સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

કુબેર સિનેમા પાસેથી ચોરાયેલુ બાઈક લૂંટમાં વાપર્યું હોવાનો ધડાકો.

ઉંચી માંડલ પાસે મોબાઈલ શોપમાં લૂંટ કરનાર બે આરોપીઓને ઝડપી લેતા તપાસમાં બાઈકનો લૂંટમાં ઉપયોગ થયાનું ખુલતા હાલ ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના ઉંચી માંડલ પાસે આવેલ મોબાઈલ શોપમાં બે અજાણ્યા બુકાની ધારીઓએ બંદૂકના નાળચે લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની થોડીવારમાં જ આ બન્ને આરોપીઓ પકડાઈ ગયા હતા અને પોલીસની તપાસમાં આરોપીઓએ લૂંટમાં જે બાઈકનો ઉપયોગ કર્યો હતો તે બાઈક અગાઉ કુબેર ટોકીઝ પાસેથી ચોરાયેલું હતું.

ઉંચી માંડલ પાસે ધોળેદિવસે બે હિન્દીભાષી શખ્સો મોબાઈલ શોપમાં ઘુસી રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવીને ભાગી છૂટ્યા હતા. જો કે આ લૂંટના થોડા સમય બાદ બન્ને આરોપીઓ પોલીસની ગીરફતમાં આવી ગયા હતા અને પોલીસની તપાસમાં લૂંટની ઘટનામાં વપેરાયેલું બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું હતું.

 આ બનાવની પોલીસે ગહન છાનબિન કરતા લૂંટમાં વપરાયેલું બાઈકની અગાઉ કુબેર સિનેમા પાસેથી ચોરી થઈ હતી. આથી આ બનાવની ફરિયાદ નોંધાઈ છે. જેમાં મોરબીના ભડિયાદ કાંટા રોડ ઉપર જવાહર સોસાયટીમાં રહેતા સંજયભાઇ રમેશભાઇ વણોલની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ કુબેર ટોકીઝ સામેથી ચોરાઈ જતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જો કે આ બાઈક બન્ને લૂંટારુઓએ ચોર્યું હતું કે બીજા કોઈ અન્યએ તે અંગે હજુ પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી.

(10:03 pm IST)