સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં દેશ સુરક્ષિતતા સાથે વિકાસને પંથે : યોગી આદિત્‍યનાથ

વીરેન્‍દ્રસિંહ જાડેજાના સમર્થનમાં યોજાયેલી રાપરની સભામાં કચ્‍છી લોકોને પરિશ્રમી ગણાવ્‍યા : નાથ સંપ્રદાયના ધર્મ સ્‍થાનોનો ઉલ્લેખ કર્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : કચ્‍છમાં વિધાનસભાની ચુંટણી દરમ્‍યાન રાપર મધ્‍યે ભાજપના ઉમેદવાર વિરેન્‍દ્રસિંહ જાડેજાના સમર્થનમાં યોજાયેલી જાહેરસભામાં જબરદસ્‍ત ભીડ ઉમટી પડી હતી. જંગી જનમેદનીને સંબોધન કરતા ઉતરપ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથજીએ કોંગ્રેસ ઉપર ગાજયા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમ્‍યાન રાષ્ટ્રગીતને બદલે ફિલ્‍મી ગીત વાગ્‍યા ની વાત સંદર્ભે તેમણે તીખી ટિપ્‍પણી કરતાં જણાવ્‍યું હતું કે રાહુલ ગાંધી કે કોંગ્રેસને દેશદાઝ નથી.

કોંગ્રેસના શાસનકાળમાં રામ મંદિરનું નિર્માણ શક્‍ય જ નહોતું. કોંગ્રેસે સરદાર પટેલને પણ સાઈડલાઈન કર્યા હતા. પણ, નરેન્‍દ્રભાઈ મોદીએ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ના નિર્માણ દ્વારાᅠ સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી એમને શ્રેષ્ઠ સનમાન આપ્‍યું છે. અયોધ્‍યામાં રામ મંદિરનું નિર્માણ સાકાર કરવાનું કાર્ય કર્યું છે. નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં દેશ સુરક્ષિતતા સાથે વિકાસને પંથે છે. આજે દુનિયામાં ભારતનું સન્‍માન છે એનો શ્રેય નરેન્‍દ્રભાઈને જાય છે. આજે નરેન્‍દ્રભાઈના નેતૃત્‍વમાં એક શ્રેષ્ઠ ભારત અને નવા ભારતનું નિર્માણ થયું છે.

રાપરમાં વિરેન્‍દ્રસિંહ જાડેજાને ચુંટી કાઢવાની અપીલ કરતાં યોગી આદિત્‍યનાથજીએ કચ્‍છી લોકોને પરિશ્રમી ગણાવ્‍યા હતા સાથે સાથે ભચાઉ નજીક આવેલ નાથ સંપ્રદાયના કંથકોટ મંદિર તેમ જ જાડેજા રાજવીઓ દ્વારા અહીં બાંધવામાં આવેલ ગઢને યાદ કર્યા હતા.

કુલદીપસિંહ વિરેન્‍દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસની કામગીરીને સદંતર નિષ્‍ફળ ગણાવી હતી. લોકોની મુશ્‍કેલીમાં, વિકાસ કાર્યોમાં કોંગ્રેસ દ્વારા કોઈ પણ કામગીરી ન કરાઈ હોવાનું જણાવ્‍યું હતું. વિરેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા આવનારા સમયમાં રાપર વિસ્‍તારના તમામ અધૂરા કાર્યો પૂરા કરવાનું અને નર્મદાનું પાણી વધુ ગામોમાં પહોંચાવાનું વચન આપ્‍યું હતું. ગત માંડવી મુન્‍દ્રા ના ધારાસભ્‍ય કાળ દરમ્‍યાન વિરેન્‍દ્રસિંહ જાડેજા દ્વારા ૪૫૦૦ કરોડ રૂ.ના વિકાસ કર્યો કરાયા હોવાનું જણાવ્‍યું હતી.

સભામાં યુપીના મંત્રી સ્‍વતંત્રદેવસિંહ, પંકજ મહેતા સહિતના આગેવાનોએ સંબોધન કર્યું હતું. રાપર બેઠકના ઉમેદવાર વિરેન્‍દ્રસિંહ જાડેજાએ યુપીના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાજીનું સનમાન કરી ઉસભર્યો આવકાર આપ્‍યો હતો. જાહેરસભામાં જંગી જનમેદની ઉમટી પડી હતી. સભા સ્‍થળ નાનું પડતાં મંડપ ખોલી નાખવા પડ્‍યા હતા. ખુરશીઓ ઘટી પડી હતી.

(10:52 am IST)