સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

મોરબી પુલ દુર્ઘટના મામલે પાલિકાના સકર્યુલર ઠરાવમાં મોટાભાગના સભ્‍યોએ સહી ના કરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૪ : મોરબી પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટમાં સુઓમોટો પીટીશન દાખલ કરવામાં આવી હોય જેથી વકીલો રોકી તેનો ખર્ચ ઉઠાવવા માટે નગરપાલિકામાં સકર્યુલર ઠરાવ કરવામાં આવ્‍યો હતો જેમાં પાલિકાના ચૂંટાયેલા સદસ્‍યોની સહી માંગવામાં આવી હતી જોકે પાલિકાના અધિકારી પાસેથી -ાપ્ત વિગતો અનુસાર મોટાભાગના સભ્‍યોએ સહી કરી નથી.

ઝૂલતો પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે અને સુનાવણી ચાલી રહી છે જેથી નગરપાલિકાના પક્ષે કેસ લડવા બે વકીલ રોકવાની જરૂરિયાત ઉભી થતા નગરપાલિકા પ્રમુખ અને ઇન્‍ચાર્જ ચીફ ઓફિસરની સહી સાથે સકર્યુલર ઠરાવ કરવામાં આવ્‍યો હતો જેમાં સભ્‍યોની સહી માંગવામાં આવી હતી જોકે શરૂઆતમાં અમુક સભ્‍યોએ સહી કર્યા બાદ હવે મોટાભાગના સભ્‍યો ઠરાવમાં સહી કરવા સહમત જોવા મળતા નથી અને મોટાભાગના સદસ્‍યોએ સહી કરી નથી તેવી માહિતી સુત્રો આપી રહયા છે જેથી હવે પાલિકાના ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

હાલ તો સકર્યુલર પર સહી કરવાથી ચૂંટાયેલા સદસ્‍યો બચી રહયા છે ત્‍યારે બીજી તરફ હાઈકોર્ટમાં ચાલતી સુનાવણીને કારણે વકીલો રોકવા જરૂરી છે ત્‍યારે હવે ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર પોતાને મળેલી સત્તાનો ઉપયોગ કરીને વકીલ રોકવાનો નિર્ણય કરે છે કે પછી અન્‍ય કોઈ રસ્‍તો કાઢવામાં આવે છે તે જોવું રહ્યું.

(1:25 pm IST)