સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

સૈનિક સ્‍કૂલ બાલાચડી, જામનગરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ સૈનિક સ્‍કૂલ બાલાચડીમાં ૧૯૬૩-૧૯૭૮ બેંચના ઓલ્‍ડ બોયઝ એસોસિએશનના ૮૭ સભ્‍યોએ તેમના જીવનસાથીઓ સાથે સૈનિક સ્‍કૂલ બાલાચડીની મુલાકાત લીધી હતી. તેમના આગમન પર શૌર્ય સ્‍તંભ - શહીદોના યુદ્ધ સ્‍મારક પર પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્‍માનમાં એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ઇંગ્‍લેન્‍ડના બે ભૂતપૂર્વ શિક્ષકો કે જેઓ સૈનિક સ્‍કૂલ બાલાચડીમાં ૧૯૬૦ દરમિયાન ભણાવતા હતા તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પર ઓબ્‍સાના સભ્‍યોએ સ્‍કૂલને એક નવી બાઇક અને ૨૫ કોમ્‍પ્‍યુટર અર્પણ કર્યા હતા.કાર્યક્રમની શરૂઆત સ્‍કૂલ સભાખંડમાં સૈનિક સ્‍કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતા દ્વારા સ્‍વાગત પ્રવચન સાથે થઈ હતી. ઓબ્‍સાના તમામ સભ્‍યોનો પરિચય સૈનિક સ્‍કૂલ બાલાચડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી કર્નલ સુબીર આહલુવાલિયા દ્વારા કરાવવામાં આવ્‍યો હતો. ઓબ્‍સાના વિવિધ સભ્‍યોએ સભાને સંબોધિત કરી અને કેડેટ્‍સને તેમના ભાષણોથી પ્રોત્‍સાહિત કર્યા હતા. આ પ્રસંગે બોલતા, લેફટનન્‍ટ જનરલ નોબલ થમ્‍બુરાજ, પીવીએસએમ, એસએમ (નિવૃત્ત), તેમના સંબોધનમાં કેડેટ્‍સને બે વિચાર આપ્‍યા - પ્રથમ, જયારે પણ તમને ડર લાગે ત્‍યારે માત્ર પુકાર કરો અને બીજું, સખત મહેનત પ્રતિભા કરતાં વધુ અજાયબી પ્રાપ્ત કરે છે.એર માર્શલ એસ.સી મુકુલ, પીવીએસએમ, એવીએસએમ, વીએમ, વીએસએમ (નિવૃત્ત), એ ટીમના સભ્‍ય કેવી રીતે બનવું તે સમજાવ્‍યું અને કહ્યું કે સ્‍કૂલ એ પસંદ કરેલ કારકિર્દી તરફ ધ્‍યાન કેન્‍દ્રિત કરવા માટે શિષ્ટાચાર, સમૂહ ભાવના અને નેતૃત્‍વની ગુણવત્તા જેવા મૂળભૂત ગુણો પ્રદાન કરે છે. લેફટનન્‍ટ જનરલ વિજય શર્મા, પીવીએસએમ, એવીએસએમ (નિવૃત્ત)એ સૈનિક સ્‍કૂલ બાલાચડીની તેમની યાદો શેર કરતી વખતે જણાવ્‍યું હતું કે સ્‍કૂલમાં વિતાવેલો સમય તેમના વ્‍યક્‍તિત્‍વને જીવનના દરેક ક્ષેત્રમાં ઘડતો હતો. કેડેટ્‍સને એનડીએમાં જોડાવા માટે પ્રેરિત કરતી વખતે તેમણે એમ પણ કહ્યું કે સશસ્ત્ર દળો જે આપે છે તે જીવનની ગુણવત્તા અને તકો અજોડ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તમે વિદ્યાર્થી જીવનમાં જેટલો પરસેવો પાડશો, તેટલી પુખ્‍ત વયમાં તમને ઓછી તકલીફ પડશે. લેફટનન્‍ટ જનરલ અસિત મિસ્ત્રી, પીવીએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ (નિવૃત્ત) એ તેમના ભાષણમાં જણાવ્‍યું હતું કે એનડીએની લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટે કેડેટ્‍સ દ્વારા વ્‍યવસ્‍થિત ઓયોજન જરૂરી છે. વર્ગખંડ સિવાય, તેની બહાર ઘણું શીખવાનું હોય છે તેથી કેડેટે તેનું મન હંમેશા ખુલ્લું રાખવું જરૂરી છે. મેજર અર્જુન નાણાવટી (નિવૃત્ત) એ ૧૯૭૧ ના યુદ્ધના તેમના અનુભવો શેર કર્યા હતા. તેમણે સ્‍મૃતિચિહ્ન તરીકે સ્‍કૂલને કોફી ટેબલ બુક પણ આપી હતી. કેપ્‍ટન (આઈએન) દિનેશ કે લાંબા (નિવૃત્ત)એ તેમના ભાષણમાં જણાવ્‍યું હતું કે લોકો દરેક બાબતમાં સારા ન પણ હોય પરંતુ તેઓ હજુ પણ શ્રેષ્ઠ બનવા માટે સખત મહેનત કરવાનું ચાલુ રાખે છે. તેમણે ભૂકંપ સમયે બાલાચડીમાં તેમના રોકાણ દરમિયાનના અનુભવો અને યાદો શેર કરી હતી. સ્‍કૂલના વરિષ્ઠ શિક્ષકશ્રી આર.કે.સુવાગિયાએ સૌનો આભાર વ્‍યકત કર્યો હતો. ઓબ્‍સાના સભ્‍યોએ તેમના જીવનસાથીઓ સાથે લીડર ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. સાંજે સભાખંડમાં સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ધોરણ-૬ ની વિદ્યાર્થિની કેડેટ જિયા દોશી દ્વારા ભરત નાટ્‍યમ રજૂ કરવામાં આવ્‍યું હતું, ત્‍યારબાદ શ્રી આર.એસ. મિશ્રા, આર્ટ માસ્‍ટર દ્વારા વાંસળી પર મંત્રમુગ્‍ધ સંગીત તથા કેડેટ્‍સ અને સ્‍ટાફ દ્વારા ગીતો રજૂ કરવામાં આવ્‍યા હતા. સ્‍કૂલના ઇન્‍ડોર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સમાં ઉપાહાર દરમિયાન કેડેટ્‍સ સાથે તેમની યાદો, અનુભવો અને માર્ગદર્શન શેર કર્યા અને તેમના આ વાર્તાલાપ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

(11:21 am IST)