧) ચનાભાઈ ગાગજીભાઈ કોળી (રહે.ચુનારાવાડ, રાજકોટ) (૨) હરેશ ભનુભાઈ છૈયા (રહે.મુંજકા, તા.જી. રાજકોટ), (૩) એભલભાઈ પ્રભાતભાઈ કુવાડીયા (રહે.રાજકોટ, સોમનાથ સોસાયટી શેરી નં.૨) (૪) વિક્રમભાઈ લાવડીયા (૫) નીરૂભાઈ (રહે. માર્કેટીંગ યાર્ડ પાછળ, ગામ ભીચરી તા. જી. રાજકોટ) આ તમામ સામે ગુન્હો નોંધવા ફરીયાદમાં જણાવાયુ છે.

(2:38 pm IST)