સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

ગુજરાતમાં ગુંડા કે દાદાનું ચાલતુ નથી, હવે ચાલે તો માત્ર હનુમાન દાદાનું : અમિતભાઇ શાહ

જસદણ એ સભા કરવાની સીટ નથી, કુંવરજીભાઇ બાવળીયાના કામની સીટ છે : જસદણમાં જાહેરસભા ગજવતા કેન્દ્રીય ગૃહમંત્રી

આટકોટ : તસ્વીરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની સભામાં ઉપસ્થિત આગેવાનો ગ્રામજનો નજરે પડે છે. (તસ્વીર : વિજય વસાણી-આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૨૩ : જસદણ ખાતે આજે બાયપાસ સર્કલ પાસે ગૃહ રાજ્યમંત્રી અમિતભાઇ શાહની જાહેર સભા જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇએ પ્રારંભિક ઉદ્બોધનમાં ભાજપની વિકાસ ગાથાના ગુણો ગાઇ જસદણ-વિંછીયાના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇને જંગી લીડથી ચુંટવા લોકોને અર્પિલ કરી હતી.

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ કોંગ્રેસ ઉપરચાબખા મારતા જણાવ્યું હતું કે કોંગ્રેસે ગુજરાતમાં કોઇ વિકાસ કર્યો નથી. એ ભાજપ સરકારે ગુજરાતમાં કરી દેખાડ્યું છે.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મંત્રી દયાશંકરે જણાવ્યું હતું કે ગુજરાતની ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વની નજર છે. ત્યારે નરેન્દ્રભાઇ જેવા વિશ્વના સન્નમાનિય નેતાની કર્મભૂમિ અને રાજકીય બેટીંગની શરૃઆત થઇ તે રાજ્યમાં ફરી વાર ભાજપની સરકાર બનશે. તેઓએ યુ.પી. સરકાર કરેલા વિકાસના કામો પણ માહિતી આપી હતી.

પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરાએ તેમની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાતના બે પનોતા પુત્ર નરેન્દ્રભાઇ અને અમિતભાઇ વિરૃધ્ધ ગમે તેવા શબ્દો બોલનારા આપ અને કોંગ્રેસને જાકારો આપી વિશ્વના આદરણીય નેતા ઉપર કાદવ-કિચડ ઉછાડનારા તત્વોને જાકારો આપી, રાષ્ટ્ર હિતને ધ્યાને રાખી કુંવરજીભાઇને વિજયી બનાવી નરેન્દ્રભાઇના હાથ મજબુત કરવા હાંસલ કરી હતી.

કુંવરજીભાઇ બાવળીયા તેમના લાગણી સાભર ઉદબોધનમાં જણાવ્યું હતું કે જસદણ-વિંછીયા વિસ્તારના મતદારોએ હંમેશા મને સહકાર આપ્યો છે. અને આ વખતે પણ તમારા આર્શીવાદ આપજો તેવી અપીલ કરી હતી.

તેમણે રાજય સરકારના સહયોગથી જસદણ-વિંછીયા પંથકમાં ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યોની વાતો ઉપસ્થિત મેદની સમક્ષ રજુ કરી ભાજપના હાથ મજબુત કરવા જણાવ્યું હતું.

જસદણમાં ૧૩ વર્ષ બાદ આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સવા કલાક મોડા આવ્યા છતાં પણ તેમને સાંભળવા ઉપસ્થિત વિશાળ મેદનીને તેમણે કુંવરજીભાઇની કાર્યશૈલીના વખાણ કરી જણાવ્યું હતું કે મને જસદણ સભા કરવા જવાનું કહ્યું ત્યારે મે કીધુ હતુ કે જસદણમાં સભા કરવા જવાનુ ન હોય ત્યાં કુંવરજીભાઇના કાર્યોથી કુંવરજીભાઇ વિજય મેળવશે.

તેમણે જલારામબાપા, કાગવડવાળા ખોડીયાર માતાને યાદ કરી વંદન કરી કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં સૌરાષ્ટ્રમાં પાણી સમસ્યા હતી તે ભાજપ સરકારે દૂર કરી સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડી સૌરાષ્ટ્રને હરીયાળુ બનાવી દીધું છે.

ગુજરાતમાં નર્મદા ડેમનું ઉંચાઇ વધારવાનું કામ કોંગ્રેસની સરકારે અટકાવ્યું હતું તેમને ગુજરાત સામે હંમેશા વિરોધ કરી અન્યાય કર્યો છે.

નર્મદા ડેમનો હંમેશા વિરોધ કરતા મેઘા પાટકરને કોંગ્રેસના રાજકુમાર રાહુલ ગાંધીએ તેમને પદયાત્રામાં સાથે લઇ ગુજરાતનું હળાહળ અન્યાય કર્યો છે.

આ તકે અમિતભાઇ શાહે જણાવ્યું કે, ૧૯૯પ સુધી ગુજરાતમાં દાદાઓ અને ગુંડાઓનું રાજ હતું. જનસંઘ સમયે ગુંડા વિરોધી સમિતિઓ બનાવવામાં આવી હતી.

આજે ગુજરાતમાં કોઇ ગુંડા કે દાદાનું ચાલતુ નથી, હવે ચાલે તો માત્ર હનુમાન દાદાનું જ.

તેમણે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડની યોજના થકી રાજયનાં મોટાભાગનાં લોકોને આરોગ્ય માટે પાંચ લાખની સુવિધા રાજય અને કેન્દ્ર સરકારે આપી છે.

નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતને વિકાસના પંથે લઇ ગયા આજે તેઓ વડાપ્રધાન છે ત્યારે પણ ગુજરાતનો વિકાસ  થાય તે માટે ખુબ જ પ્રયાસો કરે છે.

ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ગુજરાતમાં રેકોર્ડ બુક સીટો આપી નરેન્દ્રભાઇના હાથ મજબૂત કરવાની હાંકલ કરી હતી.

આજની આ સભામાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથરીયા, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી દયાશંકર પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોધરા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ, પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણી તે જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખ-રામાણી પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, વિધાનસભા સીટના ઇન્ચાર્જ નેહલ શુકલ, રક્ષાબેન બોળીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ વેકરીયા, અનિલભાઇ મકાણી, રમાબેન મકવાણા, દક્ષાબેન રાદડીયા, અરવિંદભાઇ તોગડીયા, અશોકભાઇ મહેતા, ચંદુભાઇ કચ્છી, મનુભાઇ લાવડીયા, ભૂપતભાઇ વાળા, અનિતાબેન રૃપારેલીયા જીલ્લા ભાજપ મહિલા મોર્ચાના પ્રમુખ શીમાબેન જોષ્ી, મનોજભાઇ રાઠોડ, સ્થાપિક સંગઠનની હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતાં.

જસદણ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં આવેલ સુરજમલ હાઇસ્કુલ ખાતે શ્રી અમિતભાઇ શાહની જાહેરસભા યોજાઇ છે.  બપોર બાદ ૪ વાગ્યે બારડોલી ખાતે આંકડામુખી હનુમાન મંદિર પાસે, કડોદરા ચાર રસ્તા, પલસાણા ખાતે જાહેરસભા યોજાઇ છે.

(3:45 pm IST)