સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

કરવા ચોથ

આપણા આ વહાલા દેશ ભારતની બહેનો અનેક અને અનેકવિધ વ્રતો કરે છે. નાની બાલિકા હોય છે, ત્યારથી જ આ વ્રતોનો પ્રારંભ થઇ જાય છે. મોળાવ્રત, જયાપાર્વતીવ્રત, એવરત, જીવરત, ભાઇબીજ, રક્ષાબંધન આ બધા વ્રત બહેનો કરે છે. સ્ત્રીઓ પુરૂષો માટે આ બધા વ્રતો કરે છે. પુરૂષો સ્ત્રીઓ માટે કોઇ વ્રત કરે તેની જાણ છે? આવી કોઇ જાણ નથી. સ્ત્રી પુરૂષો માટે, પુરૂષોના સ્વાસ્થ્ય માટે, પુરૂષોના દીર્ઘાયુષ માટે વ્રતો કરે છે. આવું જ એક વ્રત છે કરવા ચોથ.

આશ્વિન માસની કૃષ્ણપક્ષની ચતુર્થીને દિવસે આ વ્રત કરવામાં આવે છે કરવાચોથ.

આ વ્રત કોણ કરે છે?

પરિણિતા સ્ત્રી આ વ્રત કરે છે. આ વ્રત પરિણીતા સ્ત્રી શા માટે કરે છે?

પોતાના પતિના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરે છે.

આ વ્રતમાં શું થાય છે?

સ્ત્રી આ વ્રતમાં બે કાર્ય કરે છે.

૧) પોતાના પતિના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના મનોકામના

ર) ચંદ્રદર્શન સુધી નિર્જળા ઉપવાસ આશ્વિન કૃષ્ણપક્ષની ચતુર્થીની રાત્રે ચંદ્રોદય લગભગ દશ વાગ્યે થાય છે.

અમારી હિમાલયની યાત્રા ચાલી રહી છે. અમે કેદારનાથની યાત્રા કરીને આજે કાલીમઠ પહોચ્યા છીએ. આજે કરવાચોથ છે પરંતુ અમને જાણ નથી કે આજે કરવા ચોથ છે. પુરૂષો કરવાચોથને શા માટે યાદ રાખે?

કાલીમઠમાં અમારો ઉતારો સતપાલજી દ્વારા પ્રેરીત શ્રીહંસ ધર્મશાળામાં છે. ધર્મશાળાના સંચાલકશ્રીએ અમારા સાંજના ભોજનની વ્યવસ્થા બાજુના એક ઘરમાં કરી છે. એક સાવ નાનુ ઘર છે અને ઘરમાં જ યાત્રીઓને ભોજન કરાવવાની ઘરગથ્થુ વ્યવસ્થા છે.

અમે સાત યાત્રીઓ સાથે છીએ. સાત જણને એક સાથે બેસાડીને જમાડી શકાય તેટલી જગ્યા નથી. તેથી અમે વારાફરતી જમવા જઇએ છીએ. તદનુસાર મારો વારો છેલ્લો આવ્યો.

અમે તે નાના સરખા ઘરમાં પહોચ્યા.

એક બહેને અમારૂ સ્વાગત કર્યુ, અમે ભોજન માટે બેઠા. થાડી પીરસાઇ અમને ગરમ ગરમ રોટલી મળે છે. ભોજન કરતા કરતા વાતોનો પણ પ્રારંભ થયો. મે  જ પ્રારંભ કર્યો.

'બહેન, તમારૂ નામ શું છે?'

'વિજયાલક્ષ્મી'

અને પછી તો વાતોનો દોર ચાલુ રહ્યો. આ પહાડી લોકો ઘણા સરળ અને ખૂબ ભોળા હોય છે. અજાણ્યા માણસ પાસે પણ પોતાના જીવનનો ખજાનો ખોલી નાખે છે.

આ વિજયાલક્ષ્મીનું પિયર રામપુરમાં છે. કેદારના રસ્તે ગૌરીકુંડ અને શોણપ્રયાગની પહેલા રસ્તા પર જ રામપુર નામનું ગામ છે. અહી કાલીમઠની બાજુમાં થોડે ઉપરવાસે તેનુ સાસરૂ છે. અહીં તો એ નાની સખરી હોટલ ચલાવવા અને સાથે સાથે બાળકોને ભણાવવા માટે અહી રહે છે. બાજુમાં કોટીમાં માં ખૂબ સારી શાળા છે. થોડે દૂર એક પહાડમાં નવોદય વિદ્યાલય પણ છે. અહી ઉતરાખંડમાં શિક્ષણનો ખૂબ સારો માહોલ છે. પહાડો અને જંગલોમાં રહેનાર આ પ્રજાના બાળકો ખૂબ ભણે છે અને સારી રીતે ભણે છે. આ પ્રજા જંગલમાં રહે છે પણ જંગલી નથી. આ પ્રજા સંસ્કારી છે. અમારી વાતચીત દરમિયાન આ વિજયાલક્ષ્મીના વાકયે વાકયે 'જી..જી.. કર્યા કરે અને જાણે સાવ નજીકના સ્વજય હોય તેમ નિખાલસભાવે વાત કરે છે.

અમારાં ભોજન અને વાર્તાલાપ દરમિયાન બે યુવાનો વારાફરતી અહી આવી ગયા. વિજયાલક્ષ્મી તુરંત પરિચય આપે છે.

'દિયરજી છે'

વિજયાલક્ષ્મીને ત્રણ બાળકો છે આ ત્રણેય બાળકો અહી સાથે જ રહે છે અને મા સાથે જ રહીને માનું અને શાળાનું એમ બંને શિક્ષણ પામે છે.

વાતના ક્રમમાં અમે જાણ્યુ કે આજે કરવાચોથ છે અને આજે આ વિજયાલક્ષ્મીને કરવાચોથનું વ્રત છે. રાત પડી ગઇ છે. વિજયાલક્ષ્મીએ સવારનું કાંઇ જ ખાધુ નથી અરે, પાણી પણ પીધુ નથી. આમ છતા વિજયાલક્ષ્મી ધડાધડ રોટલી બનાવી રહી છે અને દોડાદોડ અમને પિરસી રહી છે તેના ચહેરા પર થાક કે કંટાળાના કોઇ ચિહનો જોવા મળતા નથી.

સામાન્ય રીતે કરવાચોથનું વ્રત કરનાર બહેનો તે દિવસે કોઇ ખાસ કામ ન કરે. નિર્જળા ઉપવાસ હોય છે ને, તેથી આરામ આવશ્યક છે પરંતુ આ વિજયાલક્ષ્મીની વાત જૂદી છે. બાળકો માટે તો રસોઇ બનાવવી જ પડે ને! ઘરમાં કોઇ બીજી વડીલ સ્ત્રી નથી શુ કરે? ઉપરવાસે ગામમાં પોતાના પરિવારની થોડી ખેતી છે. આ ખેતી પણ વિજયાલક્ષ્મી જ સંભાળે છે. હમણા મંડવા નામનું એક અનાજ વાવેલુ છે. પાક તૈયાર થવા આવ્યો છે. વિજયાલક્ષ્મી ત્યાં જશે અને પાક લેશે, અન્યથા પાક નષ્ટ થઇ જાય!

કોઇના અંગતજીવનમાં ડોકીયું કરવુ તે અશિષ્ટ વ્યવહાર છે, પરંતુ કોઇ અંગત રાગદ્વેષ વિના માત્ર અને માત્ર હિમાલયના સમાજજીવનને સમજવા માટે અમારી આ વાતો ચાલે છે.

અમારી વાતોમાં વિજયાલક્ષ્મીના સંતાનો પિયરપક્ષ, શ્વસુરપક્ષ ખેતી, આ ઘર તથા હોટલ આવી અનેક વાતો આવી પરંતુ હજુ સુધી તેના પતિ વિશે કોઇ ઉલ્લેખ થયો નથી.

આખરે મેં પુંછયુ. 'તારો વર કયાં છે? તે શું કરે છે?'

વિજયાલક્ષ્મીનો ચહેરો લાલ થઇ ગયો. આંખોમાં જળજળિયા આવી ગયા. મને ધ્રાસકો પડયો. મે આ પ્રશ્ન પુછવામાં ઉતાવળ તો નથી કરી ને ? વિજયાલક્ષ્મીના પતિ ર્સ્વગવાસી તો નથી થયા ને? વિજયાલક્ષ્મી વિધવા તો નથી થઇને? ના ના એવુ તોન જ હતુ. વિજયાલક્ષ્મી કરવાચોથનું વ્રત કરે છે અને આ વ્રત તો સૌભાગ્યવતી સ્ત્રી ઓ જ કરે છે. વિજયાલક્ષ્મીના હાથમાં ભારો એક બંગડીઓ છે, તેને લાલરંગની સાડી પહેરી છે અને કપાળમાં કંકુનો ભરભરિયો ચાંદલો છે! આમ છતા મેં સમજી લીધુ કે વિજયાલક્ષ્મીને આ પ્રશ્નનો ઉતર આપવાનુ અનુકુળ નથી. શાબ્દિક માફી તો મે ન માંગી પણ મનોમન માફી માંગી લીધી. હું મૌન રહ્યો. અમારૂ ભોજન પુરૂ થયુ અને અમારે ઉતારે આવીને આરામ કર્યો.

બીજે દિવસે અમે કાલીશિલાની અતિદુર્ગમ યાત્રા કરી. યાત્રા પરિપુર્ણ કરીને થાકયા પાકયા અમે સાંજે પરત આવી ગયા. સ્નાન, દર્શન કરીને તુરંત અમે ભોજન માટે વિજયાલક્ષ્મી બહેનની ઘરગથ્થુ હોટલમાં ગયા. વિજયાલક્ષ્મીએ સ્મિતપુર્વક અમારૂ સ્વાગત કર્યુ. ભોજન અને ભોજનની સાથે વાર્તાલાપ પણ શરૂ થયો.

આ વાતોનો ક્રમમાં મે વિજયાલક્ષ્મીને કાંઇક હળવાશથી સુચવ્યુ.

'વિજયાજી! આ હોટલ થોડી મોટી બનાવો અને એક બોર્ડ પણ મુકો. તમારી હોટલનું નામ પણ રાખો.'

'સ્વામીજી! આપ જ કહો અમારી આ નાનકડી હોટલનું નામ શું રાખવુ.'

મેં તુરંત ઉતર આપ્યો.

'વિજયાલક્ષ્મી હોટલ!'

'ના, ના વિજયાલક્ષ્મી હોટલ નહિ'

'તો?'

'દિવાનજી હોટલ!'

'દિવાનજી કોણ?'

'મારા પતિ, આ બાળકોના પિતા!'

ગઇકાલે પતિનું નામ સંભાળીને વિષાદમાં સરી પડેલ વિજયાલક્ષ્મી આજે પતિનું નામ ઉમંગથી લે છે અને આ જે કાંઇ જુદા જ મનોભાવમાં છે.

ફરીથી અમારો વાર્તાલાપ આગળ ચાલ્યો.

મને લાગ્યું કે આજ વિજયાલક્ષ્મી પોતાના પતિ વિશે વાત કરવા તૈયાર લાગે છે તેથી મે પુછયુ,

'વિજયા! તું ખેતી સંભાળે છે, તું ઘર સંભાળે છે, બાળકોને સંભાળે છે અને આ હોટલ પણ તું સંભાળે છે તો તારા પતિ જેના માટે તું કરવાચોથનું વ્રત કરે છે તે દિવાનજી શું કરે છે?'

ફરીથી વિજયાલક્ષ્મી ઢીલી તો પડી ગઇ, પરંતુ તોયે હિંમત કરીને બોલી.'સ્વામીજી! દિવાનજી પીએ છે તેઓ પીવાનુ કામ કરે છે!'

હુ સ્તબ્ધ થઇ ગયો. વિજયાલક્ષ્મીના કહેવાનો અર્થ એમ થયો કે, તેના પતિ શરાબ પીએ છે અને ખૂબ પીએ છે અને મહદઅંશે પીવાનુ જ કામ કરે છે. વિજયાલક્ષ્મી ખૂબ કામ કરે છે ઢસરડો કરે છે અને આ ઢસરડો કરીને થોડા પૈસા બચાવે છે. બાળકોના અભ્યાસ માટે, કપડા માટે થોડા પૈસા બચાવીને ઘરમાં સંતાડીને મૂકે છે. વિજયાલક્ષ્મીની ગેરહાજરીમાં દિવાનજી આ એક જ ઓરડાના નાનકડા ઘરમાં ખાંખાખોળા કરીને આ સંતાડેલુ ધન શોધી કાઢે છે. આ ધન લઇને સડસડાટ શરાબની દુકાને જાય છે અને શરાબની બોટલો લઇ આવે છે. આ બોટલો ઘરમાં મુકે છે અને બેફામ પીએ છે.

વિજયાલક્ષ્મી જેમના દીર્ધાયુષ માટે જેમના સ્વાસ્થ્ય માટે કરવાચોથનું વ્રત કરે છે, ઉંડા ભાવપુર્વક કરે છે, નિર્જળા ઉપવાસ કરે છે અને ભગવાનને પોતાના દીર્ધાયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે, તે જ દિવાનજી પોતાની પત્નીની કરમતોડ મહેનતની થોડીઘણી કમાણીનો ઉપયોગ બળજબરીથી શરાબ ખરીદવામાં કરે છે અને બેફામ શરાબ પીએ છે અને છતા વિજયાલક્ષ્મી કરવાચોથનું વ્રત તો કરે જ છે.

અમે બે દિવસથી અહી ભોજન કરવા આવીએ છીએ. અમે વિજયાલક્ષ્મીના ત્રણેય બાળકોને તેમના દિયરજીઓને જોઇએ છીએ પરંતુ તેના પતિદેવ તો કયાંય જણાતા નથી. અમને તેમના દર્શન તો થયા જ નથી! આમ કેમ? આખરે મેં પુછયુ.

'વિજયાજી! દિવાનજી કેમ દેખાતા નથી. દિવાનજી કયાં છે?'

વિજયાલક્ષ્મીએ અમને તેમની વર્તમાન પ્રવૃતિનો પરિચય આપ્યો. વિજયાલક્ષ્મી અને દિવાનજીના પરિવારને બે ખચ્ચર પણ છે. દિવાનજી અત્યારે ગૌરીકુંડ કેદારનાથ રસ્તા પર યાત્રીઓ માટે આ ખચ્ચર ચલાવવાનુ કામ કરી રહ્યા છે. તેમની ખચ્ચર ચલાવવાની પ્રવૃતિ દ્વારા તેઓ કાંઇક કમાણી કરી રહ્યા હશે અને કાંઇક બચાવતા પણ હશે પણ અફસોસ!  એવું કશું જ નથી. દિવાનજી લગભગ છ મહિના સુધી પોતાના આ બે ખચ્ચરો યાત્રીઓની યાત્રા માટે ચલાવે છે, પરંતુ છ માસને અંતે કશું જ બચાવીને લાવતા નથી તો તેઓ ખચ્ચર ચલાવવાથી મળતા ધનનું શું કરે છે.

આ હિસાબ અમને વિજયાલક્ષ્મી દ્વારા જાણવા મળ્યો .

દિવાનજી પોતાના મળતા ધનથી પોતે ખાય છે. ખચ્ચરોને ખવડાવે છે અને બાકી વધે તે ધનથી શરાબ ખરીદીને બેફામપણે પીએ છે. દિવાનજી પોતાના અને ખચ્ચરોના ભોજન માટે જેટલા ધનનો ઉપયોગ કરે છે, તેના કરતા અનેકગણા ધનનો ઉપયોગ શરાબ ખરીદવામાં કરે છે!

બેફામ શરાબ પીનારાઓ પોતાની પત્ની અને પોતાના સંતાનો પ્રત્યેનો વ્યવહાર  કેવો હોય, તેતો આપણે કલ્પના દ્વારા સમજી શકીએ છીએ.

ખચ્ચર ચલાવવાનુ કાર્ય તો છ મહિના ચાલે છે બાકીના છ મહિના દરમિયાન દિવાનજીના ભોજનનો તેમના ખચ્ચરોનો ખાણદાણનો અને દિવાનજીના શરાબનો ખર્ચ કયાંથી આવે છે?

તે ખર્ચ આવે છે વિજયાલક્ષ્મીની કમરતોડ મહેનતમાંથી!

અમે હિમાલયની અપરંપાર યાત્રાઓ કરી છે. આ યાત્રાઓ દરમિયાન અમે મંદિરોમાં પ્રતિષ્ઠિત શ્રીવિગ્રહોના દર્શન પૂજન કર્યા છે. હિમાલયની નદીઓમાં શ્રધ્ધાભાવે મનભર સ્નાન પણ કર્યા છે. હિમશિખરોના આંખો ભરી ને જ નહિ, પેટભરીને દર્શન કર્યા છે. પણ અમારા દર્શનની અહી જ ઇતિશ્રી નથી. અમે અહી જ અટકી ગયા નથી. અમે હિમાલયમાં વસતા માનવબંધુઓ અને માનવભગિનીઓના દર્શન કર્યા છે. હિમાલયના સમાજજીવનમાં હિમાલયના કુટુંબજીવનમાં અમે ડોકીયુ કર્યેુ છે અને તેમને સમજવાનો યથાશકિત, યથામતિ પ્રયત્ન કર્યો છે.

નજરે જોઇને જાતે દર્શન કરીને કહુ કે, ધર્મપત્ની પોતાના પતિના દિર્ધાયુષ અને સ્વાસ્થ્ય માટે કરવાચોથ કરે અને તેમના પતિદેવ બેફામ મદ્યપાન કરે. પોતે કશું જ ન કરે. સ્ત્રી કમરતોડ મહેનત કરે અને સ્ત્રીની આ કમાણી પુરૂષ ઝુંટવીને લઇ જાય. શરાબ ખરીદવા માટે. હિમાલયમાં આવી ઘટના એકલદોકલ નથી હિમાલયમાં આવી ઘટનાઓ અપરંપાર છે. બધી જ ઘટનાઓ સર્વથા સમાન ન હોય શકે વ્યકિતગત ઘટના, પરિવારગત ઘટનાઓનું સ્વરૂપ ભિન્ન ભિન્ન હોય શકે છે. પ્રત્યેક માનવી જ વિશિષ્ટ છે, તો વ્યકિતગત ભિન્નતા અને તદનુસાર પારિવારીક સબંધોની ભિન્ન હોય, તે તો સ્વાભાવિક જ છે! પરંતુ એક વાત તો સ્પષ્ટ છે. સ્ત્રીઓ કરવાચોથનું વ્રત કરે છે અને પુરૂષ તેની કમાણીમાંથી શરાબ પીએ છે!

આપણા દેશમાં જ નહિ, સમગ્ર પૃથ્વી પર, સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી પુરૂષ સમાનતા, સ્ત્રીશકિત જાગરણનો પવન ફુંકાય છે. આ વિચારનો વ્યાપક પ્રસાર થયો છે અને કોઇને કોઇ સ્વરૂપે આ વિચારનો વિનિયોગ પણ થયો છે.

હવે પ્રશ્ન એ છે કે આ વિચાર અને આ વિચારનો વ્યાપક વિનિયોગ હિમાલયમાં કયારે પહોચશે?

: આલેખન :

ભાણદેવ

સરસ્વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

(9:59 am IST)