સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

ભાવનગરના મોણપર ગામે યુવાનની હત્‍યાના કેસમાં પકડાયેલ આરોપીને આજીવન કેદઃ સામાપક્ષના બે આરોપીને છ માસની સજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૩: બે વર્ષ પુર્વે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામે થયેલી સામસામી મારામારી માં એક ૪૦ વર્ષીય યુવાનનું મોત નિપજતા આ બનાવ હત્‍યામાં પરીણમ્‍યો હતો . જયારે સામાપક્ષે પણ મારા મારી માં ઇજા થતા સામસામી પોલીસ ફરીયાદ જે તે સમયે નોંધાઇ હતી . આ હત્‍યા કેસમાં સંડોવાયેલા બે આરોપી પૈકીના એક આરોપીની સુરત ખાતે હત્‍યા થઇ હતી . ભાવનગરના ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેસન્‍સ જજ પીરઝાદા એᅠ મુખ્‍ય આરોપી સામે હત્‍યાનો ગુનો સાબીત માની આજીવન કેદની સજા ફટકારી હતી . જયારે મારા મારીના સામાપક્ષે નોંધાયેલી ફરીયાદ માં બે આરોપીઓને ૬-૬ માસની અદાલતે સજા ફટકારી હતી.

આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામે આવેલા ભરવાડવાસમાં ગત તા. ૬ / ઓક્‍ટોબર / ૨૦૧૯ ના રોજ રાત્રીના સમયે મારામારીનો બનાવ બનેલ જેમાં વજુભાઇ લખમણભાઈ આલગોતર (આ.ઉ.વ .૪૦) નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નિપજયુ હતુ . આ મારામારી નો બનાવ હત્‍યામાં પરીણામ્‍યો હતો . આ બનાવ અંગે છેલાભાઇ લખમણભાઇ આલગોતરે જે તે સમયે ભરતભાઇ સુરસંગભાઇ તથા ગજેન્‍દ્રભાઇ સુરસંગભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને આરોપીઓ સામે ઇપીકો કલમ ૩૦૨ સહિતનો ગુનો નોંધીયો હતો .

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્‍સીપલ ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેસન્‍સ જજ પીરઝાદા ની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ મનોજભાઇ જોષીની અસરકારક દલીલો, ૧૨ સાહેદોની જુબાની તેમજ ૩૫ દસ્‍તાવેજી પુરાવાને ધ્‍યાને લઇ મુખ્‍ય આરોપી ગજેન્‍દ્ર સુરસંગભાઇ ચૌહાણ સામે ઇપીકો કલમ ૩૦૨ નો ગુનો સાબીત માની આરોપીને આજીવન કેદની સજા તથા રોકડા રૂા . ૧૦ હજારનો દંડ તથા ઇ.પી.કો. કલમ ૩૨૪ માં ૩ વર્ષની સજા અને ૩ હજાર નો દંડ તથા ઇ.પી.કો. કલમ ૩૨૩ માં ૬ માસની સજા અને પાંચસો રૂપિયા દંડ તથા હથીયાર બંધીના જાહેરનામાના ભંગ બદલ ૩ માસની સજા અને ૧૦૦ રૂપિયાનો દંડની સજા ફરમાવેલ છે.

આ કામે ચાલતા કેસ દરમ્‍યાન આરોપી ભરતભાઇ સુરસંગભાઇ ચૌહાણનું સુરત મુકામે ખુન થયેલ હતું . જયારે સામાપક્ષે ભરતભાઇ સુરસંગભાઇ ચૌહાણે આરોપી છેલાભાઇ લખમણભાઇ આલગોતર તથા બોઘાભાઇ લખમણભાઇ આલગોતર વિગેરે સામે ફરીયાદ આપેલી જે અન્‍વયેનો કેસ ચાલી જતા સેસન્‍સ જજ શ્રી પીરઝાદા દ્વારા બંન્ને આરોપીઓને ઇપીકો કલમ ૩૨૩ માં તકસીરવાન ઠરાવી ૬ માસની સજા અને રૂા. પ ૦૦ નો દંડ ફટકારેલ છે. આ કામે ફરીયાદપક્ષે ૯ સાહેદોની જુબાની લેવામાં આવેલ અને ૯ દસ્‍તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ તેને તથા એ.ડી.પબ્‍લીક પ્રોસીક્‍યુટર મિતેષ એચ. મહેતાની દલીલોને ધ્‍યાને લઇ ઉપરોક્‍ત સજા ફરમાવવામાં આવેલ છે.

(10:14 am IST)