સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

માણાવદરમાં ૩ ઇંચ વરસાદમાં પ્રિ-મોન્‍સુન કામગીરીની પોલ ખુલીઃ પેમેન્‍ટ ન કરવા લોક માંગ

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા. ર૪ :.. શહેરમાં ભારે ઉકળાટ - ગરમીથી ત્રસ્‍ત નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્‍યારે આજે પ્રચંડ વિજળી ના લબકારા અને કડાકા-ભડાકા સાથે વિજળીના પ્રચંડ અવાજે શહેરને ધ્રુજાવી દીધું હતું સાથે અનરાધાર વરસાદે રૌદ્ર સ્‍વરૂપે ૩ ઇંચ વરસાદ પડયો હતો.
ભારે વરસાદ ના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં ભાજપ શાસીત પાલિકાની પ્રિ-મોન્‍સૂન કામગીરીની ડીંડક રૂપી પોલ ખુલ્લી પડી ગઇ હતી. ગટરો માં હજી કાદવ-કિચડ થી ખદબદે છે જેથી પાણીનો નિકાલ થયો ન હોતો ત્‍થા ૩પ હજાર જનતામાંથી માંગ ઉઠવા પામી છે કે પ્રિ-મોન્‍સૂન કામગીરી ર મહિના પહેલા કરવાના બદલે ચોમાસા ટાણે ડીંડક કરી ફોટો પડાવી લીધા પરંતુ સાચી કામગીરી થઇ નથી. જેથી પ્રિ-મોન્‍સૂન કામગીરીના પેમેન્‍ટ ન કરવા લોક માંગ કરી રહ્યા છે ત્‍થા જે પેમેન્‍ટ ચૂકવ્‍યા તેની એસીબીની તપાસ હાથ ધરવા લોક માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ભયાનક ભ્રષ્‍ટ્રાચારની ફરીયાદો કરવા છતાં મુખ્‍યમંત્રી તપાસ કરાવતા નથી તેથી ભાજપ સરકાર સામે પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે તપાસ નહિ કરીને પ્રજાજનો સાથે દ્રોહ સરકાર કરતી હોવાનું સાબિત થઇ રહ્યુ છે જે રોષ જોવા મળી રહ્યો છે  જે રોષ ચૂંટણીમાં દેખાશે.

 

(11:41 am IST)