સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

કચ્‍છના અંજાર પોલીસ સ્‍ટેશનના લોકઅપમાં ભીંતમાં માથું પછાડનાર આરોપીનું મોત

મૃતકના ભાઇનો પોલીસ ઉપર આક્ષેપ : દારૂ નહી મળવાથી માથું પછાડયું હોવાનો પોલીસનો ખુલાસો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ : ૪ વર્ષ પૂર્વે અંજારના સાપેડા નજીક બે લાખ રૂપિયાની લૂંટ-ધાડ કરનાર દાહોદના ૪૮ વર્ષિય આરોપી છગન ખીમજી ભાભોરનું જયુ. કસ્‍ટડીમાં મૃત્‍યુ થયું છે.

થોડાંક દિવસ પૂર્વે લોકલ ક્રાઈમ બ્રાન્‍ચે છગન ભાભોરની ધાડના ગુનામાં ધરપકડ કરી અંજાર પોલીસને સુપ્રત કર્યો હતો. અંજાર પોલીસે ૧૬ જૂનનાં રોજ છગનને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રીમાન્‍ડ મેળવ્‍યાં હતા.

અંજાર પીઆઈ એસ.એન. ગડુએ જણાવ્‍યું કે રીમાન્‍ડ અંતર્ગત અમે આરોપીને દાહોદ પણ લઈ ગયાં હતા.

દાહોદથી પરત આવ્‍યાં બાદ આરોપીએ અંજાર પોલીસ મથકના લોકઅપમાં માથું ભટકાવી પોતાને ઘાયલ કર્યો હતો. ઘટના અંગે અંજાર પોલીસે સ્‍ટેશન ડાયરીમાં એન્‍ટ્રી કરી છગનને સારવાર અપાવી મેજિસ્‍ટ્રેટ સમક્ષ પણ રજૂ કર્યો હતો.

ત્‍યારબાદ કોર્ટે તેને ગળપાદર જેલમાં મોકલી આપ્‍યો હતો. જેલમાં ગયા બાદ આરોપીની તબિયત લથડતાં તેને જી.કે. જનરલ હોસ્‍પિટલ લઈ જવાયો હતો. સારવાર બાદ પરત જેલ મોકલાયો હતો. જો કે, ગત રાત્રે છગનની તબિયત લથડતાં તેને આદિપુર રામબાગ હોસ્‍પિટલે લઈ જવાયો હતો. પરોઢે તેનું મૃત્‍યુ નીપજયું હતું. ઘટના સંદર્ભે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે એક્‍સિડેન્‍ટલ ડેથની નોંધ પાડી તપાસ હાથ ધરી છે.

દરમ્‍યાન મૃતક આરોપીના ભાઈએ પોલીસના મારથી મૃત્‍યુ થયું હોવાનો આક્ષેપ કર્યો છે. જયારે પોલીસે ખુલાસો કર્યો છે કે, આરોપીને દારૂની લત હોઈ લોકઅપમાં દારૂ નહીં મળતા હતાશામાં માથું પછાડ્‍યું હોઈ ઇજાગ્રસ્‍ત થતાં તેને સારવાર માટે હોસ્‍પિટલ લઈ જવાયો હતો.

 

(11:10 am IST)