સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

ઓરેવા ગ્રુપ સામે તમે શું પગલા લીધા ? ‘સીટ' તપાસનો અહેવાલ સીલબંધ કવરમાં રજૂ કરવા મોરબી ઝુલતા પુલ કેસમાં રાજ્‍ય સરકારને આદેશ

રાજ્‍ય સરકાર દ્વારા રચાયેલ કમિટીમાં કોણ-કોણ છે? તેની માહિતી માંગી

મોરબીઃ મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં અહેવાલ રજુ કરવા સરકારને આદેશ અપાયો છે.

મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ કર્યા હતા. તમામ લોકોને અપાયેલા વળતરથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે આ મામલે 10 દિવસમાં સમગ્ર અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને સવાલ કર્યો કે, ઓરેવા ગ્રુપ સામે તમે શું પગલા લીધા? SIT તપાસનો અહેવાલ સીલ બંધ કવરમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે.

મોરબી બ્રિજ દૂર્ઘટના મામલે હાઇકોર્ટે સુઓમોટો લીધા બાદ વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. એફિડેવિટ રજૂ કરવામાં આવી છે તેમાં કોર્ટે ટિપ્પણી કરી છે કે ઓરેવા કંપની હોય કે મોરબી નગરપાલિકાને માત્ર ટિકિટ અને પૈસામાં રસ હોય પણ સમારકામમાં રસ હોય તેવુ લાગતુ નથી. કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે કે SIT તપાસનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવે અને જો SIT તપાસ યોગ્ય ના લાગે તો હાઇકોર્ટ અન્ય એજન્સીને તપાસ સોપી શકે છે.

રાજ્ય સરકાર દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં કોણ કોણ છે તેની પણ માહિતી માંગવામાં આવી છે. મોરબી નગરપાલિકાને હાઇકોર્ટે પૂછ્યુ કે સાડા પાંચ વર્ષ સુધી કોઇ પણ એગ્રીમેન્ટ વગર ઓરેવા ગ્રુપને બ્રિજને વાપરવા માટે કેમ આપવામાં આવ્યો, શા માટે પાંચ વર્ષ માટે તમે ચુપ રહ્યા.

હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યુ કે, મૃતકોની જ્ઞાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકો એક સમાન જ ગણાય. વધુમાં કોર્ટે કહ્યુ કે, આ દૂર્ઘટનામાં 7 બાળકોએ માતા-પિતા બન્ને ગુમાવ્યા હતા. હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી કે મૃતકોના પરિવારજનોને ચુકવાયેલુ 4 લાખ રૂપિયાનું વળતર પુરતુ નથી ઓછામાં ઓછુ 10 લાખ વળતર ચુકવવુ જોઇએ. વધુમાં હાઇકોર્ટે રાજ્યભરના બ્રિજનો સર્વે કરવા આદેશ કર્યો હતો. રાજ્ય સરકારે ઓરેવા ગ્રુપ સંચાલકોનું નામ FIRમાં ના હોવાનું જણાવ્યુ હતુ.

(5:55 pm IST)