સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th September 2020

જેતપુરના વૃદ્ધાની અનોખી પહેલઃ માનસિક વિકલાંગ મહિલાને વગર ઘરમાં રાખી સેવા કરી રહ્યા છેઃ લોહીનો સંબંધ નથી છતાં બંને વચ્‍ચે ગજબનો નાતો

જેતપુર: કહેવત છે કે માનવ સેવા એજ પ્રભુ સેવા. પરંતુ હકીકતમાં માનવ સેવા કરવાનો સમય આવે તો પારકા તો ઠીક છે, પરંતુ લોહીના સબંધો પણ મોઢું ફેરવી લેતા હોય છે. જેતપુરના એક વૃદ્ધા માનવ સેવાનો નિયમ પાળી પોતાનું જીવન જીવી રહ્યાં છે. જેતપુરના 70 વર્ષની ઉપરના ધનલક્ષ્મીબેન એક માનસિક અસ્થિરની સેવા કરવામાં પોતાનો સમય પસાર કરે છે, એ પણ કોઈ સ્વાર્થ વગર.

જેતપુરના બાવાવાળા પરામાં રહેતા ધનલક્ષ્મી બેન વ્યાસની ઉંમર 70 વર્ષથી વધુ છે. તેમના પરિવારની વાત કરીયે તો બે દીકરીઓને સાસરે વળાવીને તેઓ એકાંકી જીવન જીવે છે. હાલ તો તેને ખુદને જ સહારાની અને સેવાની જરૂર છે. પરંતુ આ વિધવા અને એકલા રહેતા મહિલાએ સમાજને એક અલગ જ રાહ દેખાડ્યો છે. તેઓ એક એવા અસ્થિર ને માનસિક રીતે બીમાર વૃદ્ધા બહેન રંજનબહેનની સેવા ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. રંજનબેન તેમના કોઈ સગા નથી, ન તો તેમની સાથે કોઈ અન્ય નાતો છે. પરંતુ માનવતાના સંબંધથી જોડાઈને તેઓ રંજનબહેનની સેવા કરે છે.

રંજનબેન માનસિક અને શારીરિક રીતે બીમાર છે, તેવો પોતાના કોઈ કાર્ય હાથે કરવા માટે સક્ષમ નથી. અને સમયે સમયે તેઓ તોફાન પણ કરી લે છે. રંજનબેનના પરિવારે જ્યારે રંજન બેનને હૂંફ અને સેવાની જરૂર છે, ત્યારે જે તેમને તરછોડી દીધા હતા. કોઈ સેવાકીય સંસ્થા અને વૃદ્ધાશ્રમ પણ સાચવવા તૈયાર નથી. ત્યારે ખરા સમયે જ ધનલક્ષમી બેનની હૂંફ તેઓને મળી ગઈ.

વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશી ચૂકેલા ધનલક્ષમીબેન માટે પ્રભુ ભજન, પ્રભુ સેવા કરવા સિવાય કોઈ કામ નથી. ત્યારે તેઓએ રંજનબેનની સેવા શરૂ કરીને તેને જ તેની પ્રભુ સેવા બનાવી દીધી છે. સવારે ઉઠે એટલે પહેલા તેઓ રંજનબેનની ખબર જોશે, પછી તેવો ભગવાનને યાદ કરે છે. ધનલક્ષમીબેનનો નિત્ય ક્રમ જ માનસિક અને શારીરિક રીતે બીમાર રંજનબેન છે. ધનલક્ષ્મીબેન સવારે ઉઠે એટલે લક્ષ્મીબેનની સેવામાં લાગી જાય છે. તેમને નવા કપડા પહેરાવવાથી લઈને ખવડાવવા સુધીનું બધુ કામ તેઓ કરાવડાવે છે. રંજનબેનને કંઈ યાદ રહેતુ નથી. ક્યારેક યાદ આવે તો તે ધનલક્ષ્મીબેનને ઓળખીને જાત જાતની ખાવાની અને અન્ય ફરમાઈશ કરે છે. જેને ધનલક્ષ્મીબેન હસતા હસતા પૂરી કરે છે. ક્યારેક અસ્થિર ને શારીરિક બીમાર રંજનબેન કોઈ તોફાન કરે, કે બીમાર પડે તો ધનલક્ષ્મીબેન ઉછીના રૂપિયા લાવીને તેમની મદદ કરે છે. 

ઘણા વર્ષોથી સેવા કરી રહેલા ધનલક્ષ્મીબેનની પણ ઉંમર 70 વર્ષ થઈ ગઈ છે, ત્યારે આ રીતની સેવા કરવી તેમના માટે પણ મુશ્કેલી છે. આમ છતાં પણ માનવ સેવાને સર્વોપરી ગણતા આ વૃદ્ધાને એક નમન કરવા પડે તે ચોક્કસ છે. 

(5:10 pm IST)