સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

ગોંડલના વેજાગામ ગામે ખરા અર્થમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો 35 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

વાલીઓએ પોતાના સંતાનોના ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાના બદલે સરકારી શાળાની પસંદગી કરી

ગોંડલ: ખાનગી શાળાઓની જબરજસ્ત પબ્લિસિટી વચ્ચે વાલીઓ પોતાના સંતાનોને કઈ શાળામાં પ્રવેશ અપાવવો તે અંગે મૂંઝવણમાં મૂકાઈ જતાં હોય છે ત્યારે ગોંડલ તાલુકાના વેજાગામ ગામે ખરા અર્થમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે ગામના આગેવાનો સરકારી તંત્રની મહેનતથી ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાનું ટાળી વાલીઓએ 35 વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાવી સરકારી શિક્ષણની ગરિમાને ગૌરવ અપાવ્યું છે.

 તાલુકાના વેજા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ તકે તાલુકા વિકાસ અધિકારી વજેસિંહ પરમારે જણાવ્યું હતું કે વેજા ગામ ના સરપંચ અને આગેવાનો તેમજ શિક્ષકોની મહેનતથી સરકારી શાળામાં પહેલા ધોરણમાં 24 અને અન્ય ૨ થી ૭ ધોરણ માં ૧૧ વિદ્યાર્થી મળી કુલ 35 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે આ ગોંડલ તાલુકાનું ગૌરવ ગણી શકાય તેવી ઘટના છે.

વેજા ગામ ના સરપંચ વર્ષાબેન ભાલાળાએ જણાવ્યું હતું તે પોતે પણ ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા છે અને સરકારી શાળામાં સો ટકા સારું શિક્ષણ મળી રહ્યું હોવાનું જાણી રહ્યા છે આ અંગે પોતાના જ સંતાનને સરકારી શાળામાં પ્રવેશ અપાવી અન્ય લોકોને પણ પોતાના સંતાનોને સરકારી શાળામાં દાખલ કરવા સમજાવવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપે વેજા ગામની સરકારી શાળામાં 35 વિદ્યાર્થીઓના પ્રવેશ થવા પામ્યા છે. સરપંચ વર્ષાબેન ભાલાળાએ કહ્યું હતું કે તેઓ અને ગામના આગેવાનો સમયાંતરે શાળાની મુલાકાત લઇ અભ્યાસક્રમ ચકાસતા રહેશે અને આગામી વર્ષોમાં વધુ ને વધુ સરકારી શાળામાં પ્રવેશ મેળવાય તેવા કામો કરશે

(તસવીર-જીતેન્દ્ર આચાર્ય)

(9:58 pm IST)