સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

બાબરામાં નગરપાલિકાનું પાણી પુરવઠાનું વીજ કનેકશન પીજીવીસીએલ દ્વારા કાપી નાંખતા પાણી વિતરણ બંધ થયુ

પાંચ કરોડનું બીલ બાકી હોય પાલિકા દ્વારા છેલ્લા પાંચ વરસથી એકપણ રૃપિયો નહિ ભરતા પીજીવીસીએલ દ્વારા સઘન કાર્યવાહી કરી : આગામી દિવસોમાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક કરી યોગ્ય રસ્તો કરાશે : પાલિકા ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા. ૨૫ : બાબરા નગરપાલિકાના પાણી પુરવઠાના ત્રણ જેટલા વીજ કનેકશનના વીજ બિલ બાકી હોવાથી પીજીવીસીએલ દ્વારા વીજ જોડાણ કાપી નાખતા શહેરમાં પાણી વિતરણ ખોરવાયું છે નગરપાલિકા પાસે પાણી પુરવઠાના પીજીવીસીએલના વર્ષોથી પાંચ કરોડ ની આસપાસની વીજ બિલ રકમ બાકી છે અગાવ ૨૦૨૦ માં  પાંચ લાખ જમા કરાવ્યા હતા ત્યારબાદ રકમ ભરેલ નથી પાલિકાનું પાણી પુરવઠાનું બિલ દર મહિને ૬ લાખ આવે છે પીજીવીસીએલ દ્વારા એક પખવાડિયા પેલા પાલિકા ને નોટિસ આપી બાકી વીજ બિલ ભરી આપવા સૂચના આપેલ હતી પણ પાલિકા દ્વારા એકપણ રૃપિયો નહિ ભરતા તંત્ર દ્વારા વીજ જોડાણ કાપી નાખતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ માં દોઢધામ મચી ગઇ છે

અગાવ ૨૦૧૭માં પણ સ્ટ્રીટ લાઈટનું બિલ પણ પાલિકા દ્વારા નહિ ભરવામાં આવતા બે દિવસ શહેર અંધારામાં રહ્યું હતું

 આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પીજીવીસીએલનું વીજ બિલ બાકી છે તેમાંથી શક્ય તેટલી રકમ ભરવા માટે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવી  રહ્યું છે પાલિકા પ્રમુખ સહિત મુખ્ય પદાધિકારીઓ દ્વારા પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્ન ઉકેલવામાં આવશે

હાલ અમુક દિવસ સુધી શહેરના લોકોને પાણી માટે થોડી મુશ્કેલીઓ પડશે તેમજ લોકો પણ સાવચેતી પૂર્વક પાણી નો ઉપયોગ કરે તેવું અંતમાં ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું હતું.

(2:41 pm IST)