સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd January 2023

કંડલા પોર્ટમાં ૨૮૦ કરોડના ખર્ચે નવી માળખાગત સુવિધાના વિસ્તૃતિકરણના કાર્યોનો કેન્દ્રીય શીપીંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા વર્ચ્યુઅલ પ્રારંભ

૨૨ વર્ષ પછી નવી ઓઈલ જેટી શરૂ, હજી ત્રણ ઓઈલ જેટીઓ, ફોરલેન રોડ અને મહાકાય ગોડાઉનોનો શિલાન્યાસ, પ્રધાનમંત્રીની દેશના બંદરોની માલવહન ક્ષમતા ૩૦૦૦ મી.મે.ટન સુધી લઈ જવાની યોજના, મેરી ટાઈમ ઈન્ડીયા વિઝન ૨૦૩૦ને સાકાર કરવા કંડલા બંદર અગ્રેસર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩

દરિયાઈ વ્યાપાર ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાગુ કરાયેલ મેરી ટાઈમ ઈન્ડીયા વિઝન ૨૦૩૦ અંતર્ગત નેશનલ લોજિસ્ટિક પોલિસી સાથે દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા કુલ ૨૮૦ કરોડના ખર્ચે નવી માળખાકીય સુવિધાઓનું વિસ્તૃતિકરણ હાથ ધરાયું છે. જે અંતર્ગત કેન્દ્રીય શીપીંગ મંત્રી સર્બાનંદ સોનાવાલ દ્વારા દિલ્હીથી નવી ઓઈલ જેટીનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન અને અન્ય માળખાગત સુવિધાઓનું શિલાન્યાસ કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય શીપીંગ મંત્રીશ્રી સોનોવાલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત દેશના આંતરિક નદીઓના અને દરિયાના જળ માર્ગને જોડીને પ્રવાસીઓની તેમ જ માલસામાનની હેરફેર કરવાની દિશામાં મહત્વની કામગીરી થઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના લક્ષ્યાંક મુજબ ચાલુ વર્ષે ૨૦૨૩ માં દેશના બંદરોની માલ સામાન પરિવહનની ક્ષમતા વધારીને ૩૦૦૦ મિલિયન મેટ્રિક ટન કરવાની યોજના છે. દિનદયાળ પોર્ટ કંડલા છેલ્લા ૧૫ વર્ષથી કાર્ગો હેન્ડલિંગમાં દેશમાં નંબર વન છે. અહીં નવી ઓઈલ જેટીનુ નિર્માણ થવાથી વ્યાપાર વધશે. કંડલા મધ્યે બંદરીય સુવિધાઓનું વિસ્તૃતીકરણ, ડીજીટીલાઈઝેશન સાથે આધુનિકરણ કરાઈ રહ્યું છે. હવે તેને ગ્રીન પોર્ટ બનાવવાની દિશામાં સૌ કામ કરીએ. કંડલા દેશના પશ્ચિમી છેડે આવેલું મહત્વનું બંદર છે અહીં માળખાગત સુવિધાઓ વધારવાથી મેગા પોર્ટ તરીકેનું સ્થાન પ્રાપ્ત કરશે.  પ્રધાનમંત્રીનું સ્વપન છે કે, ૨૦૪૭ સુધી આપણે દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બનીએ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ થકી આપણો દેશ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ બને. આ પ્રસંગે દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ મેરી ટાઈમ ઈન્ડીયા વિઝન ૨૦૩૦ અંતર્ગત કેન્દ્રીય શીપીંગ મંત્રાલયના માર્ગદર્શન  હેઠળ કંડલા પોર્ટ મધ્યે બલ્ક કાર્ગો હેન્ડલિંગ, મલ્ટી મોડેલ કનેક્ટિવિટી, નેશનલ લોજીસ્ટિક પોલિસી સાથે અનેકવિધ કામો થઈ રહ્યા છે. તુણા બંદરે રૂ. ૬૫૦ કરોડથી પણ વધુના ખર્ચે કન્ટેનર ટર્મિનલ અને બલ્ક કાર્ગો હેન્ડલિંગ ની સુવિધા ઊભી કરાઈ છે. હવે, ૮ નંબરની ઓઈલ જેટી ૭૪ કરોડના ખર્ચે બની ગઈ છે. હવે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ૯, ૧૦, ૧૧ એ ત્રણ નવી ઓઈલ જેટીઓ બનાવવાનો શિલાન્યાસ આજે કરાયો છે. જે પૈકી આ વર્ષે વધુ ૯ નંબર ની ઓઈલ જેટી તૈયાર થઈ જશે. આ ઉપરાંત બંદરની અંદરના ટ્રાન્સપોર્ટની હેરફેર માટે રૂ. ૬૭ કરોડના ખર્ચે નવા ફોર લેન રસ્તાઓ, માલ સામાન સ્ટોરેજ માટે રૂ.૪૦ કરોડના ખર્ચે ડોમ ટાઇપ ૪ મહાકાય ગોડાઉન બનાવવા માટેનો પણ શિલાન્યાસ આજે થયો છે. નવા ગોડાઉનોના કારણે ૧ લાખ મેટ્રિક ટન માલ સામાનનો સંગ્રહ કરી શકાશે.  નવી ઓઈલ જેટી બની જવાથી ૨ મિલી. મે.મે.ટી.પી.એ. ઓઈલનું પરિવહન વધી જશે. અહીં દરિયાની ઊંડાઈ વધુ હોઈ નવી ઓઈલ જેટીઓ ઉપર મહાકાય ઓઈલ શિપ લાંગરી શકશે. નવી ઓઈલ જેટીઓને કારણે હવે કંડલા પોર્ટ ઉપર લીકવીડ કાર્ગોની હેરફેર વધી જશે. વધુમાં અહીં ૫૫૦ એકર જમીનમાં ઓઈલ સ્ટોરેજ માટે ટેન્ક ફાર્મ ઊભી કરાશે. જેના થકી ૨.૨૮ મેટ્રિક કિલો લીટર ઓઈલ સ્ટોરેજ (લીકવીડ કાર્ગો)  દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલા બંદરને સ્માર્ટ પોર્ટ, ગ્રીન પોર્ટ અને મેગા પોર્ટ બનાવવાની દિશામાં પણ કામગીરી થઈ રહી હોવાનું ચેરમેન એસ.કે. મેહતાએ જણાવ્યું હતું. જ્યારે કંડલા લીકવીડ કાર્ગો એસોસિયેશન ના પ્રમુખ મહેશ ગુપ્તાએ ૨૨ વર્ષ બાદ ઓઈલ જેટી બની તેનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નવી જેટીઓ થકી જહાજો માટે બર્થ સહેલાઈથી મળી રહેશે. અત્યાર સુધી બર્થ ન મળતાં જહાજો દરિયામાં ઊભા રહેતા હતા અને ડેમરેજ ચડતાં આયાતકારો નો ખર્ચ વધતો હતો. પણ, હવે  કંડલા બંદરે લીકવીડ કાર્ગોની હેરફેર વધશે. કારણકે બધા જ બંદરો પૈકી અહીં કંડલામાં તમામ ઓઈલ તેમ જ લીકવીડ કાર્ગો ના સ્ટોરેજ માટે ટેન્ક ફાર્મની સુવિધા સૌથી વધુ છે. કાર્યક્રમમાં શિપિંગ મંત્રાલયના સેક્રેટરીશ્રી ડો. સંજીવ રંજન તેમજ ઓએસડીશ્રી સુધાંશુ પંત વર્ચ્યુઅલી હાજર રહીને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સાંસદ વિનોદ ચાવડાએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન

દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ઉપાધ્યક્ષશ્રી નંદીશ શુક્લા એ કર્યું હતું. કાર્યક્રમમાં ઇફકો ચેરમેનશ્રી ઓ.પી. દાયમા, ફેડરેશન ઓફ ફ્રેઇટ ફોરર્વડ એસોસીયેશનના પ્રમુખશ્રી રાહુલ મોદી, કસ્ટમ કમિશનરશ્રી પી.વી.રવી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી તેજાભાઈ કાનગડ, કંડલા પોર્ટના  અધિકારીશ્રીઓ તથા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા વ્યવસ્થા પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ સંભાળી હતી. (તસવીરો: રાજેશ લાલવાણી, ગાંધીધામ)

 

(9:08 pm IST)