સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

જોડીયામાં છેલ્લા અઢી વર્ષથી રાત્રે અંધારપટ્ટ...!!!

જોડીયામાં ૭૦૦ સ્‍ટ્રીટ લાઈટ વીજ કનેક્‍શન કપાઈ : જવાથી બંધઃ ગ્રામ પંચાયત સામે કોર્ટમાં કેસ પણ દાખલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫ : જોડીયામાં છેલ્લા અઢી વર્ષથી રાત્રિના અંધારપટ છવાય છે. ગ્રામ પંચાયત દ્વારા જોડિયાના શેરી, રસ્‍તાઓ પર સ્‍ટ્રીટ લાઈટ તો નાખવામાં આવી છે પરંતુ આ સ્‍ટ્રીટ લાઈટ વીજ ભરવાને કારણે લાંબા સમયથી બંધ પડી છે.

જામનગર જિલ્લાના તાલુકા મથક ગણાતા જોડીયા ગામમાં વર્ષ ૨૦૧૧ વસ્‍તી ગણતરી મુજબ ૧૩,૧૭૮ લોકો તો વસવાટ કરે છે. પરંતુ લોકોને સુવિધા ના નામે કઈ જ નથી મળી રહ્યું... છેલ્લા અઢી વર્ષથી જોડિયા ગ્રામ પંચાયત દ્વારા અગાઉના વિજ કનેક્‍શનના અંદાજિત ૧૭ લાખ રૂપિયાથી વધુ રકમનું ભરણું બાકી છે. જે નાણા નહીં ભરાતા વીજ કનેક્‍શન કાપી નાખવામાં આવ્‍યું છે. જોકે અમારા પ્રતિનિધિ જોડિયા ગ્રામ પંચાયતની મુલાકાતે પહોંચ્‍યા હતા. જ્‍યાં અગાઉના રાજ્‍ય સરકારમાંથી વેટના નાણા આપવામાં આવતા હોય છે જેમાં પણ વધારો અને અન્‍ય રકમ નહીં આવતા આર્થિક તંગી અનુભવી રહી હોવાનું તલાટી કમ મંત્રી નિલેશભાઈ નાગપરાએ જણાવ્‍યું હતું.

જોડિયા ગ્રામ પંચાયતમાં ૭૦૦ જેટલી સ્‍ટ્રીટ લાઇટ આવેલી છે. પરંતુ વીજ બીલ ન ભરવાથી સ્‍ટ્રેટ લાઈટના વીજ કનેક્‍શન પીજીવીસીએલ દ્વારા કાપી નાખવામાં આવ્‍યા છે. અને અઢી વર્ષથી નાણાં નહીં ભરાતા પૈસા વસૂલવા ગ્રામ પંચાયત સામે કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવ્‍યો હોવાનું જોડિયા વીજ વિભાગના નાયબ ઇજનેર ડી.બી.મિયાત્રાએ જણાવ્‍યું હતું.

છેલ્લા અઢી વર્ષથી જોડિયાના નાગરિકો ગ્રામ પંચાયતના અને પીજીવીસીએલના વચ્‍ચે વીજકનેકશન કપાઈ જવાથી શેરી ગલીઓમાં રાત્રિ દરમિયાન અંધારામાં ચાલવા મજબૂર બન્‍યા છે. એક તરફ ગ્રામ પંચાયત રાજ્‍ય સરકાર દ્વારા વેટના નાણા નથી મળી રહ્યા તેમ જણાવી રહી છે તો બીજી તરફ વીજ કંપની દ્વારા પણ આ મુદ્દે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્‍યો છે. ત્‍યારે આ કેસનું સમાધાન કયારે થશે? કે પછી રાજ્‍ય સરકાર મધ્‍યસ્‍થી કરી આ નાણાંની વ્‍યવસ્‍થા કરાવી લાઈટો ચાલુ કરાવશે કે, કેમ? તે જોવું રહ્યું... હાલ તો જોડિયાવાસીઓ પોતાના ગામમાં રાત્રે અંધારામાંથી છૂટકો મળે અને અજવાળું થાય તેવું ઈચ્‍છી રહ્યા છે.(તસવીરોઃ કિંજલ કારસરીયાઃજામનગર)

(1:33 pm IST)