કેશોદમાં ટ્રક ભાડાના પ્રશ્ને ઓઇલ મીલરના પુત્રની હત્યાની કોશીષ
કાલવાણી ગામે યુવાનનાં ખુનનો પ્રયાસ
(વિનુ જોશી) જુનાગઢ તા.ર૩ : કેશોદ વિસ્તારમાં હત્યાની કોશીષના બે બનાવ પોલીસ દફતરે નોંધાયા હતા. જેમાં કેશોદમાં ટ્રક ભાડાના પ્રશને ઓઇલ મીલરના પુત્રનાં અને કાલવાણી ગામે યુવાનનાં ખૂનનો પ્રયાસ થયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે કેશોદનાં શાસ્ત્રીનગરમાં રહેતા અને ગંગનાથ પરામાં કામનાથ ઓઇલમીલ ધરાવતા રામજીભાઇ માવજીભાઇ ગોંડલીયા (ઉ.વ.૭ર) નામના ઓઇલ મીલરે કેશોદનાં મોવાણા ગામનો શાબીર હુસેન દલ અને વંથલીનો રીઝવાન રજાકભાઇ અમરેલીયાના ટ્રકમાં સીંગદાણાનો માલ મંગાવેલ હતો.
પરંતુ સીંગદાણાના આઠ કટા પલળી જતા રામજીભાઇ અને તેના પુત્ર ભરત સાથે બંને શખ્સોએ ટ્રકના ભાડા બાબતે રકઝક કરી હતી.
જેમાં શાબીર અને રીઝવાને ઉશ્કેરાઇ જઇને ભરતભાઇ ઉપર છરી વડે હુમલો કરી પેટના ભાગે અને છાતીમાં ગંભીર ઇજા પહોંચાડી હતી.
ઓઇલમીલર પુત્રને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. બનાવ અંગે કેશોદ પોલીસે રામજીભાઇ ગોંડલીયાની ફરિયાદ લઇ બંને શખ્સો વિરૂધ્ધ કલમ ૩૦૭ વગેરે મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ પીએસઆઇ એન.બી.ચૌહાણ ચલાવી રહયા છે.
હત્યાની કોશિષનાં બીજા બનાવમાં કેશોદ તાલુકાના કાલવાણી ગામના ધર્મરાજ નામુભાઇ દયાતર (ઉ.વ.ર૧) ઉપર મેસવાણના રાજેશ ભોજાભાઇ બાબરીયા તથા તેનો ભાઇ કમલેશ તેમજ જીજ્ઞેશ ભરતભાઇ અને તેનો ભાઇ અને રાજેશની પત્નીએ ધારિયા વડે ખુની હુમલો કરી ધર્મરાજને મારી નાખવાની કોશિષ કરી હતી.
વાડીના રસ્તા અંગેના મનદુઃખ અંગે સમાધાન માટે ભેગા થઇ કરેલા હુમલામાં ધર્મરાજ દયાતરને ગંભીર ઇજા થઇ હતી. વિશેષ તપાસ કેશોદનાં પીએસઆઇ એમ.એન.સોનારા ચલાવી રહયા છે.