સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

જેતપુર બેઠક પર ૭ સખી બુથ-૧ દિવ્‍યાંત સંચાલિત મતદાન મથક તથા ઇકો ફ્રેન્‍ડલી અને મોડેલ બુથ રહેશે

રાજકોટ તા.૨૪: જેતપુર વિધાનસભા મતવિસ્‍તારના ચૂંટણી અધિકારીશ્રી નીમેશ પટેલના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્‍યારે ૭૪-જેતપુર વિધાનસભા મતવિસ્‍તારમાં સમાવિષ્ટ જેતપુર અને જામકંડોરણા તાલુકામાં આ વખતે ૧૦ અનોખા મતદાન બુથો ઉભા કરવામાં આવશે. જેમાં ૭ સખી બુથ, ૧ દિવ્‍યાંગ સંચાલિત બુથ, ૧ ઈકો ફ્રેન્‍ડલી બુથ, ૧ મોડેલ બુથનો સમાવેશ થશે.

અનોખા બુથો વિશે વધુ વિગતો આપતા નાયબ મામલતદારશ્રી બી.એમ. ખાનપરાએ જણાવ્‍યું હતું કે, સંપૂર્ણપણે મહિલા સંચાલિત એવા સખી બુથ જામકંડોરણા તાલુકાના રંગપર, ઉજળા, તરવડા, જેતપુર તાલુકાના મંડલીકપુર, કાગવડ-૧ ગામ ઉપરાંત જેતપુર શહેરમાં જી.કે.સી.કે બોસમીયા કોલેજ, વિવેકાનંદ હાઈસ્‍કુલ ખાતે ઉભા કરવામાં આવશે.

દિવ્‍યાંગ સંચાલિત મતદાન બુથ સેન્‍ટ ફ્રાન્‍સિસ હાઈસ્‍કુલ ખાતે ઉભું કરવામાં આવશે. આ મતદાન બુથની સંપૂર્ણપણે કામગીરી દિવ્‍યાંગો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવશે.

પર્યાવરણની રક્ષામાં મહદઅંશે સહભાગી થવાના હેતુસર કાગવડ-૨ ગામ ખાતે ઈકો ફ્રેન્‍ડલી મતદાન બુથ ઉભું કરવામાં આવશે. જયાં પ્‍લાસ્‍ટિકયુક્‍ત કોઈપણ વસ્‍તુનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

જેતપુર શહેરમાં આવેલ વિવેકાનંદ હાઈસ્‍કુલ ખાતે આદર્શ મતદાન બુથ હશે. આ બુથ ફૂલ-છોડથી અત્‍યંત સુશોભિત અને નમૂનારૂપ હશે, જેનો માહોલ જ એવો હશે કે મતદારો હોંશભેર મતદાન કરવા પ્રેરિત થાય.

(11:04 am IST)