સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

વાંકાનેરમાં બિસ્માર રસ્તાઓ રીપેરીંગ કરવા રજુઆત

વાંકાનેરમાં બિસ્માર રસ્તાઓ રીપેરીંગ કરવા રજુઆત

(મહમદ રાઠોડ દ્વારા) વાકાનેર,તા. ૨૫ : વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં. ૧ થી વોર્ડ નં. ૩ સુધીના બિસ્માર રસ્તાઓના કામો તથા રસ્તાઓ રીપેરીંગ અંગે અગાઉ લેખિત રજુઆતો પણ થઇ છે જે કામો પૈકી, રાજકોટ રોડ પર આવેલ વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ ચોકના રસ્તાને સિમેન્ટ કોંક્રીટથી મઢવા અંગે કારણ કે આ બિસ્માર રસ્તાની દર ચોમાસે દયાજનક સ્થિતી થતી હોય છે. ગ્રીનચોક, ટ્રાફીકથી ધમધમતો ચોક હોય તેની ગોળાઇની બે સાઇડોના કામ અધુરા રહ્યા છે. તે પૈકી એક સાઇડમાં વેપારીઓએ સ્વખર્ચે સિમેન્ટ કામ કરેલ છે.

જ્યારે બીજી સાઇડ હજુ બન્યા વગરની જે-સે-થે સ્થિતીમાં ઘણા સમયથી છે જેને સિમેન્ટ પેવરથી મઢવાની માંગણી જુની છે. ભોરણીયા શેરી પેવર માંગે છે. જ્યારે લક્ષ્મીરાની તમામ શેરીઓના કામ વર્ષોથી કરવામાં આવ્યા જ  ન હોય, તે આવશ્યક બને છે. તે જ રીતે લુહાર શેરી, વાણીયા શેરી, અપાસરા શેરી, ઝાંપાશેરી સહિત નવા પરા, વોરવાડ, તથા રૃગનાથજી મંદિર શેરી કે જ્યાં વર્ષોથી કામ જ થયું નથી. આ ઉપરાંત નવા પરા મિલપ્લોટ, વિશીપરા, રામચોકમાં મોરબી દરવાજો તથા મીનારાવાળી શેરી સહિતના કામો હજુ હાથ ધરાયા નથી.

ઓનલાઇન ટેન્ડરો મંજુર પણ કરાવા હતા જો કે હજુ સુધી દોઢ કરોડના વિકાસના કામોનો પ્રારંભ થયો નથી. બાદમાં આજ કામોની નવી ગ્રાન્ટના રૃા. સાડા ચાર કરોડના કામો પણ કરવાના હતા પરંતુ વિધાનસભા ચૂંટણી સમાપનના બે માસ બાદ પણ આ કામો શરૃ થયા નથી.

હવે વહીવટદારની દેખરેખ હેઠળ શહેરની સફાઇ કામગીરી તથા સ્ટ્રીટલાઇટ અને પાણી વ્યવસ્થા મહદઅંશે વ્યવસ્થિત થતી હોય, આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે. પરંતુ વિકાસના કામો શરૃ ન થતા વાંકાનેરના લોકો આ કામ માટે કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

(11:56 am IST)