સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

પૂ. જલારામબાપા મંદિરના સ્થાપક સ્વ. મનસુખભાઇ બારાઇને રંગોળીના માધ્યમથી શ્રધ્ધાંજલિ અર્પણ

આરંભડામાં પૂ. જલારામબાપા જન્મજયંતિની સાદાઇથી ઉજવણી

(ભરત બારઇ દ્વારા) ઓખા તા. ૨૩ : સંત શિરોમણી પુજય શ્રી જલારામ બાપાની ૨૨૧મી જન્મજયંતિ પ્રસંગે જલારામ મંદીર આરંભડા ખાતે કોરોનાવાયરસની મહામારીના કારણે સરકારની ગાઇડ લાઇન મુજબ જલારામ જયંતી પ્રસંગે શ્રીજલારામ મંદીર આરંભડામાં ધ્વજાઆરોહણ તથા પેકીંગ કરેલ પ્રસાદી આપવાનો કાર્યક્રમ રાખેલ હતો.

આ પ્રસંગે જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અનુપમભાઇ બારાઇ, જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ વર્કિંગ કમીટીના ચેરમેન મુકેશભાઇ કાનાણી, બાલમુકુન્દ ગૌશાળાના ટ્રસ્ટી દિલીપભાઇ કોટેચા, જલારામ નવરાત્રી મહોત્સવ સમીતીના દીલીપભાઇ તન્ના, લોહાણા મહાજન સુરજકરાડીના પ્રમુખ ચંપકભાઇ બારાઇ, રઘુવંશી અગ્રણી વિનૂભાઇ બારાઇ, લીલાધરભાઇ ભાયાણી તથા રઘુવંશી પરિવારો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. આ પ્રસંગે જલારામ મંદીર આરંભડાના સ્થાપક, ઓખા લોહાણા સમાજના પ્રમુખ, અગ્રણી ઉદ્યોગપતિ, અનેકવિધ સેવાકીય, રાજકીય, સામાજિક અને વ્યાપાર જગતની સંસ્થાઓ સાથે જોડાયેલા સ્વ. મનસુખભાઇ બારાઇની રંગોળી જલારામ મંદિર ખાતે બનાવી તેઓને શ્રધ્ધાંજલી આપી હતી.

ઉલ્લેખનીય છે કે જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આરંભડા ખાતે આવાસ યોજના, જલારામ મંદિર, જલારામ હોલ અને બટુક ભોજન માટે ખાસ યુનિટ સ્વ. મનસુખભાઇ બારાઇની રાહબરી હેઠળ બનાવવામાં આવેલ. ગત ૨૫.૧૦.૨૦૨૦ના મનસુખભાઇ બારાઈના અવસાન બાદ તેઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજી, કર્ણાટક ગવર્નર વજુભાઈ વાળા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શ્રી પરિમલભાઈ નથવાણી, પૂનમબેન માડમ, પબુભા માણેક સહિત દરેક ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા શ્રદ્ઘાંજલિ આપવામાં આવેલ. આજે પણ ઓખા પંથકના લોકોને માનવામાં નથી આવતું કે મનસુખભાઇ તેઓની વચ્ચે રહ્યા નથી.

(11:38 am IST)