સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

જૂનાગઢમાં લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરના નકુચા તોડી દાનપેટી લઈ ગયા

ભેસાણમાં બંધ મકાનમાંથી રૂ. ૧.૭૦ લાખની મત્તાની ચોરી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૩ :. જૂનાગઢમાં લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરના નકુચા તોડી તસ્કરો દાનપેટી લઈ જતા અને ભેસાણમાં બંધ મકાનમાંથી રૂ. ૧.૭૦ લાખની મત્તાની ચોરી કરી જતા સનસની મચી ગઈ હતી.

જૂનાગઢના પોશ વિસ્તાર રાયજીનગરમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં રાત્રીના સમયે તસ્કરો ખાબકયા હતા. મંદિરના દરવાજાના નકુચા તોડી મંદિરમાંથી તસ્કરો રૂ. ૮ હજારની રોકડ સાથેની દાનપેટીની ચોરી કરીને નાસી ગયા હતા.

આ અંગેની જાણ થતા સી-ડિવીઝન પોલીસના કાફલાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. ચોરી અંગે હાર્દિક દિનેશભાઈ પુરોહીતની ફરીયાદ લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ભગવાનના મંદિરને જ તસ્કરોએ નિશાન બનાવતા સ્થાનિક લોકોમા રોષ ફાટી નીકળ્યો છે. વિશેષ તપાસ પીએસઆઈ વી.યુ. સોલંકી ચલાવી રહ્યા છે.

બંધ મકાનમાં ચોરી

ભેસાણમાં ઠુમરવાડીની બાજુમાં આવેલ અક્ષરધામ સોસાયટીમાં રહેતા મૂળ આરબટીંબડી ગામના નિલેશભાઈ મનસુખલાલ સાવલીયા તા. ૧૦-૧૧થી તા. ૨૨-૧૧ દરમ્યાન પરિવાર સાથે બહારગામ ગયા હતા.

ત્યારે ઘરના મેઈન દરવાજાનો નકુચો તોડી કબાટમાંથી રૂ. ૧.૩૦ લાખની રોકડ તસ્કરો ચોરી ગયા હોવાની ફરીયાદ થતા પીએસઆઈ આર.એ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)