સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd January 2023

વડિયાના ગ્રામીણ વિસ્‍તારમાં નાયબ મુખ્‍ય દંડક કૌશિક વેકરીયાના આભાર ઉત્‍સવ કાર્યક્રમ સાથે લોકદરબાર યોજાયા

(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા તા. ૨૩ : અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા પૈકી ની ૯૫અમરેલી વિધાનસભાની ચૂંટણીમાં જાયન્‍ટ કિલર ગણાતા પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીની જીત ની હેટ્રિક રોકી તેને પરાજયનો અનુભવ કરાવનાર યુવાનેતા કૌશિક વેકરીયાનો આ સીટ પર લોકોએ ખોબલે ખોબલે આપેલા મતથી વિજયી થયો હતો. ત્‍યાર બાદ લોકોએ આપેલા મત બદલ તેમનો આભાર માનવા અને લોકોએ મુકેલો તેમના પરનો વિશ્વાસ પર લોકોના કામ કરી, લોકોની મુશ્‍કેલીઓ દૂર કરવા તેમના દ્વારા ગ્રામીણ વિસ્‍તારમાં પ્રવાસો સાથે વહીવટી તંત્ર અને પોલીસને સાથે રાખી લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે.

જેથી લોકોના પ્રશ્‍નોનો સ્‍થળ પર નિકાલ કરવા ગતિશીલ કાર્યવાહી કરી શકાય. આ કાર્યક્રમ અંતર્ગત તેમના દ્વારા વડિયા તાલુકાના ગ્રામીણ વિસ્‍તાર એવા ખજૂરી પીપળીયા, ખજૂરી, મેઘા પીપળીયા, તરઘર,તલાળી, ખાખરીયા,ખડખડ,ભૂખલી સાંથળી, બાટવા દેવળી, ઢૂંઢિયા પીપળીયા અને હનુમાન ખીજડીયા ગામોમાં આભાર ઉત્‍સવ રૂપી લોકદરબાર યોજ્‍યા હતા. આ કાર્યક્રમોમાં લોકો દ્વારા પોતાની મુશ્‍કેલીઓ અને પ્રાથમિક સુવિધાઓ બાબતે પોતાના પ્રશ્‍નો રજુ કર્યા હતા અને નાયબ મુખ્‍ય દંડક કૌશિક વેકરીયા દ્વારા સ્‍થાનિક તંત્ર ને આ બાબતે તાત્‍કાલિક ઘટતું કરવા સૂચનાઓ આપી હતી. જે પાયાની સુવિધાઓ બાબતે વિકાસલક્ષી પ્રશ્‍નો માટે પોતે સરકારમા રજુઆત કરી વહેલી તકે સમસ્‍યાઓનું નિરાકરણ લાવશે તેવી ખાત્રી આપાઈ હતી.

સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક કૌશિક વેકરીયા,તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્‍મર ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલ્‍પેશ મોવલિયા, તાલુકા પંચાયત પ્રમુખ પતિ વસંત સોરઠીયા, જિલ્લા પંચાયત સદસ્‍ય વિપુલ રાંક, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પ્રાગજી વસાણી, તાલુકા પંચાયતના સદસ્‍યોં, વિવિધ ગામના સરપંચો, સંગઠનના વિવિધ મોર્ચાના આગેવાનો સહીત મોટી સંખ્‍યામાં દરેક ગામમા લોકો પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં નાયબ દંડકના લોકદરબારમાં વહીવટી તંત્રના વડિયા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પીજીવીસીએલ, પાણી પુરવઠા, પોલીસ સહીતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

(1:41 pm IST)