સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

કોરોના પછી ધંધો જામતો ન હોઇ દાણા જોવડાવીને આવતી વખતે સરધાર પાસે છકડો ઉંધો વળતાં ગોંડલની યુવતિનું મોતઃ ૬ ઘવાયા

ગોંડલના રાઠોડ પરિવારમાં ગમગીનીઃ ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૪: સરધાર અને હડમતીયા ગોલીડા વચ્‍ચે સાંજે છકડો રિક્ષા ગોથું ખાઇ જતાં તેમાં બેઠેલા ગોંડલના રાઠોડ પરિવારના સાત લોકોને ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્‍ત ૨૦ વર્ષની દિકરીએ ઘટના સ્‍થળે જ દમ તોડી દીધો હતો. છને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. ધંધો જામતો ન હોઇ દાણા જોવડાવીને પરત આવી રહ્યા હતાં ત્‍યારે અકસ્‍માત નડયો હતો.
જાણવા મળ્‍યા મુજબ સરધાર હડમતીયા વચ્‍ચે છકડો રિક્ષા પલ્‍ટી ખાઇ જતાં ચાલક ગોંડલના ખોડિયારનગરમાં રહેતાં પુનિત ઇશ્વરભાઇ રાઠોડ (ઉ.૨૬), નયના ઇશ્વરભાઇ રાઠોડ (ઉ.૨૦), બિપીન ઇશ્વરભાઇ રાઠોડ (ઉ.૨૫), વંદના પુનિત રાઠોડ (ઉ.૨૨), રેખાબેન ઇશ્વરભાઇ રાઠોડ (ઉ.૫૦), મૃદુ બિપીન રાઠોડ (ઉ.૨૩) તથા ભાવના ઉર્ફ ભાવીકા ઇશ્વરભાઇ રાઠોડ (ઉ.૨૦)ને ઇજાઓ થઇ હતી. જેમાં ભાવના ઉર્ફ ભાવીકાએ ઘટના સ્‍થળે જ દમ તોડી દીધો હતો.
પરિવારના બાકીના છ સભ્‍યોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્‍થળે અને હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પુનિત અને તેનો ભાઇ બિપીન સહિતના પરિવારજનો છુટક ધંધો અને છુટક મજૂરી કરે છે. આ લોકોએ જણાવ્‍યું હતું કે કોરોના કાળ પછી ધંધો બરાબર જામતો ન હોઇ અને મજૂરી મળતી ન હોઇ પરિવારના સભ્‍યો છકડો રિક્ષા લઇને જસદણ નજીક ગુંદા ગામે સિકોતર માતાજીના મઢે દર્શન કરવા અને દાણા જોવડાવવા ગયા હતાં. ત્‍યાંથી પરત ગોંડલ જતા હતાં ત્‍યારે રસ્‍તામાં અકસ્‍માત નડયો હતો. આ વખતે રિક્ષા પુનિત ચલાવતો હતો. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્‍યુ પામનાર ભાના ઉર્ફ ભાવીકા બે ભાઇ અને બે બહેનમાં નાની હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ઘાયલોમાં ત્રણના હાથ ભાંગી ગયા હતાં.

 

(11:45 am IST)