સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

અમદાવાદની વિખ્‍યાત આઇ.આઇ.એમમાં એડમિશન મેળવતો જામનગરનો કૃણાલ ઉદેશી

જ્‍યાં રઘુરામ રાજન, ચેતન ભગત, હર્ષા ભોગલે ભણ્‍યા છે તે : આઇ.આઇ.ટી. ખડગપુરમાં ગ્રેજ્‍યુએશન કર્યા પછી પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન આઇ.આઇ.એમ. અમદાવાદમાં કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૩ : વિવેકાનંદજીનું પ્રસિધ્‍ધ વાકય છે કે ‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્‍પ નથી' અથાગ મહેનત અને પુરૂષાર્થની ધૂળમાં રગદોળાયા બાદ  એનું જે પરિણામ મળે તે સુવર્ણ જેવું ચમકે છે.

અમદાવાદ સ્‍થિત આઇઆઇએમ (ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેનેજમેન્‍ટ)  ઉચ્‍ચ કક્ષાના મેનેજમેન્‍ટનો અભ્‍યાસ કરવા માટેની વૈશ્વિક નામના ધરાવતી સંસ્‍થા છે આ એક એવી ઝવેરી જેવી સંસ્‍થા છે જે ફકત સો ટચનાં સોના જેવાા પ્રતિભાવાળી યુવાનોને જ પ્રવેશ આપે છે.

એની પ્રવેશ પરીક્ષામાં પાસ થનારાની ટકાવારી ૦.૧ ટકા એટલે કે એક હજાર પરિક્ષાર્થીમાંથી ફકત એક જ પાસ થાય, એટલી માંડ હોય છે.

વર્લ્‍ડ લેવલે આવી માતબર નામના ધરાવતી આ આઇઆઇએમ સંસ્‍થાના પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન પ્રોગ્રામ  એમ.બી.એ.માં જામનગરનાં એક યુવાને પ્રવેશ મેળવીને જામનગર જિલ્લાનું ભાટીયા જ્ઞાતિ, પોતાના પરિવાર અને માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે.

જામનગર એલ.આઇ.સી.ઓફ ઇન્‍ડિયામાં વિકાસ અધિકારી તરીકે સેવા આપતા હર્ષદભાઇ ઉદેશી તથા એક ગૃહિણી તરીકે ઘર, પરિવાર અને પરંપરાની સાચવણી સાથે બાળકોના સંસ્‍કાર ઘડતરનું મહા કાર્ય કરતા શીતલબહેન હર્ષદભાઇ ઉદેશીનાં સુપુત્ર ચિ.કૃણાલ હર્ષદભાઇ ઉદેશીએ હાલમાં જ અમદાવાદ સ્‍થિત આઇઆઇએમ સંસ્‍થાની પોસ્‍ટ ગ્રેજ્‍યેુએશન એમ.બી.એ. કોર્સની પ્રવેશ પરીક્ષામાં ઉર્તીણ થઇને જામનગર માટે ગૌરવરૂપ સિધ્‍ધિ મેળવી છે.

ફકત એક વખત કોઇ મોટુ કાર્ય થાય તે કદાચ આપણને પ્રભાવિત ન કરે પણ સિધ્‍ધઓની પરંપરા સર્જવી જાતે ચિ.કૃણાલનાં સ્‍વભાવમાં છે. કારણ કે , કૃણાલ આ અગાઉ ધોરણ ૧૦ અને ૧૨ બંનેમાં જામનગર ટોપર રહી ચૂકયો છે.

અરે ! તેણે પોતાનું ગ્રેજ્‍યુએશન પણ દેશની સર્વોતમ એન્‍જીનીયરીંગ ઇન્‍સ્‍ટિટયુટ આઇઆઇટી ખડગપુરથી કરેલુ છે.

ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીના ઘડતરમાં નર્સરીથી કોલેજ સુધી જે ગુરૂજનોનું માર્ગદર્શન અને મહેનત છે તેમાં સાગર પ્‍લેહાઉસ, ભવન્‍સ સ્‍કૂલ, શ્રી સત્‍યસાંઇ વિદ્યાલય, કેરિયલ પોઇન્‍ટ, સુપર ગ્રેવિટીના શિક્ષકો, આશિષ કુંડલીયા સર, જાગૃતિ સંઘવી મેડમ, અરવિંદ સર, શુકલા સર, એમ.એમ.જેમ્‍સ રસ, તથા અન્‍ય ગુરૂજનોને કૃણાલ ઉદેશી તથા ઉદેશી પરિવાર આદર સાથે નમન કરે છે. અને આભારની લાગણી વ્‍યકત કરે છે.

આવી સિધ્‍ધિઓની હારમાળા બનાવનાર ચિ.કૃણાલ હર્ષદભાઇ ઉદેશી જામનગર શહેર, ભાટીયા જ્ઞાતિ, ઉદેશી પરિવાર તેમજ પોતાના માતા-પિતાનું નામ રોશન કરે, બધાને ગૌરવ અપાવે અને ભવિષ્‍યમાં પણ પોતાની સફળયાત્રા અવિરત રાખે તેવી શુભેચ્‍છાઓ...

(1:32 pm IST)