સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

મોત સામે માનવીય સંવેદનાના સંઘર્ષ સાથે જિંદગી હારી !!

 કેન્સરગ્રસ્ત ગરીબ વૃદ્ધાના જીવન માટે એક ભાઈ, ગ્રામજનો, હોસ્પિટલ, ઉદ્યોગગૃહે સંવેદનાભરી સેવા કરી પણ અફસોસ...  

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫

 કચ્છના મુન્દ્રા તાલુકા ના નાનકડા એવા ઝરપરા ગામનો આ કિસ્સો આપણાં હ્રદયના તારને ઝણઝણાવી દે એવો છે. એક ગરીબ વૃદ્ધાના જીવનને બચાવવા ઝઝુમેલા ગામના યુવાનો, ઉદ્યોગગૃહ, હોસ્પિટલ સ્ટાફની માનવીય સંવેદના અને ભાઈ બહેન વચ્ચેની લાગણીનો છે. છેલ્લા  ૨૦ વર્ષ થી રાજી બેન પટ્ટણી (ઉંમર અંદાજે ૬૪)અને મીઠુ ભાઈ પટ્ટણી (ઉંમર અંદાજે ૬૬)આ બને ભાઈ બહેન સાથે જ રહેતા હતા. ગામના સેવાભાવીઓ બિમાર બહેનની સેવા કરતા હતા. ત્યારે આ વૃદ્ધાની બિમારી નિહાળીને સંવેદના દર્શાવી રાજદે ગઢવી એ અદાણી ગ્રુપ ના એકઝિક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત ભાઈ શાહ ને આ બીમાર વૃદ્ધાની મદદ કરવા માટે ફોન કર્યો. એક ગરીબ વૃદ્ધાની દર્દભરી પરિસ્થિતિ સાંભળી દ્રવી ઉઠેલા અદાણી ગ્રુપના એકઝી. ડાયરેકટર રક્ષિત ભાઈ શાહ એ તરત જ અદાણી હોસ્પીટલ ની એમ્બયુલેન્સ ઝરપરા મોકલી મુન્દ્રા ની અદાણી હોસ્પીટલમાં તેમને દાખલ કરાવી સારવાર શરૂ કરાવી. જોકે, પોતાની બહેન રાજી બેન વગર તેમના ભાઈ મીઠુભાઈ  રહી શકતા ન હોવાથી તેમને પણ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.

ઝરપરા ના રાજદે ગઢવી અને કિશોર ગઢવી એ જન સેવા ના રાજ સંઘવી ને ફોન કરતા તેઓ અને અદાણી ગ્રુપ ના રમેશ ભાઈ આયડી મુન્દ્રા ની અદાણી હોસ્પીટલ પહોંચ્યા હતા..

બાદ માં બને ભાઈ બહેન ને અહિંની હોસ્પીટલ માં હોસ્પીટલ ના સ્ટાફે નવડાવી કપડાં પહેરાવી બાદ માં ભોજન કરાવ્યું હતું..

નવાઈ ની વાત એ છે કે રાજી બેન તેના ભાઈ મીઠુ વગર એક મિનિટ રહી શકતા ન હતા અને તે સહેજ દૂર જાય તો બુમાબુમ કરતા હતા. એવો ભાઈ બહેન નો પ્રેમ હતો.. ત્યાર બાદ તેની પ્રાથમિક સારવાર કરી તેના રિપોર્ટ કાઢવા માં આવ્યા હતા અને અદાણી હોસ્પીટલ ના ડો વત્સલ અને તેમની ટીમ એ આ ગરીબ મહિલા નો ઈલાજ શરૂ કર્યો. જોકે, કેન્સર જેવા ચિન્હો હોઈ અને હાલત વધુ ગંભીર લગતા ભુજમાં અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પીટલમાં રીફર કરાયા. અહીં ઝરપરાના રાજદે ગઢવી, ભરત ગઢવી અને દશરથ મીંઢાણી સાથે ગયા હતા. હોસ્પિટલમાં અદાણી ફાઉન્ડેશન વતી કિશોર ભાઈ ચાવડાએ સંભાળ લીધી અને બિમાર રાજી બેન ની સારવાર હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ શરૂ કરી. જોકે, ભુજ ની જનરલ હોસ્પીટલમાં આ ગરીબ વૃદ્ધાની તબિયત તેમ જ સારવાર માટે  અદાણી ગ્રુપ ના રક્ષિતભાઈ શાહએ સતત ખબરઅંતર પૂછી કાળજી લઈ તેમની સારવાર માં કોઈ કચાશ ન રહે એવી સ્ટાફ ને સૂચનાઓ આપી હતી.

સતત ૪૦ દિવસ સુધી કેન્સર ની બિમારી ની સારવાર લઈ રહેલા રાજીબેને ગત ૨૧મી ના રાત્રે અંતિમ શ્વાસ લીધા. મોત સામે જિંદગી હારી, માનવીય સંવેદના હારી, એક ભાઈનો પ્રેમ હાર્યો. વર્ષો થી સાથે જ રહેતા ભાઈ બહેન ની જોડી ખંડિત થઈ. આ ગરીબ વૃદ્ધાના મોતથી ઝરપરા ગામના રહેવાસીઓ, સેવાભાવી યુવાનો, જન સેવા સંસ્થા, અદાણીના એક્ઝી. ડાય. રક્ષિત શાહએ શોકની લાગણી વ્યક્ત કરી છે. (પૂરક માહિતી; રાજ સંઘવી, મુન્દ્રા)

(10:00 am IST)