સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

ગોંડલના નિખીલ દોંગાએ જેલમાંથી ૩ વેપારીઓનો ૧ કરોડની ઉઘરાણીનો હવાલો લીધો'તો ! ૧૬ સામે ગુન્હો નોંધાયો

ગુજસીટોક હેઠળ પકડાયેલ નિખીલ દોંગા અને તેની ગેંગ સામે ગોંડલના વેપારીએ વધુ એક ફરિયાદ નોંધાવી : નિખીલ દોંગા અને તેની ટોળકીના ૧૩ સાગ્રીતો તેમજ રામ મોબાઇલવાળા સતીષ, વિમલ તથા ક્રિષ્ના મોબાઇલવાળા રાજુ તથા સમ્રાટ મોબાઇલવાળા રોહિત સામે ગોંડલ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૩ : ગોંડલની જેલમાં બેઠાબેઠા સંગઠીત ગુન્હાહિત સામ્રાજ્ય ચલાવનાર અને ગુજસીટોક હેઠળ પકડાયેલ ગોંડલના નામચીન નીખીલ દોંગા અને તેની ટોળકીના ૧૩ સાગ્રીતો તથા ગોંડલના ૪ વેપારીઓ સામે એક કરોડની ઉઘરાણી માટે મિલ્કત પચાવી પાડવા ધમકી આપ્યાનો ગુન્હો નોંધાતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ગુંદાળા ચોકડી પાસે રહેતા અને પાનની દુકાન ચલાવતા નિલય ચંદ્રેશભાઇ મહેતાએ ગુજસીટોક હેઠળ જેની સામે ગુન્હો નોંધાયો છે તે ગોંડલના નામચીન નીખીલ દોંગા, રામ મોબાઇલવાળા સતીષ, રામ મોબાઇલવાળા સતીષના ભાઇ વિમલ, ક્રિષ્ના મોબાઇલવાળા રાજુ, સમ્રાટ મોબાઇલવાળા રોહિત, નીખીલ દોંગા ગેંગના સાગ્રીત પૃથ્વી જોષી, દર્શન સાકરવાડીયા, વિજય જાદવ, મોહિત ઉર્ફે મુંડો, વિશાલ પાટકર, સુનીલ પરમાર, દેવાંગ જોષી, નરેશ સિંધવ, કમલેશ સિંધવ રે. તમામ ગોંડલ, રાજુ ચોવટીયા રહે. ઘોઘાવદર તથા શૈલેષ લીલા રે. વેકરી સામે ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી નિખીલ દોંગાએ ગોંડલ સબજેલમાં રહી જેલ સ્ટાફના મેળાપીપણાથી પોતાની ટોળકીના સાગ્રીતોને ફોનથી તથા રૂબરૂમાં જેલ ઉપર બોલાવી સંપર્કમાં રહી ફરિયાદી નિલય મહેતાના ભાઇએ આરોપી રામ મોબાઇલવાળા સતીષ તથા વિમલ, ક્રિષ્ના મોબાઇલવાળા રાજુ તથા સમ્રાટ મોબાઇલવાળા રોહિત પાસેથી એક કરોડ રૂપિયાના મોબાઇલ ઉધાર લીધેલ હોય જે નાણાની ઉઘરાણી માટે ઉકત ચારેય વેપારીઓએ નાણાની ઉઘરાણીનો હવાલો જેલમાં રહેલ નિખીલ દોંગાએ લઇ પોતાની ટોળકીના પૃથ્વી જોષી, દર્શન, વિજય જાદવ, મોહિત, વિશાલ તથા સુનીલ પરમારને ફરિયાદીના ભાઇના ઘરે ઉઘરાણી માટે મોકલ્યા હતા તેમજ આરોપી રાજુ ચોવટીયા તથા શૈલેષ લીલા મારફતે નિખીલ દોંગાએ ફરિયાદીને ગોંડલ જેલમાં બોલાવી બળજબરીથી નાણા કઢાવવા માટે ગાળો આપી હતી અને કહેલ કે, જો રૂપિયા ન હોય તો ફરિયાદીની ગુંદાળા ચોકડી ખાતે આવેલ મિલ્કતનું તેના નામે સાટાખત કરી આપવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી

દેવાંગ જોષી, નરેશ સિંધવ તથા કમલેશ સિંધવએ નિખીલ દોંગાની સુચનાથી ફરિયાદીની દુકાને તથા ઘરના ફળીયામાં પ્રવેશી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા.

વેપારી નિલય મહેતાની આ ફરિયાદ અન્વયે ગોંડલ પોલીસે નામચીન નીખીલ દોંગા તથા તેની ટોળકીના સાગ્રીતો અને નાણાની ઉઘરાણીનો હવાલો આપનાર ૪ વેપારીઓ સામે આઇ.પી.સી. ૧૪૩, ૩૮૭, ૪૪૮, ૫૦૪, ૫૦૬(ર) તથા પ્રિઝન એકટ ૪૨, ૪૫ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ ગોંડલ સીટીના પી.આઇ. એસ.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.

અત્રે એ નોંધનીય છે કે, ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયા બાદ નીખીલ દોંગા ગેંગના ૯ સાગ્રીતો હાલ પોલીસ રીમાન્ડ હેઠળ છે. તેમજ મુખ્ય સૂત્રધાર નિખીલ દોંગા અને તેના અન્ય બે સાગ્રીતો જેલમાં હોય તેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લઇ પૂછતાછ હાથ ધરાઇ છે. મુખ્ય સૂત્રધાર નિખીલ દોંગા અને તેના બંને સાગ્રીતોને રીમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરાઇ છે. નિખીલ દોંગા અને તેની ટોળકીના ગુન્હાખોરીનો ભોગ બનેલ લોકોને પોલીસ ફરિયાદ કરવા તપાસનીશ એ.એસ.પી. સાગર બાગમારે અપીલ કરી છે.

(11:43 am IST)