સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

મોરબી પાલિકા પ્રમુખ રાજીનામુ ન આપે તો ૨૮મીએ કોંગ્રેસ તાળાબંધી કરશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૪: મોરબી શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ શાસિત નગરપાલિકામાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું અને પ્રજાને પ્રાથમિક સુવિઘા આપવામાં શાસકો નિષ્‍ફળ ગયા હોવાનો આરોપ લગાવ્‍યો છે. પાલિકા પ્રમુખના પતિ  સામે ખુદ ભાજપના સભ્‍યો જ આરોપ લગાવી રહ્યા હોય કોંગ્રેસપક્ષ દ્વારા નગરપાલિકા પ્રમુખનું રાજીનામુ માંગવામાં આવ્‍યું છે. અને જો રાજીનામુ નહિ લેવાય તો તાળાબંધી અને હલ્લાબોલ જેવા કાર્યક્રમો આપવા ચીમકી ઉચ્‍ચારી છે.

વધુમાં મોરબી નગરપાલિકાના પ્રમુખ પતિ કે.કે પરમાર અને ભાજપના જ વોર્ડ નંબર-૨ના મહિલા સદસ્‍યના પતિ મનુભાઈ સારેસા દ્વારા કામ નબળા કરવામાં આવતા હોવાનો સીધો જ આક્ષેપ કરાયો છે. તાજેતરમાં વિકાસ કામોમાં ૬ ટકા કમિશન લેવાતું હોય તેવો વિડિયો વાયરલ થયેલ છે.ત્‍યારે પ્રજાએ ભાજપને ૫૨-૫૨ સીટ ઉપર ચૂંટી મોકલેલ પ્રજાના સેવકો કામ કરવાને બદલે ભ્રષ્ટાચાર જ કરતા હોય મોરબી શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજીનામાની માંગ કરી છે. જો તાત્‍કાલિક રાજીનામું લઈ લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં નહિ આવે તો કોગ્રેસ પક્ષ તા.૨૮ને મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે મોરબી નગરપાલિકાને તાળાબંધી કરી હલાબોલ કરાશે તેમ શહેર કોગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ કાવરની યાદીમાં જણાવાયુ છે.

(10:58 am IST)