સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd September 2021

બીજે દિ' ધોરાજીમાં બે માળનું મકાન ધરાશાયી

ગઇકાલે ભોળા ગામમાં ઇમારત પડયા બાદ સતત બીજા દિવસે બીજુ મકાન પડયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૩ : ધોરાજીના દરબારગઢ મામલતદાર ઓફિસ પાસે શ્રી બાલયોગી હનુમાનજી મંદિર સામે બે માળ ધરાવતું મકાન અચાનક જ ધરાશાયી થતા આ વિસ્તારના લોકોમાં થોડી વાર માટે નાસભાગ મચી ગઇ હતી પરંતુ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં અવરજવર હોવા છતાં પણ લોકોને ચમત્કારિક બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના દરબારગઢ રોડ મામલતદાર ઓફિસ પાસે શ્રી બાલયોગી હનુમાનજી મંદિર ની સામે દામજીભાઈ ભાલારા ની ઓફિસ ઉપર બે માળ ધરાવતું જૂનું મકાન કોઈ અગમ્ય કારણોસર ધડાકાભેર અવાજ સાથે રોડ ઉપર પડતા થોડા સમય માટે તો લોકોની નાસભાગ મચી ગઇ હતી પરંતુ ઉપરનું મકાન આખું ધરાશય થતાં સંપૂર્ણ રોડ બ્લોક થઈ ગયો હતો પરંતુ કોઇ જાનહાનિ થઇ ન હતી.આ બાબતે આ વિસ્તારના રાજુભાઈ પઢીયાર બીપીનભાઈ મકવાણા કિશોરભાઈ પઢીયાર એ જણાવેલ કે ધોરાજીનો દરબારગઢ રોડ એટલે મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે અહીં નજીક મામલતદાર ઓફિસ આવેલી છે તેમજ સિટી સર્વે ઓફિસ સબ રજીસ્ટર ઓફિસ વગેરે કચેરીઓ પણ મામલતદાર ઓફિસની અંદર આવેલી છે જેથી લોકોને મોટી સંખ્યામાં અવરજવર હોય છે પરંતુ અહીં શ્રી બાલયોગી હનુમાનજી મહારાજ નું મંદિર પણ આવેલું છે તે ખુબ જ ચમત્કારીક છે અને એમની કૃપાથી આ વિસ્તારના એક પણ લોકોને સામાન્ય ઇજા પણ થઇ નથી આ વિસ્તારમાં સતત રોડ ઉપર દુકાનો પણ એટલી જ છે એક પણ વેપારીને પણ ઇજા થઇ નથી જે ખરેખર ચમત્કાર ગણવામાં આવે છે એમના માધ્યમથી જ આ વિસ્તારમાં લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.ઉપરોકત ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી તેમજ નગરપાલિકા બાંધકામ શાખા નો સ્ટાફ તેમજ ધોરાજી પોલીસ ઘટના સ્થળે તાત્કાલીક દોડી આવી હતી અને સ્થળ પંચનામું કરી તાત્કાલિક રોડ ઉપરથી એમનો ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ભોળા ગામમાં ઇમારત પડયા બાદ આજે બીજા દિવસે ધોરાજીમાં મકાન પડતા લોકોમાં ચિંતા પ્રસરી છે.

(11:45 am IST)