સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

ઉના અને ગીર ગઢડા પંથકમાં અડધાથી દોઢ ઇંચઃ ખેડૂતો વાવણી કામમાં લાગ્‍યા : મોસમનો કુલ વરસાદ ૬ ઇંચ : આદ્રા નક્ષત્રમાં મેઘરાજાની મહેર

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨૪ : ઉના અને ગીર ગઢડા તાલુકા ગ્રામ્‍ય પંથકમાં બપોર બાદ ધોધમાર અડધોથી દોઢ ઇંચ વરસાદ વરસી જતા ચોમાસુ પાકની વાવણીનું કામ પૂર જોશમાં શરૂ કરી દીધુ ગીરગઢડા ગામમાં દોઢ ઇંચ વરસાદ વરસી જતા મોસમ નો કુલ ૧૫૦ મીમી (૬ ઇંચ) વરસાદ વરસી ગયો હતો.

ચોમાસાનું આદ્રા નક્ષત્ર બેસી જતા ગીર ગઢડા ગામ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં મેઘરાજાએ મહેર કરી છે. ગઇ કાલે બપોરના બે વાગ્‍યા બાદ પવન સાથે ધોધમાર વરસાદ સાંજ પાંચ વાગ્‍યા સુધીમાં ૩૬ મીમી (દોઢ ઇંચ) વરસી જતા બજારમાં રોડ ઉપર પાણી વહેવા લાગેલ હતા. મોસમનો કુલ ૧૫૦ મી.મી. એટલે ૬ ઇંચ વરસાદ વરસી ગયો છે. ખેડૂતોના ખેતરો પાણી-પાણી થઇ ગયા છે. ગ્રામ્‍ય વિસ્‍તાર વાજડી, જૂના ઉગલા, નવા ઉગલા, અંબાડા, ખીલાવડ, ફાટસર, દ્રોહ, જરગલી, વડવીયાળામાં પણ એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો છે.

ઉના શહેર કોરૂ ધાકડ છે. પરંતુ ગ્રામ્‍ય પંથક ડમાસા, ઉંદરી, ભેભા, ભાચા, કેસરીયામાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો છે. જે ખેડૂતો એ કોરવાણમાં મગફળી-કપાસનું વાવેતર કરેલ છે. તેને આ વરસાદ કાચા સોના જેવો વરસી રહ્યો છે.

(10:49 am IST)