સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

પેટ્રોલિયમ કંપનીને મોરબીને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ ફાળવવાની તાકીદ કરતું પુરવઠા તંત્ર.

મોરબી તા ૨૪ :  મોરબીમાં હમણાંથી પેટ્રોલ-ડીઝલની ભારે અછત સર્જાઈ હતી. જેથી ઘણા પેટ્રોલપંપ ઉપર સ્ટોક ખલાસના બોર્ડ લાગ્યા હતા.આથી આ પરિસ્થિતિને નિવારવા માટે આજે પેટ્રોલિયમ કંપનીના અધિકારીઓ અને પેટ્રોલપંપના માલિક સાથે પુરવઠા વિભાગે બેઠક યોજી હતી જેમાં પુરવઠા તંત્રઍ પેટ્રોલિયમ કંપનીને મોરબીમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ ફાળવવા તેમજ પેટ્રોલપંપના માલિકોને પણ પૂરતો સ્ટોક રાખવાની તાકીદ કરી હતી.

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલની અછતથી લોકોમાં દેકારો બોલી ગયો હતો. પેટ્રોલપંપના માલિકોના કહેવા મુજબ પેટ્રોલિયમ કંપનીને ઍડવાન્સ પેમેન્ટ ચૂકવવા છતાં પણ કુલ ડિમાન્ડબી સામે માટે ૩૦ ટકા જ જથ્થો ફાળવે છે. જેથી પેટ્રોલપંપ ઉપર સ્ટોક ખલાસ થતા હોબાળો મચે છે. પેટ્રોલિયમ કંપની અને પેટ્રોલ-ડીઝલના ડીલરો વચ્ચેની સમસ્યા દૂર કરવા મોરબીના પુરવઠા વિભાગે લોકોના હિતને ધ્યાને લઇ દરમિયાનગીરો કરી છે.

 મોરબી જિલ્લા પુરવઠા વિભાગે આજે પેટ્રોલિયમ કંપનીઓના અધિકારીઓ તેમજ મોરબીના પેટ્રોલ-ડીઝલના ડીલરો સાથે બેઠક યોજી હતી. જેમાં મોરબીના પેટ્રોલ-ડીઝલના ડીલરોઍ પેટ્રોલિયમ કંપની સામે ઓછો સ્ટોક આપતી હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી રાઠોડે જણાવ્યું હતું કે, પેટ્રોલ ડીઝલની અછત નિવારવા માટે હાલ પેટ્રોલિયમ કંપની અધિકારીઓને મોરબીની ડિમાન્ડ મુજબ જ સ્ટોક આપવામાં આવે તેમજ ડિલરોને પણ પંપ ઉપર સ્ટોક ખૂટવા ન દે અને ગ્રાહકની ફરિયાદ ન આવી જોઈઍ તેવી સૂચના આપી હતી.આમ છતાં પણ લોકોને મુશ્કેલીની ફરિયાદ આવશે તો બન્ને સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

(11:44 am IST)