સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

ધ્રોલની જી.એમ. પટેલ કન્યા છાત્રાલયની વિધાર્થીનીઓએ ભોજન લીધા બાદ ફુડપોઈઝીનની અસર થતા મચી ભાગદોડ : હાલ સ્થિતી સામાન્ય

જી.એમ. પટેલની ૧૦૦ જેટલી દિકરીઓને ખોરાકી ઝેરની અસર થવાથી સરકારી હોસ્પીટલના બેડ ખુટી પડયા : તાકીદે ખાનગી તબીબોની મદદ લેવી પડી : તમામ દિકરીઓને સમયસર સારવાર મળી રહેતા ખતરાથી બહાર

ધ્રોલ તા.૨૪ : ધ્રોલના રાજકોટ–જામનગર હાઈવે ઉપર આવેલ જી.એમ. પટેલ કન્યા વિધાલયના છાત્રાલયમાં રહેતી વિધાર્થીનીઓએ આજે બપોરે ભોજન લીધા બાદ ખોરાકી ઝેરી અસર થવાથી સંસ્થામાં ભાગદોડ મચી જવા પામેલ હતી અને મોટી સંખ્યામાં દિકરીઓને ફુડપોઈઝનની અરસ થવાના લીધે સરકારી હોસ્પીટલના બેડ ખુટી પડતા ખાનગી હોસ્પીટલમાં દોડાદોડી કરીને આ દિકરીઓને સારવાર આપવામાં આવતા તમામ દિકરીઓને સમયસર સારવાર મળી રહેતા સંસ્થાએ રાહતનો દમ લીધો હતો

મળતી વિગત મુજબ ધ્રોલ જી.એમ. પટેલ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી વિધાર્થીનીઓને આજે બપોરે ૧ વાગ્યે કન્યા છાત્રાલયમાં આવેલ ભોજનાલયમાં ભોજન લીધા બાદ ખોરાકી ઝેરી અસર થવાથી ઉલ્ટીની ફરીયાદો ઉઠતા સંસ્થામાં ભાગદોડ મચી જવા પામી હતી અને જોતા જોતા આ ખોરાકી ઝેરની અસર ૧૦૦ જેટલી વિધાર્થીનીઓને લાગુ પડતા તાબળતોબ ખાનગી વાહનો, એમ્બ્યુલસો દોડાવીને ધ્રોલની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતી ત્યાં બેડ ખુટી પડતા ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી અને ધ્રોલના ખાનગી તબીબો પણ મદદે દોડી આવીને સત્વરે સારવાર મળી રહેતા આ તમામ દિકરીઓ ખતરાથી બહાર હોવાનું અને સામાન્ય અસર હોવાનું તબીબોએ જણાવ્યુ હતુ.

વધુમાં મળતી વિગત મુજબ આ ધટના બનતા તાકીદે સંસ્થાના આગેવાનો, ટસ્ટીઓ દોડી આવ્યા હતા અને જી.એમ. પટેલની દિકરીઓને સમયસર સારવાર માટે તબીબોનો સંપર્ક કરીને સારવાર આપવામાં આવી હતી આ બનાવ બનતા થોડા સમય માટે ભાગદોડ મચી જવા પામી હતી ત્યારે હાલમાં આ તમામ દિકરીઓ ખતરાથી બહાર હોવાનું જાણવા મળે છે.(સંજય ડાંગર - ધ્રોલ)

(6:36 pm IST)