સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

પ્રાથમિક શિક્ષણમાં વિશેષ ધ્‍યાન આપવાથી બાળકો અને સમાજ બન્‍નેને લાભ : શ્રીમતી અવંતિકા સિંઘ

ગાંધીનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્‍સવમાં હાજરી આપતા મુખ્‍યમંત્રીના સચિવ

ગાંધીનગર જિલ્લામાં કોટેશ્વર ખાતે મુખ્‍યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘએ (આઇ.એ.એસ) શાળા પ્રવેશોત્‍સવમાં હાજરી આપી બાળકો સાથે સંવાદ કરેલ અને સન્‍માનિત કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

ગાંધીનગર,તા.૨૫:કન્‍યાકેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવના બીજા દિવસે ગઇ કાલે મુખ્‍યમંત્રીશ્રીના સચિવ અને માહિતી-પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે ગાંધીનગર જિલ્લાના કોટેશ્વર, ભાટ અને સુઘડ ગામોની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ માં ૫૭ કન્‍યા અને ૫૦ કુમાર સહિત ૧૦૭ વિદ્યાર્થીઓને ભાવપૂર્વક આવકાર્યા હતા. આ ત્રણ ગામોમાં ૩૭ ભૂલકાઓએ આંગણવાડીમાં પ્રવેશ લીધો હતો.

બાળકોને દફતર, પુસ્‍તકો અને ચોકલેટ સાથે આવકારતા શ્રીમતી અવંતિકા સિંઘે કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્‍સવને કારણે શાળામાં ઉત્‍સવનું વાતાવરણ સર્જાતું હોવાથી હવે પ્રવેશ વખતે બાળકો ખુશખુશાલ દેખાય છે. શિક્ષણ પ્રત્‍યે બાળકોની રૂચી જળવાઈ રહે અને બાળકો લક્ષ્યથી ન ભટકે એ માટે વાલીઓની સજાગતા અને મહેનત જરૂરી છે. રમત ગમત એ બાળકોનો મૂળ સ્‍વભાવ છે, તેની સાથે અભ્‍યાસ પણ એકાગ્રતાથી થવો જોઈએ.

સુઘડમાં ઘટાટોપ લીમડાના વૃક્ષોના છાયડે યોજાયેલા પ્રવેશોત્‍સવ સમારોહમાં સંબોધન કરતા શ્રીમતી અવંતિકા સિંઘે કહ્યું હતું કે, વર્ષો પહેલાં કોઈ જાગૃત જવાબદાર નાગરિકે આ લીમડા વાવ્‍યા હશે, તો આજે આપણને તેના છાયડાનો લાભ મળી રહે છે. એમ બાળકોના પ્રાથમિક શિક્ષણમાં વિશેષ ધ્‍યાન અપાશે તો તેમનો ઉછેર સારો થશે અને તો આવનારા સમયમાં સમાજને તેનો લાભ મળશે.

શ્રીમતી અવંતિકા સિંઘે કોટેશ્વર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્‍સવ સમારોહમાં ગામના દાતાઓનુ બહુમાન કર્યું હતું. કોટેશ્વરની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શ્રી ભરતભાઈ બાબુભાઈ પટેલે શાળાના રિનોવેશન માટે રૂ. ૧૦ લાખનું માતબર દાન આપ્‍યું છે, તો સ્‍વર્ગસ્‍થ મગનભાઈ ખોડાભાઈ પટેલે શાળા માટેની જમીન દાનમાં આપી હતી. આ માટે દાતાઓનું સન્‍માન કરાયું હતું. શ્રીમતી અવંતિકા સિંઘે દાતાઓની સખાવતની સરાહના કરીને આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. 

(12:06 pm IST)