સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

મોરબી : વસંત પંચમીને ‘બુધવાર'નું ગ્રહણ લાગતા ઓછા લગ્નો લેવાયા

વસંત પંચમીએ વાસ્‍તુ પૂજન સહિતની ૨૦૦થી વધુ પ્રસંગો અને ગુરૂવારે ૨૦૦ જેટલા લગ્નો યોજાશે

 (પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૫ : ભારતીય સંસ્‍કળતિમાં વસંત પંચમીનો ખુબ જ મહિમા હોય આ તહેવાર પર વણજોયા મુહૂર્તમાં દરેક શુભ પ્રસંગો યોજાતા હોય છે અને વસંત પંચમીના વણજોયા મુહૂર્તમાં સૌથી વધુ લગ્ન પ્રસંગો યોજાતા હોય છે. પણ આ વખતે વસંત પંચમીએ બુધવાર હોવાથી લગ્ન પ્રસંગોમાં આ બુધવાર નડી ગયો છે. મોરબીમાં વસંત પંચમીએ બુધવાર હોય અને બુધવારે ભાઈ બહેન છુટા ન પડે તેવી માન્‍યતાને લીધે ઘણા ઓછા લગ્નો યોજાશે. પણ બીજા દિવસે ધૂમ લગ્નો યોજાશે.

 જાણીતા કર્મકાંડી ભુદેવ વિપુલભાઈ શાષાીના જણાવ્‍યા મુજબ મોરબીમાં બુધવારને કારણે દર વર્ષે જે વસંત પંચમીએ જે લગ્નો લેવાતા હોય એમાં વખતે થોડું ગાબડું પડશે. એટલે વસંત પંચમીએ ૧૦૦થી ૧૫૦ સુધીના મોરબીમાં લગ્નો યોજાશે. સાથેસાથે બુધવારે વાસ્‍તુ પૂજન, ગુહ પ્રવેશ સહિતના ૨૦૦ જેટલા પ્રસંગો યોજાશે.જ્‍યારે વસંત પંચમીએ બુધવારનું ગ્રહણ નડી ગયું હોવાથી તેના બીજા દિવસે એટલે ગુરુવારે ૨૦૦ જેટલા લગ્નો યોજાશે. એટલે આ બે ત્રણ દિવસમાં શહેરની દરેક શેરી ગલીમાં લગ્નની શરણાયો ગુંજશે. અનેક લગ્નોના કારણે શહેરમાં ચારેકોર લગ્નોના મંગળગીતો અને જાનૈયા માંડવિયાના ફટાણા સાંભળવા મળશે.

 લગ્નની સિઝન હાલ પુરબહારમાં ખીલી ઉઠી છે. આ વખતે કોરોનાનો કોઈ ડર ન હોવાથી અગાઉની જેમ જ દરેક જગ્‍યાએ ધામધૂમથી લગ્નપ્રસંગો ગોઠવાઈ ગયા છે. વાડી, હોલ, હોટેલ, બેન્‍ડબાજા-ઢોલ ત્રાંસા, ફૂલ, બુકે સહિતની વસ્‍તુઓ અગાઉથી બુક થઈ ગઈ છે અને લગ્નની બજારમાં પણ ખરીદી જોવા મળે છે. કાપડના વેપારી મહેશભાઈએ જણાવ્‍યું હતું કે, ગત બે વર્ષ કરતા આ વખતે લગ્નની સીઝનમાં ૨૦ ટકા વધુ કાપડ બજારમાં ખરીદી થઈ છે. લગ્નોમાં પણ હલ્‍દી, મહેંદી, રિસેપ્‍શન સહિતની જુદા જુદા પ્રોગામોના કારણે લોકોની ખરીદ શકતી વધી છે. કમુરતા પછી સતત ખરીદી થઈ રહી હોય પણ ઘરેણાંના વેપારમાં થોડી ઓછી ખરીદી થઈ રહી છે. સોના ચાંદીના વેપારી નિલેશભાઈ પારેખે કહ્યું હતું કે, ગત વર્ષની જેમ જ સોના ચાંદીની ખરીદી થઈ રહી છે. એટલે ખરીદીમાં બહુ કોઈ ફરક પડ્‍યો નથી. આમ પણ ભાવવધારો થયો હોય એટલે જરૂરી હોય એટલા જ ઘરેણાંની ખરીદી થાય છે. વધારાની ઘરેણાંની ખરીદી થતી નથી.

(1:30 pm IST)