સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

તળાજામાં કાળચક્રઃ ગોરખી ગામના યુવકનું ડુબી જતા, દેવલીના વૃદ્ઘનું શોક લાગતા મોત

સાવધાન,સાત દિવસમાં ડૂબી જવાથી ત્રણના મોત

ભાવનગર, તા.૨૫: તળાજા પંથકમાં વહેતી શેત્રુંજી નદી, છલકાયેલા તળાવ ચેકડેમો અને દરિયામાં ન્હાવું એ મોતને નોતરું દેવા જેવું છે. છેલ્લા સાત દિવસમાં કેરાળાના કિશોરનું દરિયામાં, બે દિવસ પહેલા ટીમાણાંના યુવકનું શેત્રુંજી નદીમાં ડૂબી જવાથી મોતનું માતમ હજુ છવાયેલું છે ત્યાં ગોરખી ગામની વાડી વિસ્તારમાં રહેતા ભગતભાઈ ઘુસાભાઈ બાલધિયા નું તળાજા ન.પા એ બાંધેલા પંચનાથ મહાદેવ સામેના ચેકડેમમાં શેત્રુંજી નદીના ઘસમસતા પ્રવાહમા ડૂબી જવાથી મોત નીપજયું હતું. તળાજા પાલિકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ નવા મળેલ વાહન સાથે દોડી ગઈ હતી.

મૃતક યુવક મજુરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતો હતો. નિજકના જૂની ગોરખી ગામેજ તેઓના લગ્ન થયા હતા.સંતાનમાં એક દીકરો છે. જેણે આજે પિતાના ડૂબી જવાથી છત્રછાયા ખોઈ હતી

હાલના સમયે નદી, ચેકડેમ માં ન્હાવું હિતાવહ નથી. જે સાત દિવસમા ત્રણ અપ મૃત્યુના બનાવ સંદેશ આપે છે.

અપ મૃત્યુ ના બીજા બનાવમાં દેવલી ગામે રહેતા ભુપતભાઈ લાખાભાઈ પરમાર ઉવ.૬૦ બકરા માટે લીમડો કાપવા ટીણુંભા વાળા ની વાડીએ ગયા હતા. એ સમયે ઇલેકિટ્રક શોક લાગતા સ્થળપરજ મોત ને શરણ થયા હતા. બંનેના શબને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

(11:33 am IST)