સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th September 2021

પોરબંદરમાં ભગુભાઇ દેવાણીએ પ્રથમવાર શહેર કોંગ્રેસની સ્થાપના કરાવીને પક્ષના પ્રમુખપદની જવાબદારી સંભાળી હતી

વિદ્યાર્થીકાળથી નીડર નેતૃત્વ બાદ સામાજીક રાજકીય અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રશ્નો સામે સફળ લડત ચલાવી લોકપ્રિય બનેલ

(હેેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૫: સામાજીક કાર્યકર અને પુર્વ નગર સેવક ભગવાનદાસભાઇ હિરાલાલભાઇ દેવાણી (ભગુભાઇ દેવાણી) (ઉ.વ.૮પ)નું ગઇકાલે તા.રપ મીએ અવસાન થયું છે. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. આજે સવારે તેમના નિવાસ સ્થાનેથી ભગુભાઇની નીકળેલી અંતીમયાત્રામાં સામાજીક રાજકીય અને ઉદ્યોગક્ષેત્ર તેમજ વિવિધ સેવાકીય સંસ્થાના અગ્રણી સહીત લોકો જોડાઇને સદ્ગતને અંજલી અર્પી હતી. સ્વ.ભગુભાઇ દેવાણીએ દિલ્હીમાં ઇન્દીરા ગાંધીને રૂબરૂ મળીને પોરબંદરમાં સૌ પ્રથમ શહેર કોંગ્રેસની સ્થાપના કરાવીને પક્ષના પ્રમુખપદની જવાબદારી સંભાળી હતી.

વિદ્યાર્થી કાળથી વિદ્યાર્થીઓના પ્રશ્ને નીડર નેતૃત્વ કરીને વિદ્યાર્થીઓને પ્રશ્ને નીડર નેતૃત્વ કરીને વિદ્યાર્થીઓને થતો અન્યાય દુર કરાવ્યો હતો. તેઓએ સામાજીક, રાજકીય અને ઉદ્યોગક્ષેત્રના પ્રશ્ને સફળ લડત ચલાવી હતી.

ધારાસભ્યપદે વસંતભાઇ ખેરાજજીભાઇ હતા તે સમયે તેમની સામે લોકપ્રશ્ને નીડરતાપુર્વક લડત ચલાવીને ભગુભાઇએ લોકોને ન્યાય અપાવેલ હતો.

એક સમયે કોંગ્રેસના પીઢ અગ્રણી અને પુર્વ નાણામંત્રી તથા પુર્વ સાંસદ સ્વ.માલદેવભાઇ ઓડેદરાની સામે ભગુભાઇ અપક્ષ ઉમેદવાર તરીકે સાઇકલના નિશાન સાથે ચુંટણી લડયા હતા.

ઇન્દીરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેઓ પોતે દિલ્હીમાં ઇન્દીરા ગાંધીને રૂબરૂ મળીને પોરબંદરમાં સૌ પ્રથમ શહેર કોંગ્રેસની સ્થાપના કરીને તેમણે પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી.

ભગુભાઇ દેવાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે પણ રહયા હતા. તેમજ ચેમ્બરના સભ્ય તરીકે લાંબો સમય રહયા હતા.  શહેરમાં ગુન્ડા અને માફીયા રાજની જોહુકમી વધતા ભગુભાઇએ તે સામે સંઘર્ષ કરીને જાહેરસભા ભરીને પડકારો ફેંકી શહેરમાં શાંતિ સ્થાપવામાં મહત્વનું યોગદાન આપેલ હતું.

સ્વ. ભગુભાઇએ ભાવનગર રેલ્વે ડીઆરયુસીના મેમ્બર તરીકે એક ટર્મ સુધી સેવા આપીને પોરબંદરને રેલ્વે પ્રશ્ને થતો અન્યાય દુર કરાવ્યો હતો. એક વખત શહેરમાં દારૂ દુષણ વધતા તેને ડામવા ભગુભાઇએ ઝુંબેશ ઉપાડી હતી અને તેઓને માર પડતા હોસ્પીટલમાં સારવાર લેવી પડી હતી.

તેઓ ભાવસિંહજી સરકારી હોસ્પીટલ અને રૂપાળીબા મહિલા હોસ્પીટલમાં નગર પાલીકાના એડવાઇઝરી બોર્ડમાં સભ્યપદે તેમજ પોરબંદર વિભાગીય નાગરીક સહકારી બેન્કના ચેરમેનપદે પણ સેવા આપી હતી. ભગુભાઇ લોક જાગૃતી માટે 'ઇજ્જત' નામનું સાપ્તાહીક ચલાવતા હતા તેઓને નવયુગ સોસાયટીના ઉપપ્રમુખ પદે પણ સેવા આપી હતી.

(1:01 pm IST)