સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th June 2021

હવે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના શહેરો વચ્ચે ફેરી સર્વિસ બનશે શકય

રોડ, રેલવે, હવાઇ સેવા કરતા દરિયાઇ સફરથી ઝડપભેર પહોંચી શકાશે : કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પીપીપી મોડેલથી મૂળ દ્વારકા, વાડીનાર, ઓખા, માંડવી, પીપાવાવ, મુન્દ્રા, હજીરામાં પેસેન્જર ફેરી સર્વિસ માટે માળખાગત સુવિધા ઊભી કરવા કામ પ્રગતિમાં, મુંબઈ સુધી પણ પ્રવાસ શકય બનશે, કાર્ગો હેરફેર પણ કરી શકાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૫:  દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં પીપીપી મોડેલથી દહેજ ઘોઘાની જેમ અન્ય શહેરો વચ્ચે આંતરિક જળમાર્ગો વિકસાવવાના કેન્દ્ર અને રાજય સરકારના પ્રયાસો પ્રગતિમાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દેશમાં દરિયાઈ ક્ષેત્રે અવરજવર વધારી આંતરિક જળમાર્ગ વિકસાવવાના આયોજન અંતર્ગત કેન્દ્ર અને રાજય સરકાર સાથે પીપીપી મોડેલ હેઠળ અનેક મહત્વના પ્રોજેકટો હાથ ધરાયા છે. આવો જ એક મહત્વનો પ્રોજેકટ એ ફેરી સર્વિસનો પ્રોજેકટ છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડતા દહેજ ઘોઘા વચ્ચે અત્યારે સફળતાપૂર્વક ચાલી રહેલ ફેરી સર્વિસની જેમ હવે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય શહેરોને જોડવાનું આયોજન પ્રગતિમાં છે. શું છે આ આયોજન અને કઈ રીતે થઈ રહી છે આ કામગીરી? આ સંદર્ભે 'અકિલા' ના કચ્છના પ્રતિનિધિ વિનોદ ગાલાને માહિતી આપતાં દિનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતા કહે છે કે, ઇન્ટરસીટી વોટર વે સર્વિસ શરૂ થાય તે માટે કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા સતત પ્રયત્નશીલ છે અને કેન્દ્ર સરકારના આ પ્રયાસોમાં રાજય સરકાર તેમ જ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઉમદા સહયોગ આપી રહ્યું છે. ફેરી બોટ શરૂ કરવા માટે અત્યારે પેસેન્જર સર્વિસ અંતર્ગત જેટી, વેઇટિંગ રૂમ જેવી ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ ઉભી કરાઈ રહી છે. આ માટેનો ખર્ચ દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા કરાઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રના બંદરો મૂળ દ્વારકા, વાડીનાર, પીપાવાવ, કચ્છના બંદર માંડવી અને દક્ષિણ ગુજરાતના હજીરા બંદરે અંદાજિત ૬૦૦ કરોડથી વધુના ખર્ચે દીનદયાળ પોર્ટ કંડલા પ્રવાસીઓની હેરફેર માટે સુવિધા વિકસાવી રહ્યું છે. જયારે મુન્દ્રા પોર્ટ ઉપર અદાણી ગ્રુપ અને ઓખા બંદરે અંબુજા ગ્રૂપ દ્વારા પોતાને ખર્ચે જેટીની સુવિધા વિકસાવાઈ છે. કેન્દ્ર અને રાજય સરકાર સયુંકત પ્રયાસો સાથે આ સુવિધા વિકસાવીને આવનારા સમયમાં ફેરી સર્વિસ ચલાવવા માટે પીપીપી ધોરણે ખાનગી કંપનીઓને નિયમોને આધીન પ્રવાસીઓની હેરફેર માટેની સેવા શરૂ કરવા નિમંત્રિત કરશે. એટલે આવનારા સમયમાં સૌરાષ્ટ્રના દ્વારકા, ઓખા, વાડીનાર, ઘોઘા, પીપાવાવ, કચ્છના મુન્દ્રા, માંડવી અને દક્ષિણ ગુજરાતના હજીરા, દહેજ વચ્ચે ઇન્ટરસિટી ફેરી સર્વિસ બોટ શરૂ થઈ શકશે. જો, કોઈ ખાનગી ફેરી બોટ સર્વિસ ધારે તો આ સેવાને મુંબઈ કે દેશના અન્ય શહેરો સુધી પણ લંબાવી શકશે. દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતા 'અકિલા' ને વધુ માહિતી આપતા કહે છે કે, આ જ દરિયાઈ રૂટ ઉપર કાર્ગો સર્વિસ પણ શરૂ થઈ શકશે.

ટ્રક દ્વારા રોડ રસ્તે સમય વધુ લાગે છે, જયારે જળમાર્ગ સસ્તો, ઝડપી અને પ્રદૂષણ મુકત હોઈ ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આવતા મહિને મુન્દ્રા અને વાડીનાર વચ્ચે કાર્ગો સર્વિસ શરૂ થઈ જશે. પશ્યિમી દેશોમાં વોટર વે ઝડપી મુસાફરી સાથે દરિયાઈ રોમાંચના કારણે વધુ લોકપ્રિય હોવાનું કહેતા દીનદયાળ પોર્ટ કંડલાના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણી કહે છે કે, આવનારા સમયમાં ગુજરાતમાં પણ વોટર વે પ્રવાસીઓમાં લોકપ્રિય થઈ જશે. વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સાહસિકો દરિયો ખેડતા હતા. હવે, પુનઃ ગુજરાતના જળમાર્ગો ને સજીવન કરવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા સાથે ગુજરાત સરકારને ફાળે જાય છે. હવે, ફેરી બોટ સર્વિસ ચલાવનાર સાહસિકો વોટર વે ને લાઈવ બનાવવાનો પડકાર ઝીલશે તો ગુજરાતના પ્રવાસીઓ રોમાંચક દરિયાઈ સફર માણી શકશે.

(11:52 am IST)