સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th June 2021

પોરબંદરમાં મા અમૃતમ કાર્ડની કામગીરી ખાતરી મુજબ પુનઃ શરૂ કરાય નહી તો કોંગ્રેસ દ્વારા તાળાબંધીની ચીમકી

(પરેશ પારેખ  દ્વારા) પોરબંદર, તા., ૨૫: જીલ્લામાં મા અમૃતમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડની ઠપ્પ કામગીરી ખાતરી મુજબ પુનઃ શરૂ કરવામાં નહી આવે તો આરોગ્ય અધિકારી કચેરીને તાળાબંધી કરવાની ચીમકી કોંગ્રેસના આગેવાનોએ આપી છે.

મા અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની કામગીરી શરૂ કરવા માટે કોંગ્રેસ દ્વારા ધરણા અને ઘેરાવ કાર્યક્રમ કરતા આ કામગીરી પુનઃ શરૂ કરવા ખાતરી અપાઇ હતી. ત્યાર પછી ખાતરી મુજબ કામ નહી કરાય તો આરોગ્ય કચેરીને તાળાબંધી કરવાની ચીમકી અપાઇ છે.

પોબંદર જીલ્લામાં અને સમગ્ર ગુજરાત રાજયની અંદર છેલ્લા ૧પ દિવસથી માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ આપવાની કામગીરી ટેકનીકલ ફોલ્ટનું બહાનું આપી રાજય સરકારે બંધ કરી છે. છેલ્લા ૧પ દિવસથી ગંભીર અને જીવલેણ રોગના દર્દીઓ પણ આ કાર્ડ કઢાવવા માટે દરરોજ જીલ્લા પંચાયત અથવા તો આયુષ્યમાન કાર્ડ માટે ભાવસિંહજી હોસ્પીટલમાં ધકકા ખાઇ છે. પરંતુ ટેકનીકલ ફોલ્ટ છે. સોફટવેર અપડેટ નથી થતુ આવા બહાના બતાવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્ડ કાઢી આપતી નથી. આ બાબતે જીલ્લાના સેંકડો દર્દીઓએ અર્જુનભાઇ મોઢવાડીયાના કાર્યાલયએ આવી અને વારંવાર ફરીયાદ કરતા હતા એના અનુસંધાન પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમીતી, એનએસયુઆઇ સમીતી, શહેર યુથ કોંગ્રેસ, જીલ્લા યુથ કોંગ્રેસ અને પોરબંદર શહેર કોંગ્રેસના હોદેદારોએ જીલ્લા આરોગ્ય કચેરીએ નાથાભાઇ ઓડેદરા પ્રમુખ જીલ્લા કોંગ્રેસ સમીતી અને પ્રદેશ કોંગ્રેસ સમીતીના મંત્રીશ્રીની આગેવાનીમાં ધરણા કરી ઘેરાવ કર્યો અને જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું.

કોંગ્રેસ આગેવાનોએ ઉગ્ર રજુઆતો કરતા અને તાળાબંધીની ચીમકી આપતા આરોગ્ય અધિકારીશ્રીએ તેમના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધ્યો અને આ કામગીરી શરૂ કરવાની ખાતરી આપી.

કોંગ્રેસના આગેવાનોએ આરોગ્ય અધિકારીઓને ચીમકી આપી હતી કે તમે કાલે સાંજ સુધીમાં જો કામગીરી શરૂ નહી કરો તો ફરી આવતા સોમવારે આવી અને જીલ્લા આરોગ્યશ્રીની કચેરીએ તાળાબંધી જેવા કડક પગલા લેતા કોંગ્રેસ સમીતી અચકાશે નહી તેવી ચીમકી આપી હતી.

આંદોલનના કાર્યક્રમની અંદર જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, શહેર કોંગ્રેસ સમીતીના મહામંત્રી અતુલભાઇ કારીયા, શહેર જીલ્લા કોંગ્રેસ સમીતીના આગેવાન ભાઇશ્રી વિજયભાઇ બપોદરા, શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ હેરી કોટીયા, જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઇ પરમાર, અશોકભાઇ વારા, માલદેભાઇ ઓડેદરા, દિલાવરભાઇ જોખીયા, રામભાઇ આગઠ, મનોજભાઇ મકવાણા, પોરબંદર એનએસયુઆઇના પ્રમુખ કિશનભાઇ રાઠોડ, પોરબંદર શહેર કોંગ્રેસના મંત્રી કમલેશભાઇ ચુડાસમા, રણમલભાઇ કારાવદરા સહીતના આગેવાનો આ ધરણામાં જોડાયા અને ઉગ્ર રજુઆત કરી હતી.

(1:33 pm IST)