સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

મોરબી પાલિકાની પ્રી-મોન્‍સુન કામગીરી માત્ર ફોટાઓમાં : પોણો ઇંચ વરસાદમાં તો અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : મોરબી શહેરમાં સીઝનના પ્રથમ વરસાદે હેલી સર્જી હતી. જેમાં મેઘરાજાએ દે ધનાધનની જેમ ધોધમાર સ્‍વરૂપે ધરતીને ગાઢ આલીગન આપ્‍યું હતું. અડધો કલાક સુધી મેઘરાજાએ હેત વરસાવ્‍યું હતું જો કે માત્ર થોડા જ વરસાદમાં મોરબી શહેર પાણી પાણી થયું હતું

મોરબીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય બફાર અને ઉકળાટ વચ્‍ચે સાંજના અરસામાં આકાશમાં ડિબાંગ વાદળોની મેઘરાજા મન મુકીને વરસી પડ્‍યા હતા. મોરબી શહેર અને જીલ્લામાં અનેક વિસ્‍તરોમાં વરસાદ વરસ્‍યો હતો. જેમાં મોરબી જીલ્લામાં ૬ થી ૮ વાગ્‍યા સુધીમાં વરસાદમાં મોરબીમાં ૧૯ એમએમ અને ટંકારામાં ૬ એમ એમ વરસાદ નોંધાયો હતો.

મોરબી શહેરના રવાપર-શનાળા થઈ સાંમાકાંઠે નટરાજ ફાટક સુધીના આખા શહેરને અડધી કલાક સુધી ધોધમાર સ્‍વરૂપે મેઘરાજાએ ધમરોળી નાખ્‍યું હતું. પરિણામે મોરબીના જુના-નવા બસ સ્‍ટેન્‍ડ, શનાળા રોડ, રવાપર રોડ, રામચોક, ગાંધીચોક, ગ્રીનચોકના વિસ્‍તારો, મહેન્‍દ્ર ડ્રાઇવ રોડ, મુખ્‍ય પરાબજાર વિસ્‍તાર, શાક માર્કેટ, નહેરૂ ગેઇટ આસપાસ બજાર વિસ્‍તાર સહિતના મોરબી-૧ના તમામ વિસ્‍તારો થોડીવારમાં જાણે જળબંબાકાર બની ગયા હોય જેથી પાલિકાની પ્રી મોનસુન કામગીરીની પોલ છતી થઇ હતી અને પાલિકા દ્વારા પ્રી મોનસુન કામગીરી માત્ર ફોટો પડાવવા માટે જ કરી હોય તેવા દર્શ્‍યો સર્જાયા હતા.

(11:11 am IST)