સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd September 2021

ઢોળવા ગામની પ્રાથમિક શાળામાં કિચન ગાર્ડન, પર્યાવરણ પ્રયોગ શાળા અને બીજ બેન્કની સુવિધા

ગામનું એક પણ બાળક ખાનગી શાળામાં નહીં

જૂનાગઢ તા.૨૩: ભેંસાણ તાલુકાના ઢોળવા ગામની પ્રાથમિક શાળાના બાળકો શિક્ષણ સાથે અન્ય પ્રવૃતિઓમાં પણ અવ્વલ છે. આ શાળામાં શિક્ષકોના શિક્ષણની સાથો સાથ વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓથી શાળાએ અનેક એવોર્ડ પણ મેળવ્યા છે. આથી ગામના બાળકો ખાનગી શાળાને બદલે સરકારી શાળા તરફ વળ્યા છે અને ગામનું એક પણ બાળક ખાનગી શાળામાં જતું નથી.

ઢોળવા પ્રાથમિક શાળાના શિક્ષક દીલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે,શાળામાં બાળકોને શિક્ષણ આપવા સાથે વિવિધ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. ગત વર્ષે ગુણોત્સવ ૨.૦ માંA+ ગ્રેડ મેળવ્યો હતો. જો કે,વર્ષ ૨૦૦૯ અત્યાર સુધીA+ É ગ્રેડ મેળવ્યો છે. તે ઉપરાંત સ્વચ્છ શાળા,શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પણ એવોર્ડ મળેલો છે.

શાળાના શિક્ષકો દ્વારા બાળકો ગમ્મત સાથે જ્ઞાન એટલે કે,શ્રેષ્ઠ શિક્ષણ આપતા હોવાથી ગામનું એક પણ બાળક ખાનગી શાળામાં અભ્યાસે જતું નથી. આ દરેક બાળકોની હાજરી ઓનલાઇન પુરવામાં આવે છે. જે બાળક શાળાએ ન આવ્યું હોય તેના વાલીને જાણ કરી કારણ પુછવામાં આવે છે.

શાળાના બાળકો શિક્ષણની સાથો સાથ રમત-ગમત અને અન્ય સ્પર્ધા પરીક્ષામાં ભાગ લઇ અવ્વલ બન્યા છે. જેમાં ખેલ મહાકુંભ સ્પર્ધામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા થયા છે. તે ઉપરાંત એમએમએસ પરીક્ષામાં જિલ્લામાંથી શાળાના ૨ થી ૩ બાળકો મેરીટની યાદીમાં સ્થાન મેળવે છે.

આ ઉપરાંત શાળાના ગ્રાઉન્ડમાં કિચન ગાર્ડન બનાવવામાં આવ્યું છે. જેમાં રીંગણા, ભીંડા, વાલોળ, વેલ, ગલકા, તુરીયા, ચોળી, મરચી, ધાણા, ભાજી સહિતના શાકભાજી ઉગાવવામાં આવ્યા છે. આ શાકભાજીનો ઉપયોગ મધ્યાહન ભોજનમાં કરવામાં આવે છે. તેમજ શાળામાં બાળકો માટે પર્યાવરણ પ્રયોગ શાળા અને બીજ બેન્કની સુવિધા ઉપલબ્ધ છે. આથી બાળકોને થિયરી સાથે પ્રેકિટકલ જ્ઞાન મળી રહે તેવા શિક્ષકો પ્રયાસ કરી રહ્યા છે અને આથી જ શાળાના બાળકોના જ્ઞાનમાં વધારો થયો છે.

ઢોળવા પ્રાથમિક શાળાની શ્રેષ્ઠ પ્રવૃતિ અને શિક્ષણને કારણે સ્કુલ એકસેલેન્સમાં પસંદગી થઇ છે. જેમાં ભેંસાણ તાલુકામાંથી બે શાળા થઇ છે. તેમાની આ એક શાળા એટલે ઢોળાવા પ્રાથમિક શાળા છે.

(1:15 pm IST)