સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th June 2021

તંત્ર તરફથી મહામારીમાં કોઈ મદદ કે સહાય નહીંને હવે દંડ

મોટી પાનેલીમાં રાજકોટ એસઓજી દ્વારા વેપારીઓ સામે માસ્કના દંડની કાર્યવાહીથી વેપારીઓ ખફા

ગુન્હેગારો જેવો વ્યવહાર કરતા વેપારીઓમાં તીવ્ર રોષ

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.૨૪: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં રાજકોટની એસ ઓ જી પોલીસ છેક રાજકોટથી પાનેલીના વેપારીઓ માટે માસ્કનો દંડ કરવા આવી વેપારીઓ સાથે ગુનેગારો જેવું વર્તન કરતા વેપારીઓ મા ભારે નારાજગી જોવા મળેલ છે, મોટી પાનેલી ગામ કોરોનાં મુકત છે ગામમાં એકપણ કોરોનાં કેસ નથી તેમછતાં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ વેપારીઓ માસ્ક સાથે સોસીયલ ડિસ્ટન્સનું ચોક્કસ પાલન કરી રહ્યા છે પરંતુ બપોરના સમયે બજારો સાવ સુમસામ હોય કોઈ ગ્રાહક કે અન્ય લોકોની આવજા નહિવત હોય એ સમય દરમિયાન વેપારીઓ માસ્ક નાકની નીચે ઉતારીને રાખ્યું હોય અને એવાજ સમયે છેક રાજકોટથી એસઓજી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ જિલ્લાનું છેલ્લું ગામ પાનેલીમાં આવીને વેપારીઓ ને ટાર્ગેટ બનાવ્યા માસ્કનો દંડ કર્યો એટલુંજ નહીં વેપારીઓ સાથે સાતિર ગુન્હેગારો જેવો વ્યવહાર કરી જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન સુધી લઇ ગયા અને વેપારીઓ સામે ગુન્હેગારની જેમ વાણી વિલાસ કર્યાની પણ ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે. વેપારીઓ સાથેનું આવું વર્તન અને હજાર હજાર રૂપિયાના દંડ નાના વેપારીઓ માટે મરવા સમાન લાગે એ આ તંત્રને કોણ સમજાવે, જયારે ગામલોકો કોરોનાં મહામારીમાં એકલેહાથે જજુમી રહ્યા હતા ત્યારે તંત્ર તરફથી કોઈ સહાય કે મદદ મળતી ના હતી અને હવે હાલતા ચાલતા દંડ?? તંત્રની આવી પરેશાનીથી વેપારીઓ સહીત ગામલોકોમાં પણ ભારે નારાજગી જોવા મળેલ છે આ અંગે વેપારીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી પોલીસની આવી કાર્યવાહી સામે પગલાં લેવા જણાવવાનું નક્કી થયેલ છે.

(11:50 am IST)