સણોસરાના ભાવેશ મકાવાણા પર આજીડેમ ચોકડીએ કોર્ટના વોરન્ટ મામલે હુમલો
રામજીના કેસમાં ભાવેશના પિતા દિપકભાઇ જામીન પડ્યા હોઇ રામજીને તારીખમાં નિયમિત હાજર થવાનું કહેવા જતાં માથાકુટ
રાજકોટ તા. ૨૩: કુવાડવા રોડ સાત હનુમાન પાછળ સણોસરામાં રહેતાં રિક્ષાચાલક ભાવેશ દિપકભાઇ મકવાણા (ઉ.૨૪) પર રાતે સાડા દસેક વાગ્યે આજીડેમ ચોકડીએ નવદૂર્ગા પાન એન્ડ હોટલ પાસે રામજી ઉતેરીયા, ભૂપત સહિતના શખસોએ હુમલો કરી ઢીકાપાટુ અને ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
ભાવેશના સગાના કહેવા મુજબ અગાઉ રામજી ઉતેરીયા વિરૂધ્ધ પોલીસ કેસ થયો ત્યારે ભાવેશના પિતા દિપકભાઇ તેમાં જામીન પડ્યા હતાં. હવે એ કેસમાં સોલવન્સી જામીન રજુ કરવાની તારીખ પડી હોઇ ભાવેશ ગઇ રાતે આજીડેમ ચોકડીએ રહેતાં રામજીને આ બાબતે જાણ કરવા ગયો હતો અને નિયમિત તારીખમાં હાજર થવા અને સોલવન્સી જામીન રજૂ કરવા અથવા દંડની રકમ આપી દેવા સમજાવતાં રામજી ઉશ્કેરાયો હતો અને બીજા શખ્સો સાથે મળી હુમલો કર્યો હતો. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.