સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th June 2021

સાયલા પંથકના કુવામાંથી બોટાદના કાનીયાડના વકિલ સુરેશભાઇ ખાચરની લાશ મળ્યા બાદ મોત અંગે તપાસનો ધમધમાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૪: સાયલાના ગુંદિયાવાડા ગામે આવેલા કાનિયાડ ગામના યુવાન અચાનક ગુમ થતા અને ત્યારબાદ પંચાયતના કૂવામાંથી લાશ મળતા પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું . ધજાળા પોલીસે લાશને રાજકોટ ફોરેન્સિક લેબમાં પીએમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે . સાયલાના છેવાડે આવેલા ગુંદિયાવાડા ગામે મંદિરના કામ માટે પંચાયતના કૂવામાંથી પાણી લેવામાં આવે છે . ત્યારે ગ્રામ પંચાયતના હનુમાનવાળા તળાવ નીચે આવેલા ખુલ્લા કૂવામાં લાશ ઊંધી તરતી હોવાની જાણ ગ્રામજનોને થતા નાના ગામમાં દોડધામ મચી હતી .

આ બાબતે ગ્રામજનોએ ધજાળા પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીએસઆઇ કે.ડી.જાડેજા , જગદીશભાઇ વાદ્યેલા , ભીખાભાઇ પરમાર , હિતેષભાઇ માંડાણી સહિત પોલીસ કર્મીઓ દોડી ગયા હતા અને ગ્રામજનો સાથે મળી કૂવામાં ખાટલો ઉતારી લાશ બહાર કાઢી હતી . પોલીસને પ્રાથમિક તપાસમાં શરીરના ભાગે કોઇ પણ પ્રકારની ઇજા જોવામાં મળી ન હતી . ત્યારે લાશની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરતા લાશ કાનિયાડ (બોટાદ) ગામના ૩૬ વર્ષના યુવાન સુરેશભાઇ રૂખડભાઇ ખાચર હોવાનું બહાર આવતા તેમના મોટાભાઇને જાણ કરતા દિલીપભાઇ રૂખડભાઇ ખાચરે લાશને ઓળખી બતાવી હતી .

નાનાભાઇ ગુમ થયા હોવાનું જણાવ્યું હતું . આ બાબતે પરિવારજનો જાણ થતા આભ તૂટી પડ્યું હતું . ધજાળા પોલીસે લાશને રાજકોટ ફોરેન્સિક લેબમાં પીએમ માટે મોકલી આપી હતી.

(10:48 am IST)