સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

મુન્દ્રા સેઝમાં ૭૭ કરોડના સૌંદર્ય પ્રસાધનો જપ્ત: વેનીટી કેસના નામે દાણચોરી 

દાણચોરી દ્વારા સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડનારાઓની માહિતી મીડિયાથી શા માટે છુપાવાય છે?, કેસ થયા બાદ આવા દેશદ્રોહી તત્વોને ઉજાગર કરવા જોઈએ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫

કેન્દ્ર સરકારની ઉદાર નીતિનો લાભ લઈ દાણચોરી કરતાં તત્વો કાયદાની છટકબારી દ્વારા દેશની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે. ડીઆરઆઈ દ્વારા મુન્દ્રા બંદરે વેનીટી કેસના નામે ચીનથી મુન્દ્રા સેઝ મધ્યે આવેલ કન્ટેનર અટકાવી તેમાંથી ૭૭ કરોડના સૌંદર્ય પ્રસાધનો જપ્ત કર્યા છે. એક માલના નામે બીજો માલ મંગાવી દાણચોરી દ્વારા દેશની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર વ્હાઈટ કોલર દાણચોરો ખુલ્લેઆમ સરકારની આંખમાં ધૂળ ઝોંકી રહ્યા છે. જેમ પોલીસ ગુનેગારોની ઓળખ અંગેની માહિતી જાહેર કરી મીડિયા સુધી પહોંચાડે છે એ રીતે જ એજન્સીઓ દ્વારા દાણચોર તત્વોની માહિતી મીડિયા સુધી પહોંચાડવી જોઈએ. જેથી દેશને નુકસાન પહોંચાડનારા દાણચોર તત્વોના ચહેરા બેનકાબ થાય. આવા તત્વો સામે કેસ કર્યા બાદ વિવિધ એજન્સીઓ દ્વારા સયુંકત રીતે તપાસ થવી જોઈએ જેથી દાણચોરી અટકી શકે. આ કેસમાં પણ આ માલ ક્યાં જવાનો હતો? આયાતકાર પેઢી કોણ છે? કસ્ટમ કલિયરિંગ એજન્ટ કોણ છે? પોર્ટ ઉપરથી માલ પકડાયો કે પછી ખાનગી કન્ટેનર સ્ટેશનમાં? એ અંગે માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે.

(10:02 am IST)