સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 23rd January 2022

કચ્છને સેવાભૂમિ બનાવનાર મૂળ ભાવનગરના ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ 'કાકા'ની જન્મ શતાબ્દિ નિમિત્તે કચ્છમાં વિવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન

૧૦૦ તળાવના ખાણેત્રા, એક લાખ વૃક્ષોનું વાવેતર, લાયબ્રેરીઓને ૧૦ હજાર પુસ્તકોનું વિતરણ, પશુ ચિકિત્સા, હસ્તકલા પ્રોત્સાહન, કચ્છી સંગીતના કાર્યક્રમો, દરિયાઈ શેવાળની ખેતી, ૧૦૦ વોકેશનલ ટ્રેનિંગ વર્કશોપ સહિતના અનેક વિધ સામાજિક સેવાકીય કાર્યોનો સંકલ્પ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમ અજરખપુર દ્વારા સ્વ.શ્રી કાન્તિસેન શ્રોફ ‘કાકા’ના જ્યારે શતાબ્દી વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે આ સળંગ વર્ષ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેની શુભ શરૂઆત કાકાના ચિત્રો કાકાએ ૯૦ વર્ષની જૈફ વયે દુનિયા સમક્ષ એક પ્રવૃત્ત માનવી વિશેષ પ્રદાન કરી શકે એનું ઉદાહરણ પૂરું પાડયું હતું. એમણે ૩૦૦થી વધારે ચિત્રો દોર્યાં. જેમાંથી પસંદ કરાયેલા ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. સાથેસાથે મહારાષ્ટ્રના કલાકાર નિલેશ નિવાતે દ્વારા કાકા-કાકીનાં રંગોળી પેઈન્ટીંગ એમના બે સહાયકોની મદદ વડે બે દિવસના સમયગાળામાં ૨૭ કલાક કામ કરી રંગોળીઓ બનાવી. એ પણ લોકોને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. 

તા. ૩ જાન્યુઆરીના સવારે ૧૦:૦૦ વાગ્યે એલ.એલ.ડી.સી. ખાતે આવેલી ઇન્સ્પીરેશન ગેલેરીમાં નવો શો – “ઓફ બ્રેઈડ્સ એન્ડ મેજિક”નો શુભ આરંભ કરવામાં આવ્યો છે. જે એક એવા વ્યક્તિ વિશેષ છે જેઓ ઘણા વર્ષો સુધી એન.આઈ.ડી. નિફ્ટમાં પ્રોફેસર રહી ચૂક્યા છે એવાશ્રી એરલ નેલ્સન પાયર્સના હસ્તે બનાવેલા નમૂનાઓ પ્રદર્શન માટે મૂકાયા છે. તેઓએ રાજસ્થાન ખાતે એમના ગુરુ ઈશ્વરસીંગ પાસેથી ઊંટ પર મૂકવામાં આવતા તંગ પ્રકારનું કામ શીખ્યા. જેને કચ્છમાં આપણે ખરડ ક્રાફ્ટ સાથે જોડી શકીએ. તેમણે એ શીખ્યા બાદ એનું નવીનીકરણ કર્યું જે ક્રાફ્ટને – પ્લાય સ્પ્લીટ બ્રેઈડીંગ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વસ્ત્રપરિધાનથી લઈને ડેકોરેશન માટેની પણ કૃતિઓ મૂકવામાં આવી છે. શ્રી એરલ દરેક રસ ધરાવતી વ્યક્તિને શીખવવા તત્પર છે. 

આ ગેલેરી શ્રીદીપેશભાઈ શ્રોફ, પ્રોફેસર એરલ નેલસન પાર્યસ, શ્રીકિરીટભાઈ દવે, ડો. ઈસ્માઈલ ખત્રી, ખમીર સંસ્થાના શ્રીઘટિત લહેરુ, શ્રી શામજીભાઈ વણકર, શ્રીઅમીબેન શ્રોફ અને શ્રી સલીમ વઝીર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ગેલેરી ખૂલ્લી મૂકાઈ હતી. આ શો તા. ૩જી જાન્યુઆરી થી ૧૫મી એપ્રિલ સુધી રાખવામાં આવશે. 

શ્રી અમી શ્રોફ અને શ્રી મહેશભાઈ ગોસ્વામીએ ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દથી સ્વાગત કર્યું હતું. શોના ક્યુરેટર શ્રી નિહારિકાબેન શાહ-અમદાવાદ દ્વારા એલ.એલ.ડી.સી.માં શો ગોઠવવાની તક સાંપડી એ માટે એ ખૂબજ ખુશી અનુભવી. તેઓએ એલ.એલ.ડી.સી.ને કલાના મંદિર તરીકે માનવ્યું હતું. વધુમાં તેમણે શ્રીએરલના વ્યક્તિત્વના એવા પાસાંઓ રજૂ કર્યાં જેથી એમનું આર્ટ પ્રત્યેનું સમર્પણ ઊડીને આંખે વળગે. પ્રાસંગિક ઉદબોધન કરતાં શ્રી એરલે જણાવ્યુ કે સ્વ. ચંદાબેન સાથે ઘણા સમય પહેલાની મુલાકાત થયેલી. જ્યારે એ કાકીના સ્વપ્ન સામાં એલ.એલ.ડી.સી.માં આ શો રજૂ કરવાની જે તક મળી એ એમના માટે ખૂબ યથાર્થ છે. આ ક્રાફ્ટને જોવા વધુમાં વધુ લોકો આવે અને એને જાણે એવું જણાવ્યું હતું. 

તા. ૩ જાન્યુઆરીના સાંજના એટલે કે સ્વ. કાન્તિસેન શ્રોફ(કાકા)નો ૧૦૦મા જન્મદિવસને ‘સંકલ્પ દિવસ’ તરીકે ગણીને વંદનાનો કાર્યક્રમ કચ્છ નવનિર્માણ અભિયાન સંસ્થા દ્વારા એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમ, અજરખપુર ખાતે યોજાયો હતો. જે રીતે કાકા પોતાના જીવનમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી અને બધા માટે એક મિસાલ બની ગયા તે રીતે આગામી વર્ષ દરમ્યાન દેશી બિયારણ, પર્યાવરણ, શિક્ષણ, કળા, સાહિત્ય, લોકસંગીત વગેરે ક્ષેત્રોમાં થનાર કામગીરી કેમ અને કેટલા વ્યાપમાં કરવામાં આવશે તેની રજૂઆત કરવામાં આવી. 

કાકાના જીવનનો ઉદેશ્ય એ રહ્યો કે, હમેશાં બધાને સાથે લઈને, બધા સાથે રહીને અને બધા માટે વિચારીને જ કાર્યો હાથ ધરવાં. તેથી કાર્યક્રમની શરૂઆત “સહનાવવતુ” પ્રાર્થના જે કાકાને સવિશેષ પ્રિય હતી તેનાથી કરવામાં આવી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અગ્રણીઓ; બીદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા તથા કિરીટભાઈ દવે, પ્રદીપ ગોસાલ, કમલેન્દુભાઈ, કચ્છ નવનિર્માણ અભિયાનના મોવડી સુષ્મા આયંગર, વરિષ્ઠ પત્રકારશ્રી કીર્તિભાઈ ખત્રી, જાણીતા ચિંતક અને કટારલેખક હરેશભાઈ ધોળકિયા, ગોરધનભાઈ પટેલ, સંદીપ વિરમાણી અને અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. 

ત્યારબાદ કલાવારસોના કલાકારોએ ગણેશ વંદના રજૂ કરીને કાર્યક્રમને પ્રારંભ આપી દીધો હતો. કાકાના બાળપણથી લઈને જૈફ વય સુધીના ફોટોની ઝલક બતાવવામાં આવી હતી જેથી સ્વ.કાકાને તાદ્રશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

અભિયાન સંસ્થાના જયેશભાઈ લાલકાએ સર્વે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરીને “૧૦૦ જળમંદિર અભિયાન પ્રોજેકટ”ના પ્રથમ ચરણમાં ૧૦૦ તળાવમાં જળસંગ્રહનો સંકલ્પ લીધો હતો. ક.વિ.ઓ. જૈન મહાજન અને અભિયાન તેમજ લોક સહયોગી સંસ્થાથી ૧૬૯.૭૪ લાખના આ પ્રોજેકટ પર થનારા કામને વર્ણવ્યું હતું. 

વી.આર.ટી.આઈ.ના ગોરધનભાઈ પટેલ ‘કવિ’એ વર્ષ દરમ્યાન લીધેલા ૩ સંકલ્પોને બધા સમક્ષ મૂક્યા. જેમાં, પ્રથમ સંકલ્પમાં ૧૦૦ ગામના દરેક ગ્રંથાલયને ૧૦ હજાર રૂપિયાના પુસ્તકો આપવાની જાહેરાત કરી હતી. પ્રતીકરૂપે સારસ્વતમ સંસ્થાના મૂલેશભાઈ દોશીને પુસ્તકો અપાયાં હતાં. દ્વિતીય સંકલ્પમાં વિવેકગ્રામ પ્રકાશન દ્વારા પ્રકાશિત પાંચ પુસ્તકો જેમાં, લાલ રાંભિયા લિખિત ‘કલાયાત્રાના સંભારણા’, લીલાધર માણેક ગડા(અધા) લિખિત ‘પિલર ૧૧૭૫’(નવલકથા), ડો. કાંતિભાઈ ગોર ‘કારણ’ લિખિત ‘બારસાખે તોરણ’, હરેશ ધોળકિયા લિખિત ‘નવી સદી આનંદયુગનું પ્રભાત’, તેમજ કેશુભાઈ દેસાઈ લિખિત ‘વન વનના પારેવાં’ પુસ્તકોનું અગ્રણીઓના હસ્તે વિમોચન કરાયું. જ્યારે ત્રીજા સંકલ્પમાં ‘૨૧મી શતાબ્દીનું કચ્છ’ વિષયે નિબંધલેખનની જાહેરાત કરાઈ હતી જેમાં અત્યાર સુધી ૧૦૮ નિબંધો આવી ગયા હોવાનું તેમણે કહ્યું હતું. જેને આવનારા દિવસોમાં લોકો સમક્ષ મૂકવામાં આવશે. 

વન વિભાગના પૂર્વ અધિકારી અને કાકા સાથે સંકળાઈને જેમણે ઘણા કર્યો કર્યાં છે એવા એચ. પી. વરિયાએ પર્યાવરણ ક્ષેત્રે સંકલ્પ લેતાં જણાવ્યું કે, કુકમા વિસ્તારમાં એક લાખ દેશી તેમજ ઔષધીય વૃક્ષો ઉછેરવામાં આવશે.

કસબના પંકજભાઈ શાહે કોંટેમ્પરરી એક્સપ્રેશન ઑફ ટ્રેડિશનલ ક્રાફ્ટનો સંકલ્પ લીધો હતો. જેમાં, વરિષ્ઠ ડિઝાઇનર કિરીટભાઈ દવેના માર્ગદર્શન હેઠળ હસ્તકળાના ૧૦૦ નવતર નમૂના તૈયાર કરાશે અને ૨૦૨૩માં એલ.એલ.ડી.સી. ખાતે તેમનું એક્ઝિબિશન યોજાશે. આ પ્રોજેકટમાં વડીલથી લઈને યુવા કારીગરોને પણ સાંકળી લેવામાં આવશે. 

વી.આર.ટી.આઈ.ના સેંધાભાઈ પારેગીએ વોટર હાર્વેસ્ટિંગની પ્રવૃત્તિઓનો સંકલ્પ લેતાં જણાવ્યું કે, ૬ તાલુકામાં ૧૦૧ તળાવ-ડેમનું રિનોવેશન કરાશે. બે વર્ષ અને ૨.૨૨ કરોડના પ્રોજેકટના ફાયદા વર્ણવ્યા. તેમજ અબડાસા તાલુકાના ૨૦ ગામોમાં એક્સેલ કંપનીના આર્થિક સહયોગથી પશુ ચિકિત્સકની સેવાઓ આપવામાં આવશે એવું જણાવ્યું હતું. 

લોકસંગીતના વારસાને ટકાવવા માટે ૨૪ ગામોમાં સંગીતની રેયાણ ગોઠવવામાં આવશે તેમજ દસ્તાવેજીકરણ કરીને ૧૦૦ જેટલી પરંપરાગત જૂની સંગીત રચનાઓને સાચવવામાં આવશે. સાથોસાથ સંગીત વિશે જ્ઞાન આપવામાં આવશે એવો સંકલ્પ કલાવારસોના ભારમલભાઈ સંજોટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. 

અશ્વિનભાઈ શ્રોફે કાકાના સિદ્ધાંત : ‘કામ માત્ર રૂપિયા કમાવા નહીં પણ સમાજને ઉપયોગી થવા કરવું’ ને આગળ વધારવા તમામ લોકો તેમજ સંસ્થાઓ વિચારે એવો ભાવ વ્યક્ત કર્યો. તેમજ વી.આર.ટી.આઈ. અને ઈકસર સાથે રહીને જે દરિયાઈ શેવાળને ઉગાડવાનો પ્રયોગ કર્યો છે જેના ઘણા ઘણા ફાયદાઓ છે, તે ખેતીમાં સારો પાક લેવામાં માટે બહુ ઉપયોગી નીવડે છે, તેનો ઉછેર કરવાની વાત કરી હતી.  

જો સરકાર વધુ જમીન ફાળવશે તો વધુ એક લાખથી પણ વધુ વૃક્ષો વાવવાનો દીપેશભાઈ શ્રોફે સંકલ્પ લીધો.  તેમજ અતુલભાઈ શ્રોફે પણ તેઓ વોકેશનલના જે વર્કશોપ કરી રહ્યા છે એમાં વધુ ૧૦૦ વર્કશોપ કરશે એ જણાવ્યું. 

આ અવસરે એલ.એલ.ડી.સી.ના મહેશભાઈ ગોસ્વામી અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવેલી વેબસાઈટ : www.kantisenshroff.com નો કિરીટભાઈ દવેના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. આ વેબસાઈટથી કોઈપણ વ્યક્તિ કાકાને બહોળી રીતે ઓળખી શકશે. કેમકે, કાકાએ પોતાની આ જીવનયાત્રામાં ઘણું ઘણું કર્યું અને સિદ્ધ કરી બતાવ્યુ. જેમાં, કાકા વિશેની માહિતી, વિડીયો, ફોટો, અવતરણો ઉપલબ્ધ છે તેમજ કોઈપણ વ્યક્તિને પોતાના પ્રતિભાવો મૂકવા હોય તો અહી સહેલાઈથી મૂકી શકે છે. જેમાં અબાઉટ મેનૂમાં કાકાની જીવન ઝરમર લેખિત સ્વરૂપે રજૂ થઈ છે. તે પછી ગેલેરી મેનૂમાં કાકાના ફોટોની ઈમેજ ગેલેરી, કાકાના અલભ્ય વિડિયોની વિડિયો ગેલેરી, જે-જે કાર્યક્રમોમાં કાકાએ ભાગ લીધો તે પર ની ઈવેન્ટ ગેલેરી, પી.ડી.એફ. ફૉર્મટમાં કાકા પર લખાયેલી અને કાકાએ લખેલા પુસ્તકની બૂક ગેલેરી તેમજ કાકા દ્વારા લખાયેલા પત્રોને લેટર ગેલેરીમાં મૂકવામાં આવ્યા છે. પેઈન્ટીંગ મેનૂમાં કાકાએ દોરેલાં ચિત્રો અને એના પ્રદર્શનોના ફોટા અહી નિહાળી શકશો. એમાં કાકા સાથે સંકળાયેલા પ્રસંગો માટેની વિગતો બ્લોગ સ્વરૂપે મૂકાઈ છે. ઓપીનિયનમાં કાકા સાથેના પ્રેરણાત્મક સંસ્મરણોને મૂક્યા છે જેના વડે કાકા સાથે બનેલી સમજ અને અનુભવોને મૂકવામાં આવ્યા છે. વળી કાકાએ ઊભી કરેલી સંસ્થાઓ અને કંપનીઓની સાઈટની લિન્ક પણ મૂકેલી છે. સૌથી સરસ સુવિધા રાખવામાં આવી છે એ ફાઈલ શેર છે. જેમાં તમે કાકા સાથેના અનુભવો કે કાકા વિશેની માહિતી ઓડિયો, વિડીયો અને ફોટો સ્વરૂપમાં આપી શકો છો. 

કાર્યક્રમના અંતમાં કલાવારસોના લોકસંગીતના કલાકારો વડે સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી. જેને સર્વે લોકોએ પ્રેમથી માણી અને દિલથી પ્રતિસાદ આપ્યો. કચ્છ નવનિર્માણ અભિયાનના જય અંજારિયાએ કાર્યક્રમના સંચાલનનો દોર સંભાળ્યો હતો

(10:53 am IST)