સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

કોંગ્રેસને દિશાવિહીન ગણાવતાં પરસોત્તમભાઈ રૂપાલા

કચ્છના મીની બારડોલી પાટીદાર સમાજના ગઢ કચ્છના નખત્રાણા મધ્યે સભા ગજાવતા કેન્દ્રીય મંત્રી : ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં જાહેરસભા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫

 ચુંટણી પ્રચારની રણનીતિમાં ભાજપ સૌથી આગળ છે. કચ્છના શહેરી વિસ્તારો થી માંડી ગ્રામ્ય વિસ્તારો સુધી ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરાઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા કચ્છના મીની બારડોલી સમાન પાટીદારોના ગઢ નખત્રાણા મધ્યે જાહેરસભાને સંબોધી હતી. કોંગ્રેસને દિશાવિહીન ગણાવતાં શ્રી રૂપાલાએ રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયેલા નર્મદા વિરોધી મેઘા પાટકર ને ઉદ્દેશી ને કોંગ્રેસની મથરાવટી સામે સવાલો કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે અને વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાને જબરદસ્ત જન સમર્થન મળી રહ્યું હોવાનો અને પુનઃ બહુમતી સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જગદીશ જોશી ભાજપમાં જોડાયા હતા. લખપત સહિત વિવિધ ગામોમાં આગેવાનો ભાજપમાં જોડાયા હતા. સભામાં અબડાસા બેઠકના પ્રભારી જયસુખ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ નરસિંગાણી, નયનાબેન પટેલ, સંધ્યાબેન પલણ, વેસલજી તુંવર સહિત નખત્રાણા, અબડાસા, લખપત ત્રણેય તાલુકાના ભાજપના આગેવાનો, કાર્યકરો અને લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(9:59 am IST)