સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

પોરબંદરના રતનશીભાઇ પાંજરી અને મહુવાના પુનાભાઇ બન્નેના ઓમાનના દરિયામાં વહાણ ડૂબી જવાથી મૃત્યુ

પોરબંદરના હિરાલાલ શિયાળનું વહાણ દૂબઇથી જુના વાહનો ભરીને યમન જતા દરિયાઇ તોફાનમાં ફસાઇ ગયેલ : વહાણના અન્ય ૮ ખલાસીઓને 'રેસ્કયુ' કરીને બચાવી લેવાયાં

(હેમેન્દ્રકુમાર પારેખ, પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૩ : ઓમાનના દરિયામાં પોરબંદરનું ''રાજસાગર'' નામનું માલવાહક જહાજ દુબઇથી જુના વાહનો ભરીને યમન જઇ રહેલ ત્યારે રસ્તામાં દરિયાઇ તોફાનમાં ફસાય જતા વહાણ ડૂબી જતા વહાણના કેપ્ટન અને પોરબંદરના રહેવાસી રતનશીભાઇ લાલજીભાઇ પાંજરી તથા વહાણમાં રસોયા તરીકે કામ કરતા મહુવાના પુનાભાઇ બાંભણિયા બન્નેના મૃત્યુ થયેલ છે

પોરબંદરના હિરાલાલ શિયાળનું માલવાહન દુબઇથી જુની મોટરો સહિત વાહનો ભરીને યમન જઇ રહ્યું હતુ અને વહાણ દરિયાઇ તોફાનમાં ફસાતા વહાણના કેપ્ટન પોરબંદરના રતનશીભાઇ લાલજીભાઇ પાંજરી અને મહુવાના રસોયા પુનાભાઇ બાંભણિયા બન્નેના મૃત્યુ થયેલ છે. વહાણમાં રહેલ અન્ય ૮ ખલાસીઓને ઓમાનની મરીન પોલીસે ''રેસ્કયુ'' કરીને બચાવી લીધા છે.

દુબઇથી જુના વાહનો ભરીને યમન જતુ આ વહાણ રાત્રીના ઓમાનના સલાલાથી રર નોટિકલ માઇલ દૂર વહાણ ડૂબતા કેપ્ટન તથા અન્ય એક ક્રુ મેમ્બર મળી બે વ્યકિતઓના મૃત્યુ નીપજયા હતા જયારે અન્ય ૮ વ્યકિતઓને સ્થાનિક મરીન સુરક્ષા એજન્સીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. પોરબંદરનું વહાણ ડૂબી ગયા  બાદ વાહનોનો કાટમાળ અને જુની મોટરો મીરબાટ નામના  બંદર નજીક તણાઇ આવી હતી.

ઓમાનના દરિયામાં ડૂબી ગયેલું ''રાજસાગર'' વહાણ પોરબંદર ખારવા સમાજના આગેવાન હિરાલાલ શિયાળની માલિકીનું હતું. જે વહાણ પોરબંદરથી ૬ મહિના પહેલા નીકળ્યું હતું. દુબઇથી યમન વચ્ચે માલ-સામાનનું પરિવહન કરતું હતું.

(12:56 pm IST)